• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Not 'Kejri'wal' Say Guarantee'wal', The Popularity Of The AAP Leader Will Also Make The Congress Fume, In Vadodara Only The Corporator Has To Be A Contractor!

સાહેબ મિટિંગમાં છે:કેજરી‘વાલ’ નહીં, ગેરંટી‘વાલ’ કહો, આ મામલતદારની ગમે ત્યાં બદલી કરો; ચુંબકની જેમ સુરત પહોંચી જાય; મંત્રીનું કામ વધ્યું તો ઊચું ટેબલ લાવ્યા!

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવીએ છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના (AAP) અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત આવી એક નવી ગેરંટી આપી જાય છે. આનાથી ગુજરાતની જનતામાં એક નવી આશા જન્મી રહી છે અને શાસક ભાજપ તો ઠીક હવે તો વિપક્ષ કોંગ્રેસ પણ ધૂંઆપૂંઆ થઈ રહી છે. કોંગ્રેસને તો ગુજરાતમાં વિપક્ષની પોતાની રહીસહી દુકાન બંધ થઈ જવાની બીક લાગવા માંડી છે. આ સંજોગોમાં કોંગ્રેસના નેતાઓ પણ AAPના નેતાને 'ગેરંટીવાલ' કહીને બોલાવા માંડ્યા છે. AAPના નેતા દર અઠવાડિયે ઉપરાઉપરી એક ગેરંટી આપી જઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ એમ પણ કહી રહ્યા છે કે જેવું ઇલેક્શન જાહેર થવાને સમયે આમ આદમી પાર્ટી પાસે પ્રજાને કહેવાની કોઈ ગેરંટી બચશે કે નહિ.

ઊતર્યો અમલદાર જ નહીં, ઊતર્યા નેતા પણ કોડીના
સુરત ભાજપના એક જૂના શહેર પ્રમુખને પોતાના જન્મદિવસે થયું કે પાર્ટી કાર્યાલયે જઈને શુભેચ્છા લેતો આવું, પણ બન્યું એવું કે આ નેતા ભાજપ કાર્યાલય પર આવતાં તો વર્તમાન હોદ્દેદારોએ તેમની સાથે અંતર રાખ્યું હતું. જૂના પ્રમુખે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી, પરંતુ પોતાની ચેમ્બરમાં બેઠેલા વર્તમાન સંગઠનના હોદ્દેદારોમાંથી કોઈ પોતાની કેબિનમાંથી બહાર પણ આવ્યા ન હતા. જૂના પ્રમુખના સમર્થકો દ્વારા પહેલાંથી જ મેસેજ મૂકવામાં આવ્યો હતો કે માજી શહેર પ્રમુખ પોતાના જન્મદિવસે કાર્યાલય ખાતે આવવાના છે. આ મેસેજ વહેતો થતાં તેમના સમર્થનમાં ન હોય તેવા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કાર્યાલય પર ફર્ક્યા પણ નહોતા.

વડોદરામાં ભાજપમાં કોર્પોરેટરને કોન્ટ્રેક્ટ લેવા છે
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં સ્થાયી સમિતિને બધા ટીખળમાં મલાઇદાર સમિતિ કહે છે. સ્થાયીની બેઠકના દિવસે પહેલાં શહેર ભાજપ કાર્યાલયે સંકલનની બેઠક મળતી હોય છે. આ બેઠકમાં બધી કામગીરી અગાઉથી જ વહેંચી દેવાય છે. આ વખતે બન્યું એવું કે રોડ સફાઈ કરવાના મશીનના કોન્ટ્રેક્ટ કોને આપવા એની ચર્ચા ચાલી રહી હતી તો ભાજપાના જ એક કાઉન્સિલરે પોતાને આ કોન્ટ્રેક્ટ મળે એ માટે માગણી કરી હતી. આ સાંભળીને ભડકેલા પ્રદેશ મહામંત્રીએ પેલા કાઉન્સિલરને ખખડાવતાં કહ્યું કે એ ભાઈ... આપણે કામ લેવાનાં ન હોય. લોકોનાં કામ કરવાનાં હોય. સંકલનમાં બોલ્યો તે બોલ્યો, પણ બહાર ના બોલતો. આ વખતે શહેર ભાજપ-પ્રમુખ ડો.વિજય શાહ, મહામંત્રી સુનીલ સોલંકી, મેયર કેયૂર રોકડિયા, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, સહિતના ઉપસ્થિત હતા.

કોંગ્રેસ ચૂંટણી મેનેજમેન્ટને બદલે 'મેનપાવર' મેનેજમેન્ટમાં વ્યસ્ત
સોમવારે એટલે કે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અમદાવાદ રિવરફ્રન્ટ પર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતભરમાંથી કોંગ્રેસ સમર્થિત પ્રજાને ભેગી કરવા આખીય કોંગ્રેસ લાગી છે. છેલ્લા દસ દિવસથી કોંગ્રેસના તમામ નેતાઓ ભીડ કેવી રીતે ભેગી કરવી તેના આયોજનમાં લાગી ગયા છે. વિવિધ જિલ્લા પ્રમુખોનો પણ ટાર્ગેટ આપી દેવાયા છે, તેથી કોંગ્રેસના જ માર્ગદર્શક મંડળના નેતાઓ એમ કહી રહ્યા છે કે જેટલી મહેનત રાહુલની સભામાં માણસો લાવવા પાર્ટી કરે છે, તેવી મહેનતા પ્રમુખથી લઇને છેક નીચે સુધી ઇલેક્શનને લઈને અત્યારથી કરવામાં આવે તો નોંધપાત્ર બેઠકો મળે. અહીં તો મેન પાવર મેનેજમેન્ટમાં આખી પાર્ટી લાગી હોય એવું લાગે છે.

નલ સે જલ યોજનાનો છેલ્લી ઘડીનો અમલ 'પરસેવો' છોડાવે છે
અત્યારે ગુજરાતમાં ચૂંટણી ટાણે ‘નલ સે જલ’ જેવી ભારત સરકારની સ્કીમ માટે વાસ્મો નામની ગુજરાત સરકારની ઓથોરિટી છેલ્લે જાગી છે. હાલમાં તમામ જિલ્લાઓમાં નળ કનેકશન મળે એ કામગીરી માટે ઉપરથી દબાણ કરાવી રહી છે. એમાં વિવિધ ડિપોર્ટમેન્ટ, જેવા કે પાણીપુરવઠા અને વીજળીને લગતા વિભાગને એક મહિનામાં કામગારી કરી દેવાના ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે, જેને પગલે હવે કલેક્ટર ખડેપગે ફોલોઅપ લઇ રહ્યા છે. તો કર્મચારીઓ અને અધિકારી પણ કહી રહ્યા છે. આ તો ઇલેક્શન જાહેર થવા અગાઉ અમારો તો મરો થઈ જાય છે.

આ મામલતદારને ગમે ત્યાં નાખો, 3 મહિનામાં સુરત આવી જાય છે
ભ્રષ્ટાચાર નહીં ચલાવવાની ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારની નેમ વચ્ચે એક મામલતદાર એવા છે કે જેમને જ્યાં પણ નાખો, ઓળખાણ લગાવીને તેઓ પાછા સુરત જ આવી જાય છે. દક્ષિણ ગુજરાતના એક પૂર્વ મંત્રીએ નવી બનેલી સરકારમાં આ મામલતદાર અંગે ફરિયાદ કરી હતી. આ પૂર્વ મંત્રી વિશે એમ કહેવાય છે કે તેમના દ્વારા કરેલી ફરિયાદ ક્યારેય પૂર્વગ્રહયુક્ત ના હોય એટલે એમાં તાત્કાલિક નિવારણ લાવવામાં આવે જ. મામલતદાર અંગેની ફરિયાદના આધારે મહેસૂલ વિભાગે આ મામલતદારને અમરેલી પોસ્ટિંગ આપ્યું. પોસ્ટિંગના ત્રણ જ માસમાં આ મામલતદારે ફરીથી દક્ષિણ ગુજરાતના જ એક નેતા સાથે સબંધ કેળવી અને પોતાનું પોસ્ટિંગ સુરત ખાતે કરાવી દીધું છે. આમ, જો નવી સરકારમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાની વાત કરવામાં આવે છે તો એક મામલતદાર 3 જ માસમાં કેવી રીતે બદલી લઈ આવી શક્યા?

સમયપાલનની વાતો કરતા મંત્રી પોતે જ સમયનું પાલન કરતા નથી
સચિવાલયમાં જ્યારે પણ કેબિનેટ બ્રીફિંગ રાખવામાં આવે ત્યારે પ્રવક્તા મંત્રી માહિતી ખાતા મારફત બ્રીફિંગનો સમય આપે છે, પરંતુ જે સમય આપે છે એના કરતાં તેઓ હંમેશાં અડધો કલાક, પોણો કલાક મોડું જ આવતાં હોય છે. બીજી તરફ તેમની ચેમ્બરમાં તેમને મળવા આવતા મુલાકાતીઓના કિસ્સામાં પણ આ જ સ્થિતિ ઉદવતી હોય છે. મુલાકાતીઓને કામની પ્રાયોરિટી અંગે ભાન કરવામાં સમય બગાડતા મંત્રી બીજાના સમયનું મૂલ્ય સમજી શકતા નથી.

મંત્રીને ખાતા મળતાં કામ વધ્યું એટલે સ્ટેન્ડિંગ ટેબલ વસાવ્યું
તાજેતરમાં જ રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલને માર્ગ-મકાન વિભાગનો હવાલો મળ્યો છે. આનાથી તેમની કામગીરી સાથે આવતા અરજદારોનું પ્રમાણ વધ્યું છે. તેમણે તાત્કાલિક ધોરણે અરજદારોને સંતોષી તેમના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે તે માટે પ્રયોગ હાથ ધર્યો છે. તેમણે એક સ્ટેન્ડિંગ ટેબલ વસાવ્યું છે, જ્યાં તેઓ જાતે જ ઊભા રહીને અરજદારોને બોલાવી તેમની સમસ્યા સાંભળે છે અને અરજીનો નિકાલ કરે છે. ભૂતકાળમાં પણ એક અગ્ર સચિવ દ્વારા પણ આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

રાજકોટના બિલ્ડર સામે તપાસ EDની, રેલો ભાજપના નેતા સુધી
રાજકોટના ટોચના બિલ્ડર જૂથની પ્રોપર્ટી ઇન્કમટેક્સે ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કર્યાની ચર્ચા છે. ત્યારે હવે સમગ્ર પ્રકરણમાં નવા ધડાકાના એંધાણ વર્તાય છે. રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા એક આગેવાનને ઇન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનું (ઇડી) તેડું આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં, બિલ્ડર જૂથની સાથે કનેક્શન ધરાવતા અન્ય એક ટોચના બિલ્ડરની પણ મોટી બેનામી પ્રોપર્ટીનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ વિભાગે ઘટસ્ફોટ વિશે પૂછતાં બિલ્ડરોથી માંડીને રાજકીય વર્ગમાં જબરો ખળભળાટ સર્જાયો છે. બીજી તરફ એમ પણ કહેવાય છે કે બિલ્ડર સાથે વ્યાપક કનેક્શન ધરાવતા અને અમદાવાદ રોડ પર જ બે મોટા પ્રોજેક્ટોમાં જ જંગી રોકાણ કરનારા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું માથું ગણાતા ટોચના બિલ્ડરની એન્ટ્રીઓનો પણ ઘટસ્ફોટ થયો છે.

અન્ય સમાચારો પણ છે...