કોરોના વોરિયર્સ:અમદાવાદ સિવિલમાં મેડિકલ સ્ટાફ સાથે ખભો મિલાવી ફરજ નિભાવી રહ્યો છે નોન-મેડિકલ સ્ટાફ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ગ 4ના કર્મચારી 45 ડિગ્રી ગરમીમાં પણ અવિરત સેવા બજાવી રહ્યા છે

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝીટીવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 1200 બેડની ક્ષમતા ધરાવતી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે જેમાં મેડીકલ સ્ટાફની સાથે ખભે-ખભો મિલાવીને નોન-મેડીકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ તેમજ પેરા-મેડીકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની દિવસ-રાત સેવા કરી રહ્યા છે ત્યારે નોન-મેડીકલ સ્ટાફ સ્વીપર્સ, સફાઈકર્મી, સિક્યુરિટી સ્ટાફ, એમ્બ્યુલન્સના ડ્રાયવર્સ વગેરે 45 ડિગ્રી ગરમીમાં પણ અવિરત સેવા બજાવી રહ્યા છે. 

દર્દીઓના સગા માટેની વ્યવસ્થા નોન-મેડિકલ સ્ટાફ કરે છે
માનવજીવનના રક્ષણ માટે પોતાના જીવની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યાં છે. આ યોધ્ધાઓ ઘર અને પરિવારની ચિંતા કર્યા વિના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરવી એજ મૂળ મંત્ર છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 1200 બેડની ક્ષમતા ધરાવતી કોવિડ હોસ્પિટલની પાસે દર્દીઓના સગાઓને રહેવા માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યો છે. દર્દીઓના સગાઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ટોઈલેટ, બાથરૂમ અને બે ટાઈમ ભોજન તેમજ નાસ્તા માટે કેન્ટીન, આરામ માટે ગાદલાં સહિતની વ્યવસ્થા પણ નોન-મેડીકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.
600થી વધારે સફાઈકર્મીઓ ફરજ બજાવે છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા બે મહિનાથી સતત ત્રણ પાળીમાં નોન-મેડીકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. કોરોના હોસ્પિટલ ખાતે વર્ગ 4 નાં અંદાજિત 600થી વધારે સફાઈકર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. કોરોના વોર્ડમાં પ્રતિદિન દર્દીઓને કપડાં બદલાવવા, વોર્ડને એકદમ સાફ રાખવા માટે 6 ટાઈમ પોતું મારવાની વ્યવસ્થા, દર્દીઓના બેડની ચાદર અને ઓશીકાંના કવર પણ નિયમિતપણે બદલવામાં આવી રહ્યાં છે. દર્દીઓને શાંત, સુંદર અને પ્રફુલ્લિત વાતાવરણ પુરું પાડવા માટે તમામ પ્રયત્નો નોન-મેડીકલ સ્ટાફ દ્વારા કરવામા આવે છે.
દર્દીઓને સલામતી માટે સિક્યુરિટી સ્ટાફ ખડેપગે
સ્વીપર્સ દ્વારા દર એક કલાકે ટોઈલેટ અને બાથરૂમ સાફ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ચેપને ફેલાતો રોકી શકાય. એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી તેમનો જીવ બચાવે છે.  સિક્યુરિટી સ્ટાફ પણ સતત દર્દીઓને સલામતી માટે 24 X 7 ખડેપગે રહે છે. વર્ગ-4ના કર્મીઓ દ્વારા ટોઈલેટ-બાથરૂમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશનથી સાફ કરવામાં આવે છે જેથી આ રોગનું સંક્રમણ બીજા કોઈન ન લાગી શકે. આઈસીયુમાં દાખલ કરેલ દર્દીઓનાં મળમૂત્ર સાફ કરવાં તેમજ તેમના શરીરને સ્પંચ કરી પાવડર પણ લગાવવાનું કામ પણ સફાઈકર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.  

અન્ય સમાચારો પણ છે...