ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ગઈ કાલથી અમદાવાદ કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ થયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં 131 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડા, બોડેલી, જેતપુર પાવી, વિસાવદર, સહિતના વિસ્તારોમાં થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. જ્યારે આગામી 26થી 30 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જેમાં 28 અને 30 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
કોરા ધાકોર રહેલા અમદાવાદમાં ગઈ કાલથી જબરદસ્ત વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારે કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શહેરમાં એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે.સોમવારે રાત્રે શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. કાળજુ કંપાવી દે તેવા કડાકાથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હતો.
આજે સવારે 6થી બપોરે બે વાગ્યા સુધીનો વરસાદ
તાલુકો | વરસાદ (મિમી) |
જાંબુઘોડા | 162 |
બોડેલી | 134 |
જેતપુરપાવી | 120 |
વિસાવદર | 86 |
ક્વાંટ | 73 |
વાલિયા | 68 |
દેદિયાપાડા | 67 |
વાઘોડિયા | 60 |
નડિયાદ | 59 |
વાંસદા | 50 |
માંગરોળ | 49 |
ઉમરેઠ | 48 |
જંબુસર | 47 |
વસો | 46 |
હાલોલ | 43 |
નસવાડી | 43 |
મહુધા | 42 |
ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
ઝોન | ઈંચ | ટકા |
ઉત્તર ગુજરાત | 17.32 | 61.4 |
દક્ષિણ ગુજરાત | 43.46 | 75.5 |
મધ્ય ગુજરાત | 21.53 | 67.87 |
કચ્છ | 13.42 | 77.12 |
સૌરાષ્ટ્ર | 24.37 | 88.35 |
ગુજરાત | 25.27 | 76.44 |
રાજ્યના આ વિસ્તારોમાં હજી વરસાદની ઘટ
આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે, આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 43 ટકા ઓછો વરસાદ પડ્યો છે.રાજ્યમાં અત્યારસુધીમાં 76 ટકા વરસાદ થયો છે, જ્યારે 16 ટકા વરસાદની ઘટ છે.
સપ્ટેમ્બરની શરૂઆતમાં 50 ટકા વરસાદની ઘટ હતી
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 76 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 16 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે તેમજ હાલમાં પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લૉ-પ્રેશર સક્રિય થવાની સાથે મોન્સૂન ટ્રફની અસરોથી આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં 102 જળાશયો 70% અને 51 ડેમ 100% ભરાયાં
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76% વરસાદ થયો છે. ગત વર્ષે 20 સપ્ટેમ્બર સુધી 130% વરસાદ થઇ ગયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ 54% ઓછો વરસાદ છે. હાલ સરદાર સરોવરમાં 54 ટકા સંગ્રહ છે. સારા વરસાદને કારણે 15 દિવસમાં જળાશયોના જળસંગ્રહમાં 15 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે મધ્ય ગુજરાતને બાદ કરતાં તમામ ઝોનમાં 100%થી વધારે વરસાદ થઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.