ફરિયાદી જ ગુનેગાર:તમિલનાડુના સરકારી ટેન્ડરમાં નહીં, વિશાલ ગાલાએ ઓનલાઈન ગેમ્બલિંગમાં 27 કરોડ ગુમાવ્યા

અમદાવાદ16 દિવસ પહેલા

અમદાવાદ સાયબર ક્રાઇમમાં વિશાલ મુળચંદભાઇ ગાલા પોતાની સાથે તમિલનાડુના સરકારી ટેન્ડર આપવાની લાલચ આપી તેમની સાથે અજાણ્યા ઇસમોએ આશરે રૂ. 27 કરોડની છેતરપિંડી થયાંની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન આ ફરિયાદીએ આ ફરિયાદ પોલીસને ગેરમાર્ગે દોરી હોવાની તેમજ આ ફરિયાદમાં જણાવેલી રકમ તે ઓનલાઇન નોન-સ્કીલ ગેમિંગ રમાડતી INDIA24BET.COM વેબસાઇટ ઉપર હારી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદીએ ઓનલાઇન ગેમ્બલિંગ કરી પૈસા હારજીત કરેલા હોવાની હકીકત સામે આવતા અલગથી ગુનો દાખલ કરી ફરિયાદીની જ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

રો-મટિરિયલ્સમાં સસ્તા ભાવની લાલચની ફરિયાદ
અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા ફરિયાદી વિશાલ મુળચંદભાઇ ગાલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી કે, અજાણ્યા ઇસમોએ તેમની સાથે તેઓ જે તમિલનાડુ સરકારમાં જે બેગનું ટેન્ડર બહાર પડેલું છે, તે અપાવવાની લાલચ આપી તેમજ તે કામનું રો-મટિરિયલ સસ્તા ભાવે આપવાની લાલચ આપી અજાણ્યા ઇસમોએ આશરે રૂપિયા 27 કરોડની છેતરપિંડી આચરેલી છે.

સાયબર ક્રાઈમે મોબાઈલ નંબરના આધારે તપાસ કરી
સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.સરોદેએ ફરિયાદીની ફરિયાદના આધારે ફરિયાદી સાથે વાતચીત કરવા સામાવાળાએ ઉપયોગ કરેલા મોબાઇલ નંબરની ડીટેલ્સ કઢાવતા આ નંબરનું લોકેશન કર્ણાટકનું બેંગ્લુરું મળ્યું હતું. જેથી પોલીસે મોબાઇલ નંબરના ઉપયોગ કરનાર બાબતે બેંગ્લુરું ખાતે જઇ તપાસ કરતાં કરનસિંઘ દાનસિંઘ રાવત મળી આવેલો હતો. જે કરનસિંઘ રાવત FONEPAISA કંપનીનો પણ ડાયરેક્ટર હોવાની વિગત તપાસ દરમિયાન મળી આવી હતી.

વિશાલ ગાલા ફોનપૈસાના બેંકમાં પૈસા જમા કરતા
કંપનીના બેંક એકાઉન્ટમાંથી જ ફરિયાદીના ખાતામાં પૈસા જમા થતા હોય અને તેઓ જે પૈસા બીજા એકાઉન્ટમાં કરતા તેમાંથી આગળ FONEPAISAના બેંક એકાઉન્ટમાં જમા થતા હોવાની હકીકત મળી આવી હતી. તેને તેની પાસેથી મળી આવેલા ડીવાઇસ સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. જે કરનસિંઘને અમદાવાદ લાવ્યામાં આવ્યો હતો.

વિશાલ ગાલા પોતાની મરજીથી ગેમ્બલિંગ કર્યુ
અમદાવાદમાં કરનસિંઘની પુછપરછ કરતા તેણે જણાવેલું કે, આ કામના ફરિયાદી સાથે તેને આવી કોઇ ટેન્ડર પ્રોસેસ બાબતે વાતચીત થયેલી નથી, કે તેમની પાસેથી ટેન્ડર અપાવવાનુ કહી કે રો-મટિરિયલ્સ આપવાનું કહી ફરિયાદી વિશાલ ગાલા પાસેથી પૈસા ભરાવેલા નથી. પરંતુ વિશાલ ગાલાએ પોતાની મરજીથી INDIA24BET.COM નામની નોન સ્કીલ ગેમિંગથી પૈસા હારજીત કરવા માટે પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાંથી તેમજ તેમની કંપનીના ગાલા ગ્લોબલ પ્રોડક્ટ લિમિટેડના બેંક એકાઉન્ટમાંથી FONEPAISAના નોડલ બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ કે પછી બીજા બેંક એકાઉન્ટ મારફતે પૈસા ભરેલા છે અને ગેમ્બલિંગ કરેલું છે.

સાયબર ક્રાઈમમાં કરેલી ફરિયાદ ખોટી
વિશાલ ગાલાએ ગેમ્બલિંગ કરી હોવાની હકીકત જાણવા મળી હતી. જેથી તે બાબતે તુરંત ઇલેક્ટ્રિક એવિડન્સ મળી આવતા ઇલેક્ટ્રિક્સ એવિડન્સમાં મળી આવેલા મની ફ્લોને ફરિયાદીના બેંક એકાઉન્ટ સાથે ચેક કરતા તમામ એન્ટ્રીઓ ફરિયાદીએ ફરિયાદમાં ટેન્ડર માટે ભરેલી હોવાની હકીકત જણાવેલી તેની સાથે મેચ થતી હતી. તેમજ તેના સિવાય પણ અન્ય ઇલેક્ટ્રિક એવિડન્સ મળી આવેલી હતી. જેથી ગુનાની તપાસ દરમિયાન આ કામના ફરિયાદી વિશાલ ગાલાએ લખાવેલી ફરિયાદ તદ્દન ખોટી હોવાની હકીકત જાણવા મળી હતી.

ઓનલાઇન ગેમ્બલિંગમાં હારજીતનો સટ્ટો લગાવ્યો
ફરિયાદમાં જણાવ્યા મુજબની રકમ કોઇ ટેન્ડર પ્રોસેસ માટે નહીં, પરંતુ ઓનલાઇન ગેમ્બલિંગમાં પૈસા હારજીત કરવા ઉપયોગ કરેલો હોવાની હકીકત જાણવા મળી હતી. તેમજ આ વિશાલ ગાલાએ તપાસ માટે અરજી આપ્યા બાદ પણ પોતે INDIA24BET.COM કંપનીમા લાખો કરોડોની ગેમ્બલિંગ કરતા હોવાની હકીકત તેમના બેંક ટ્રાન્જેક્શન ઉપરથી મળી આવેલી હતી. જેથી સાયબર ક્રાઈમે ગેમ્બલિંગનો ગુનો દાખલ કરી આરોપી વિશાલ ગાલાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ગુનો કરવા ઉપયોગમાં લીધેલા 2 મોબાઇલ ફોન મળી આવતા ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...