તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્રકાર પોલિટિક્સમાં:ઈસુદાન ગઢવી જ નહીં ખામ થિયરીના જનક માધવસિંહ સોલંકી પણ પત્રકાર બન્યાં બાદ રાજકારણમાં પ્રવેશ્યા હતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈસુદાન ગઢવી જ નહીં ખામ થિયરીના જનક માધવસિંહ સોલંકી પણ પત્રકાર બન્યાં બાદમાં રાજકારણમાં પ્રવેશ્યા હતા

આજે આપના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવીએ ‘આપ’નું ‘ઝાડું’ પકડ્યું છે. ગુજરાતમાં ક્લિન અને ઓનેસ્ટ પોલિક્સ માટે લોકોને અપીલ કરીને વિધિવત રાજકારણી બન્યા છે. ત્યારે ગુજરાતમાં અગાઉ પણ કેટલાક પત્રકારો રાજકારણમાં આવી ચૂક્યા છે. જેમાં ખામ થિયરીના જનક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી પણ સામેલ છે. આ સિવાય જિગ્નેશ મેવાણી, વિષ્ણુ પંડ્યા પણ સામેલ છે.

ઈસુદાન ગઢવી: પત્રકારત્વ રાજકારણમાં ડગ માંડ્યાં
2007થી 2011 દરમિયાન તેમણે પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 સુધીમાં ઈસુદાને ન્યૂઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રિલેટેડ સ્ટોરીમાં સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં કામ કર્યું હતું. ત્યાર બાદ 2015માં તેઓ VTV સ્થાનિક ગુજરાતી ચેનલના સૌથી યુવા હેડ તરીકે જોડાયા. જેમાં તેમણે સ્પેશિયલ પ્રોગ્રામ, ઈન્વેસ્ટિગેટિવ ન્યૂઝ સ્ટોરીને મહત્વ આપ્યું. બાદમાં તેમણે મહામંથન નામના ડીબેટ શોના હોસ્ટ તરીકે શરૂઆત કરી અને આ શો ગુજરાતમાં લોકપ્રિય શો બની ગયો હતો. હવે તેમણે VTVમાંથી રાજીનામું આપીને પત્રકારત્વ છોડીને રાજકારણમાં પગ મૂક્યો છે.

સ્વ. માધવસિંહ સોલંકી
સ્વ. માધવસિંહ સોલંકી

માધવસિંહ સોલંકી: ગુજરાતમાં ખામ થિયરીના જનક અને રેકોર્ડબ્રેક બેઠક જીતનાર મુખ્યમંત્રી
ઇકોનોમિક્સ, પોલિટિક્સ અને હિસ્ટ્રી સાથે સ્નાતક થયા બાદ સ્વ. માધવસિંહ સોલંકી ઈન્દુલાલ યાજ્ઞિકની ભલામણથી પત્રકાર માસિક રૂ. 80ના પગારથી એક સમાચારપત્રમાં નાઈટ એડિટર બન્યા હતા. રાજકારણ, સાહિત્ય, સંગીત, પત્રકારત્વ, કલા એમના પ્રિય વિષય હતા. 4 વખત મુખ્યમંત્રી રહ્યા હતા, તેમના મુખ્યમંત્રીકાળમાં સૌથી વધુ 149 વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ છે. કેન્દ્ર સરકારમાં પણ તેઓ આયોજન મંત્રી તથા વિદેશમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા હતા. ખામ થિયરીથી વિધાનસભામાં સૌથી વધુ બેઠક જીતવાનો રેકોર્ડ કર્યો હતો. જે આજ સુધી અંકબંધ છે. તેઓનું 2021ની શરૂઆતમાં 9 જાન્યુઆરીએ 94 વર્ષની વયે નિધન થયું હતું.

જિગ્નેશ મેવાણી
જિગ્નેશ મેવાણી

જિગ્નેશ મેવાણી: પત્રકાર, સામાજિક ચળવળકાર અને હવે રાજકારણી
2016ના ચકચારી ઉના કાંડના પગલે ગુજરાતની દેશ અને દુનિયામાં બદનામી થઈ. ગીર-સોમનાથના ઉના તાલુકાના મોટા સમઢિયાળાના 4 અનૂસૂચિત જાતિના લોકોને ગૌ-વંશની હત્યાના આરોપસર મારતા રાજ્યમાં આંદોલન થયું હતું. આ આંદોલનની આગેવાની જિગ્નેશ મેવાણીએ લીધી અને આરોપીઓને સખત સજાની માગ સાથે આંદોલન ચલાવ્યું. દરમિયાન 2017ની ગુજરાત વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી બનાસકાંઠાના વડગામથી ધારાસભ્ય બન્યા. હાલ તેઓ વિધાનસભામાં પોતાના મતવિસ્તારના પ્રશ્નો તેમજ અનુસૂચિત જાતિના પ્રશ્ને અવાજે ઉઠાવે છે. કોરોના મહામારીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે લોકો પાસે વી ધ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ ડબ્બામાં ડોનેશન ઉઘરાવ્યા હતા. જો કે જે નામે સંગઠન બનાવ્યું હતું તેનું કોઈ કારણસર એકાઉન્ટ સીલ થયું હતું. જિગ્નેશ મેવાણીએ 2004માં પત્રકારત્વમાં ડિપ્લોમા કરીને 2007 સુધી સાપ્તાહિક અભિયાનમાં પત્રકાર તરીકે રહ્યા હતા.

વિષ્ણુ પંડ્યા
વિષ્ણુ પંડ્યા

પદમશ્રી વિષ્ણુ પંડ્યા: રાજકારણમાં બાપૂ સાથે જોડાયા પછી વિરામ લીધો
શંકરસિંહ વાઘેલાએ સપ્ટેમ્બર 1996માં સુરેશ મહેતાની ભાજપની સરકાર ઉથલાવી હતી અને મુખ્યમંત્રી પણ બની ગયા હતા. બાપૂની રાજપામાં વિષ્ણુ પંડ્યા પણ પ્રવકતા તરીકે જોડાયા હતા અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જો કે તેઓ ચૂંટણી લડ્યા ન હતા. બાપૂની રાજપાએ 1998માં ત્રણ બેઠક જીતી હતી. બાપૂએ બાદમાં કોંગ્રેસમાં પ્રવેશ કરતા રાજપાનું વિસર્જન થઈ ગયું હતું. જેને પગલે વિષ્ણુ પંડ્યા રાજકારણમાં આગળ વધી શક્યા ન હતા. જો કે પત્રકારત્વમાં તેમના યોગદાનને પગલે 2017માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદમશ્રી એનાયત કરાયો હતો. તેઓ જૂનાગઢના માણવદર જન્મ્યા હતા અને તેમના પિતા દક્ષિણ આફ્રિકામાં વેપાર કરતા હતા, જો કે બીજા વિશ્વયુદ્ધને પગલે તેઓ પરત ફર્યા હતા. તેઓ પત્રકાર, કટાર લેખક, નવલકથાકાર, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર તરીકે સક્રિય છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં કટાર લખે છે. હાલમાં તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે અને વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

અશ્વિન વ્યાસ
અશ્વિન વ્યાસ

અશ્વિન વ્યાસ: સરકારી નોકરી કરી, કુકર રિપેરિંગ કર્યું પછી પત્રકાર બન્યા
ગાંધીનગરમાં 2010-11માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપ્ના થઈ ત્યારે અશ્વિન વ્યાસ કોંગ્રેસમાંથી કોર્પોરેટર બન્યા હતા. 1990થી તેઓ રાજકોટના સાંધ્ય દૈનિક અકીલાના ગાંધીનગર ખાતેના સચિવાલય અને પોલિટિકલ રિપોર્ટિંગ કરે છે. સરકારી વિભાગના R&Bમાં નોકરી કરતા હતા. તે દરમિયાન 1984-90 દરમિયાન વિવિધ મંત્રીઓના પીએ રહ્યા હતા. ત્યારબાદ તેઓ પત્રકાર રીતે કામગીરી કરી રહ્યા છે. તેમની કોલેજ લાઈફ દરમિયાન સવારે કોલેજ અને સાંજે તેમની કુકર મિક્ષર રિપેરિંગની દુકાન ચલાવતા હતા. જેને તેમનું ઉપનામ અશ્વિન કુકર પડી ગયું હતું અને કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન તેમનું નામ પણ કુકર લખાવ્યું હતું.

યમલ વ્યાસ
યમલ વ્યાસ

યમલ વ્યાસ: હાલ ભાજપના મુખ્ય પ્રવક્તા, બિઝનેશ એડિટર રહી ચૂક્યા છે
યમલ વ્યાસ 1996-97માં અંગ્રેજી બિઝનેશ સાપ્તાહિક બ્લ્યુચીપ ઈન્વેસ્ટમેન્ટના એડિટર હતા. ત્યારબાદ તેઓ દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલમાં સક્રિય હતા. તેઓ ભાજપમાં લાંબા સમયથી સક્રિય હતા. જો કે વચ્ચેના સમયગાળા દરમિયાન તેઓ રાજકારણથી દૂર રહ્યા હતા. જોકે, ચૂંટણીના સમયગાળા દરમિયાન તેમને ફરી જવાબદારી સોંપાવા આવી હતી. ભાજપ દ્વારા ગુજરાતના મુખ્ય પ્રવક્તા બનાવાયા છે.

કિશોર મકવાણા
કિશોર મકવાણા

કિશોર મકવાણા: 30 વર્ષના પત્રકારત્વ બાદ હવે ભાજપના મીડિયા સહપ્રભારી
ભાજપના મીડિયા સહપ્રભારી કિશોર મકવાણા પણ પત્રકાર છે. તેઓ 30 વર્ષથી પત્રકારત્વમાં છે. તેઓ નમસ્કાર નામનું મેગેઝિન ચલાવે છે. તેઓ ન્યાય, સામાજિક સમતા-સમરસતા વિષય પર લખતા રહ્યા છે. તેઓ વર્ષોથી દિવ્યભાસ્કરની સાપ્તાહિક પૂર્તિ રસરંગમાં સોશિયલ નેટવર્ક કોલમ લખતાં હતા. આ સિવાય તેમને તત્કાલિન અટલબિહારી વાજપેયીએ સામાજિક સમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદના પત્રકારત્વ બદલ નચિકેતા પુરસ્કાર એનાયત કરાયો હતો.