કોંગ્રેસમાં જૂથવાદ:NSUI ના રાષ્ટ્રીય પ્રમુખના કાર્યક્રમમાં હાર્દિક પટેલના જૂથે જૂના જૂથને આમંત્રણ નહીં આપતા અનેક આગેવાનો ગેરહાજર

અમદાવાદએક વર્ષ પહેલા
NSUI ના વિદ્યાર્થી અધિકારી સંમેલન કાર્યક્રમમાં હાર્દિક પટેલ પણ હાજર
  • NSUI ના નવા જૂથે હાર્દિક પટેલના કારણે જૂના જૂથને ટાળવાનું શરૂ કર્યું
  • NSUIના કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ પહોંચ્યા

કોંગ્રેસમાં સળગતો જૂથવાદ અવારનવાર સામે આવી રહ્યો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI પણ કેટલાક સમયથી વિવાદમાં છે. NSUI ના રાષ્ટ્રીય પ્રમુખ આજે અમદાવાદ આવવાના છે અને એક કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યારે NSUI ના એક જૂથને કાર્યક્રમ અંગે જાણ જ કરવામાં આવી નથી અને NSUI ના પ્રમુખને પણ મોડી રાતે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી નારાજ જૂથે કાર્યક્રમમાં હાજર નહી રહેવા જણાવ્યું છે. નારાજ જૂથના આગેવાનોએ કહ્યું હતું કે હાર્દિક પટેલના જૂથે જૂના જૂથને આમંત્રણ ના આપ્યું જેથી અનેક આગેવાનો ગેરહાજર રહ્યાં છે. પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતાં.

આજે વિદ્યાર્થી અધિકાર સંમેલનનો કાર્યક્રમ છે
NSUI ના રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદનની હાજરીમાં આજે લૉ ગાર્ડન ખાતે વિદ્યાર્થી અધિકાર સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં NSUIના આગેવાન ઉપરાંત વિદ્યાર્થીઓને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ NSUIના ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફર મેમ્બર,સેનેટ મેમ્બર,કોલેજના પ્રમુખ સહિત એક જૂથને નજરઅંદાજ કરીને કાર્યક્રમમાં આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી.

ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આજે વિદ્યાર્થી એકતા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો
ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આજે વિદ્યાર્થી એકતા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો

નેશનલ એજ્યુકેશન પોલીસી એક પ્રકારનું ખાનગીકરણ
લો ગાર્ડન ખાતેના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આજે વિદ્યાર્થી એકતા સંમેલન કાર્યક્રમ દરમિયાન NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદને જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રમાં ખાનગીકરણ શરુ થયું છે જેના કારણે સરકારી નોકરીઓ પૂરી થઇ છે.નેશનલ એજ્યુકેશન પોલીસી લાવ્યા છે જે ખાનગીકરણ જ છે જેનાથી સામાન્ય વર્ગ માટે શિક્ષણ અસંભવ થશે.કોરોનામાં ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જેમાંથી વિદ્યાર્થીઓ માટે કોઈ પેકેજ જાહેર કરવામાં આવ્યું નહોતું. દેશ અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓને સક્રારે વેચી દીધો છે.કોરોના દરમિયાન ફી માફી પણ કરવામાં આવી નથી આમ તમામ મુદ્દાઓને લઈને સરકાર સામે લડવું પડશે.

ગુજરાતનો યુવક 2022માં ભાજપ માટેનો રીપિટ થિયરી લાવશે
હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકાર શિક્ષણ પાછળના ખર્ચા વધારતી જાય છે. શિક્ષણનો વેપાર રોકવામાં આવે, ખાનગીકરણ દ્વારા થતી લૂંટ બંધ કરવામાં આવે. યુવાનોને કોલેજમાંથી પ્લેસમેન્ટ આપવામાં આવે. હાર્દિકે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં યુવાઓ નવી શક્તિ સાથે સરકાર સામે લડવા તૈયાર છે.4 દિવસ પહેલા મુખ્યમંત્રી બદલવા પડ્યા,મંત્રી બદલવા પડ્યા ગુજરાતનો યુવક 2022માં ભાજપ માટેનો રીપિટ થિયરી લાવશે. શિક્ષણ મંત્રીનો છોકરો કોપી કરતો પકડાયો,ગૃહમંત્રી 8 પાસ તો અધિકારીઓ ક્યાંથી એમની વાત માનવાના છે. હું તમને વિનતી કરવા માંગુ છું કે યુનિવર્સિટી સામે લડાઈ લડવાની જરૂર છે તો સાથે મળીને લડીએ.દેશની ટોપ 10 યુનિવર્સિટીઓમાં ગુજરાતની એક પણ નથી આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા અને કાળિયાઓની ગુલામીમાં હવે આવી ગયા છીએ. જેથી હવે સાથે મળીને નવી ક્રાંતિની શરૂઆત કરો.

NSUIમાં 2 જૂથ ચાલી રહ્યા છે
NSUIમાં 2 જૂથ ચાલી રહ્યા છે

NSUIમાં 2 જૂથ ચાલી રહ્યા છે
NSUI ના આગેવાને જણાવ્યું હતું કે NSUIમાં 2 જૂથ ચાલી રહ્યા છે. જેમાં જૂથને સાઈડ લાઈન કરીને નવું જૂથ આગળ વધી રહ્યું છે. કેટલાય સમયથી ચાલી રહેલ આ વિવાદ બાદ આજે રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન આવી રહ્યાં છે અને તેમનો કાર્યક્રમ પણ યોજાવવાનો છે પરંતુ અમને આમંત્રણ જ આપવામાં આવ્યું નથી. અમને બીજા દ્વારા જાણવા મળ્યું હતું કે કાર્યક્રમ થઈ રહ્યો છે. જેથી અમે કાર્યક્રમમાં હાજર પણ રહેવાના નથી.NSUI ના ગુજરાતના પ્રમુખ મહિપાલ સિંહ ગઢવીને પણ ગઈકાલે રાતે જ કાર્યક્રમ તૈયાર થઈ ગયા બાદ જાણ કરવામાં આવી છે.

હાર્દિક પટેલના કારણે વિવાદ જાગ્યો
કોંગ્રેસ પણ કે પ્રકારે જૂથવાદ ચાલી રહ્યો છે જે પ્રકારનો જ જૂથવાદ NSUI માં પણ ચાલી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ આવ્યા બાદ NSUI ના નવા જૂથે હાર્દિક પટેલના કારણે જૂના જૂથને ટાળવાનું શરૂ કર્યું છે..અગાઉ પણ આ પ્રકારે નાના મોટા કાર્યક્રમમાં જૂથ પાડીને કેટલાક આગેવાનોને અળગા રાખ્યા હતા