ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં મે મહિના સુધીમાં ગુજરાતના શહેરોમાં સરેરાશ 23.96 કલાક અને ગ્રામ્ય વિસ્તારોમાં 23.76 કલાક વીજળી સપ્લાય કરવામાં આવે છે. શહેરોમાં વીજળી પૂરી પાડવા મામલે દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વધુ સારું કામ કરી રહ્યા છે.
વીજળી પહોંચાડવામાં ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે
ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પુરવઠો પહોંચાડવામાં ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે છે. વર્ષ 2021-22માં રાજ્યના શહેરોમાં સરેરાશ 23.96 કલાક જ વીજળી પૂરી પાડવામાં આવી હતી, જ્યારે ગામડાઓમાં તે 23.50 કલાક થતી હતી. ચાલુ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ થોડી સુધારા પર જોવા મળી છે. દેશમાં 24 કલાક વીજળી પૂરી પાડવા મામલે લોકસભામાં પૂછવામાં આવેલા સવાલનો કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે આપેલા જવાબમાં આ વિગતો સામે આવી છે.
શહેરોમાં સરેરાશ 23.78 અને ગ્રામ્યમાં સરેરાશ 21.48 કલાક વીજળી
રજૂ કરેલા જવાબ મુજબ, દેશનું એક પણ રાજ્ય એવું નથી જ્યાં 24 કલાક વીજળી સપ્લાય કરવામાં આવે છે. ચાલુ વર્ષમાં દેશના શહેરોમાં સરેરાશ 23.78 અને ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 21.48 કલાક વીજળીનો પુરવઠો આપવામાં આવે છે. નોંધનીય છે કે, આસામ, દિલ્હી, ગોવા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, લદાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડનું નેશનલ પાવર પોર્ટલ પર મેપિંગ થતું નથી. હરિયાણા અને હિમાચલના ગામોમાં સૌથી ખરાબ સ્થિતિ છે.
ગુજરાતનાં ગામડાઓમાં છેલ્લા એક વર્ષમાં વીજળીનું કવરેજ થોડું સુધર્યું
વર્ષ 2021-22 | વર્ષ 2022-23 | |||
રાજ્ય | શહેરી | ગ્રામ્ય | શહેરી | ગ્રામ્ય |
દિલ્હી | 24 | - | 23.98 | - |
મહારાષ્ટ્ર | 23.99 | 23.16 | 23.99 | 23.93 |
મધ્ય પ્રદેશ | 23.88 | 19.35 | 23.98 | 22.7 |
ગુજરાત | 23.96 | 23.5 | 23.96 | 23.76 |
મેઘાલય | 23.93 | - | 23.95 | - |
હરિયાણા અને હિમાચલનાં ગામોમાં સૌથી કફોડી સ્થિતિ
વર્ષ 2022-23ના સમયગાળામાં મે મહિના સુધીના રજૂ થયેલા આંકડાઓ મુજબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ સૌથી ઓછો વીજળી સપ્લાય 14.05 કલાક કરવામાં આવે છે. કર્ણાટકના ગામડાઓમાં 16.88 કલાક, ત્રિપુરામાં 19.21 કલાક અને બિહારમાં 20.77 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે.
શહેરોના મામલે જમ્મુ અને કાશ્મીરમાં વીજળીના ધાંધિયા
જમ્મુ-કાશ્મીરના શહેરોમાં ચાલુ વર્ષે સરેરાશ 19.83 કલાક વીજળી સપ્લાય કરવામાં આવે છે. બાકીના રાજ્યોના શહેરોમાં સરેરાશ 23 કલાકથી વધારે વીજળી પૂરી પાડવામાં આવે છે. બિહારના શહેરોમાં 23.39 કલાક, હરિયાણામાં 23.46 કલાક, પંજાબમાં 23.51 કલાક, ઉત્તરાખંડમાં 23.53 કલાક વીજળી પુરવઠો આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.