તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ઉત્તર-મધ્ય ગુજ.માં વરસાદ પડી શકે છે, દ્વારકા-મથુરા સહિત દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને બીજો ગોલ્ડ

અમદાવાદ23 દિવસ પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર છે, તારીખ 31 ઓગસ્ટ, શ્રાવણ વદ નોમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની શક્યતા.
2) રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજકુમાર ચાર્જ સંભાળશે.
3) અમદાવાદમાં કોરોના વેક્સિનેશન અભિયાનનો ‘મહામંગળવાર’, 255 જેટલા સ્લમ વિસ્તારોમાં થશે રસીકરણ.
4) વરસાદ ઓછો પડવાને કારણે વીંછિયા તાલુકાના ખેડૂતો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની આગેવાનીમાં રાજકોટમાં એકત્ર થશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) દ્વારકા સહિત ભક્તોની હાજરીમાં રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઊઠ્યા
રાજ્યભરનાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ મુજબ, ભક્તોએ કતારમાં ઊભા રહી ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યાં હતા. ત્યાર બાદ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેને પગલે કૃષ્ણ મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગુંજી ઊઠ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) ચોટીલા મંદિરે દર્શને આવેલી સગર્ભાને ડુંગરનાં પગથિયાં પર પ્રસવ પીડા ઊપડી, માતાજીના ધામમાં જ બાળકીને જન્મ આપ્યો
આજે જન્માષ્ટમીના પર્વ પર ચોટીલામાં બિરાજતાં ચામુંડા માતાજીનાં દર્શન કરવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. તો બીજી તરફ મંદિરે દર્શનાર્થે આવેલી એક સગર્ભા મહિલાને ડુંગર ચડતી સમયે પ્રસૂતિની પીડા ઊપડતાં પગથિયાં પર જ બાળકીનો જન્મ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને માતા-બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

3) ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર, પગથિયાં ટૂંકા પડતાં ભાવિકો ડુંગર ચડવા માંડ્યા
આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીનાં દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતુ. ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાથી ડુંગરનો ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. શ્રદ્ધાળુઓ માટે ડુંગર ચડવા માટે પગથિયાં પણ ટૂંકા પડ્યા હોવાથી લોકો આડેધડ ડુંગર ચડવા માંડ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી, અનેક જિલ્લોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી, ખેડૂતોના પાકને નવ જીવનની આશા
અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં મેઘ રાજાની એન્ટ્રી થતાં લોકોને ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ઉપલેટા પાસે ચાલુ ઇકો કારનું ટાયર ફાટ્યું, એક બાજુનો આખો ભાગ ચીરાઇ ગયો, ફરવા નીકળેલા ભાવિ દંપતીનું મોત, 2ને ગંભીર ઇજા
રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારનું અચાનક જ ટાયર ફાટતાં પલ્ટી મારી ઢસડાઇ હતી અને કારનો એક બાજુનો આખો ભાગ જ ચીરાઇ ગયો હતો. પોરબંદર હાઈવેથી ઉપલેટા તરફ ઇકો કાર આવી રહી હતી અને તેમાં પાંચ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ફરવા નીકળેલું ભાવિ દંપતી લિખિતાબેન નિમાવત અને અર્જુનભાઈ નિરંજનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

6) ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને બીજો ગોલ્ડ, સુમિત અંતિલે જેવલિન થ્રોમાં વર્લ્ડ રેકોર્ડની સાથે જીત્યો ગોલ્ડ; ભારતનો સૌથી સફળ પેરાલિમ્પિક
ટોક્યો પેરાલિમ્પિકમાં સોમવારે ભારતીય એથલીટ્સે કમાલ કરી દીધી. શૂટર અવનિ લેખરા પછી જેવલિન થ્રોઅર સુમિત અંતિલે ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો છે. તેને F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સુમિતે ફાઈનલમાં 68.55 મીટરનો થ્રો કર્યો. સુમિતનો 5મો થ્રો બેસ્ટ રહ્યો. સુમિતે 66.95 મીટર, 68.08 મીટર, 65.27 મીટર, 66.71 મીટર અને 68.55 મીટરનો થ્રો કર્યો. છઠ્ઠો થ્રો ફાઉલ રહ્યો.
વાંચો સમાચાર વિગતવાર

7) શ્રીનગરના લાલ ચોક પર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ; હંદવાડામાં 1989 બાદ કાશ્મીરી પંડિતોએ પ્રથમવાર પ્રભાત ફેરી કાઢી
દેશભરમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, પણ આ વખતે કાશ્મીરી પંડિતો માટે જન્માષ્ટમી કંઈક વિશેષ બની ગઈ છે. ઉત્તરી કાશ્મીરના હંદવાડામાં કાશ્મીરી પંડિતોએ 32 વર્ષ બાદ પ્રભાત ફેરી કાઢી હતી. પ્રભાત ફેરી સમયે ભગવાન કૃષ્ણને કોરોનાના ખાતમા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. બીજી બાજુ શ્રીનગરના લાલ ચોક પર પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ. અહીં લોકો નાચતા-ગાતા કૃષ્ણ જન્મની ઉજવણી કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર
8) ગોકુળ, મથુરા, વૃંદાવનમાં કૃષ્ણ જન્મની ઉજવણી, રાધરમણ મંદિરમાં ભગવાનને 751 કિલો ઔષધીય પંચામૃતથી અભિષેક કરાયો
શ્રી કૃષ્ણની નગરી મથુરા, ગોકુળ અને વૃંદાવનમાં કૃષ્ણ જન્મોત્સવ માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. દેશના દરેક ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો મથુરા પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણનો જન્મ બપોરે થયો હતો. તેથી જ અહીં દિવસ દરમિયાન જ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) સુરતમાં અકસ્માત બાદ બ્રેઈન ડેડ ધોરણ-12ના બે મિત્રોના હૃદય સહિતના અંગોનું દાન, 12-12 વ્યક્તિઓને નવજીવન
2) અમદાવાદના કાંકરિયા કિડ્સ સીટીમાં નોકરી કરતી મહિલાએ ઉપરી અધિકારીના ત્રાસથી દવાની ગોળીઓ ગળી, મણિનગર-વટવા પોલીસની ફરિયાદ નોંધવા એકબીજાને ખો
3) અમદાવાદમાં જન્માષ્ટમી અને ગણોશોત્સવની મંજૂરી મળતાં ખેલૈયાઓએ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી, ગરબા ક્લાસીસમાં વેઇટિંગ શરૂ.
4) હિન્દુવાદી નિવેદન મુદ્દે વજુભાઈ વાળાએ કહ્યું- નીતિનભાઈનું નિવેદન વ્યક્તિગત છે, હું કોઈના સ્ટેટમેન્ટનાં વખાણ કે ટીકા નથી કરતો.
5) તાલિબાને દુનિયામાં સારી ઈમેજ બનાવા માટે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવ્યો
6) પુણેમાં સ્પેશ્યલ-26 ફિલ્મ સ્ટાઈલથી લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ, 9 લોકો આવકવેરા વિભાગના અધિકારી બની જ્વેલરી શોપ પર દરોડા પાડ્યા હતા.

આજનો ઈતિહાસ
વર્ષ 1995માં આજના દિવસે પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી બિઅંતસિંઘની આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી, દેશમાં કોઈ મુખ્યમંત્રીની હત્યા કરાઈ હોય તેવી આ પ્રથમ ઘટના હતી.

અને આજનો સુવિચાર
તું બધાં જ કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે એની ચિંતા છોડ. હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...