નોનવેજ વિવાદ:રાજકોટ-વડોદરા બાદ અમદાવાદમાં પણ નોનવેજ- ઈંડા નહીં વેચી શકાય, ધાર્મિક સ્થાનો પાસે લારી દૂર કરવા એક મહિના પહેલા આદેશ

અમદાવાદ2 મહિનો પહેલા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ
  • જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે.: સ્ટે.ચેરમેન હિતેશ બારોટ
  • અમદાવાદમાં દરેક વિસ્તારમાં જાહેરમાં લાયસન્સ વગર નોનવેજની લારીઓ અને ફૂડ સ્ટોલ ઉભા થઇ ગયા છે

રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે જેને લઈ અમદાવાદ શહેરમાં જાહેરમાં જે ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રહે છે તેના પર પ્રતિબંધ લાગશે કે કેમ તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે Divyabhaskar સાથે વાતચીત કરી હતી. જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ અંગે તેઓએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહિના પહેલા શહેરમાં ધાર્મિક સ્થાનોની આસપાસ ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લોકોને નાક બંધ કરવું પડે તેવી ગંધ આવતી હોય છે
અમદાવાદ શહેરમાં હવે દરેક વિસ્તારમાં જાહેરમાં ઈંડા-નોનવેજની લારીઓથી માંડી અને ફૂડ સ્ટોલ ઉભા થઇ ગયા છે. સાંજે મોટાભાગના વિસ્તારોમાં ઇંડાની લારીઓની લાઈનો લાગે છે. જેમાં લારીમાં ખુલ્લેઆમ ચિકન, મટન, માસ અને મચ્છી તળેલી મુકવામાં આવે છે. સાંજે રોડ પરથી પસાર થતા ઘણા લોકોને નાક બંધ કરવું પડે તેવી ગંધ આવતી હોય છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જાહેરમાં લારીઓ પર નોનવેજ ખુલ્લામાં વેચાતું હોય છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરતા નથી. સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે ત્યારે આગામી દિવસોમાં આવી લારીઓને બંધ કરવા ડ્રાઇવ યોજવામાં આવી શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નોનવેજ વેચવાનું લાયસન્સ છે કે કેમ
શહેરના ચાંદખેડા વાળીનાથ ચોકમાં જાહેરમાં 5થી7 લારીઓ, પૂર્વ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર ઓઢવ-નિકોલથી નરોડા તરફ જતા રોડ પર અનેક ઈંડા અને નોનવેજના ફૂડ સ્ટોલ અમે રેસ્ટોરન્ટ ઉભી થઇ ગઇ છે. બાપુનગર, ગોમતીપુર, જમાલપુર, નરોડા, મેઘાણીનગર, ગોતા, થલતેજ, વસ્ત્રાપુર તળાવ વગેરે જગ્યાએ ઈંડા અને નોનવેજની જાહેરમાં લારીઓ ઉભી રહે છે. આ તમામ જગ્યાએ લારીઓમાં નોનવેજ વેચવાનું લાયસન્સ છે કે કેમ તે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા તપાસવાની કાર્યવાહી કરાશે ? જો લાયસન્સ ન હોય તો આવી નોનવેજ-ઇંડાની લારીઓ અને ફૂડ સ્ટોલને બંધ કરાવી માલસામાન જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.