રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય કરતા SEBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર- આવકના દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી આપવાની જાહેરાત કરી છે. જે યુવાનોના આ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રની મુદ્દત 31 માર્ચે પૂરી થઇ ગઇ છે તે દાખલાઓ હવે 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી 17 લાખી વધુ લાભાર્થીઓને લાભ મળશે.
દાખલા પ્રમાણપત્રોની મુદ્દત આપોઆપ એક વર્ષ માટે વધારી દેવાશે
SEBC માટેના નોન ક્રિમિલેયર સર્ટીફિકેટ, આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમિલેયર પ્રમાણપત્રોની સમયમર્યાદા 31 માર્ચ 2020ના પૂર્ણ થતી હોય તે આપોઆપ 31-3-2021 સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે. આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહીં. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે આવકના દાખલા માટે રાજ્યના 13 લાખ 92 હજાર અને નોન ક્રિમિલેયર સર્ટીફિકેટ માટે 2 લાખ 98 હજાર લાભાર્થીઓ મળી 17 લાખ જેટલા લોકોને લાભ થશે.
નવા શૈક્ષણિક વર્ષમાં દાખલા માટે સરકારી કચેરીએ નહીં જવું પડે
લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમિલેયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહીં પડે અને 31 માર્ચ 2020એ પૂરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે 31-3-2021 સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે. રાજ્યમાં અનૂસુચિત જાતિ-જનજાતિના યુવાઓ-લોકોને જે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે. આવા SC, ST જાતિ પ્રમાણપત્ર ધારકોએ પણ જે-તે સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલા પ્રમાણપત્રો માન્ય રહેશે અને તેની કોઇ સમયમર્યાદા નથી તે બાબત પણ યથાવત રાખવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.