એડિટરની કલમે એનાલિસિસ:ગુજરાત નામની પ્રયોગશાળામાં ભાજપનું સર્જન-વિસર્જન-નવસર્જન, મોદીએ કોરોનાની તક ઝડપી ગાડી અને ગિયર એક સાથે બદલી નાખ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકપણ મંત્રીને રિપીટ ન કરીને ભાજપે પોલિટિકલ-ગર્વનન્સનો એક નવો માપદંડ સ્થાપ્યો છે
  • કોરોનાથી સંભવિત નારાજગીને ભૂંસીને મોદીએ કોરી પાટી કરી નાખી

આઝાદ ભારતના રાજકીય ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના ગુજરાતના મંત્રીમંડળની રચના વખતે બની છે. એકપણ મંત્રીને રિપીટ ન કરીને એક રીતે ભાજપે પોલિટિકલ-ગર્વનન્સનો એક નવો માપદંડ સ્થાપ્યો છે. કોરોનાએ મોદીને એકઝાટકે ગુજરાત ભાજપના આંશિક વિસર્જન અને સંપૂર્ણ નવસર્જનની તક આપી દીધી. મોદીએ આ તક ઝડપી લીધી. ગુજરાતમાં ભાજપે ગાડી અને ગિયર બંને એક સાથે બદલી નાખ્યા. મોદીએ પ્રજાને, પક્ષને અને વિપક્ષને બધાને ચોંકાવ્યા તો છે સાથે એવો માપદંડ બનાવ્યો છે જેને કોઇ રાજકીય પક્ષ કે ઇવન મોદીના અનુગામીને પણ ભવિષ્યમાં અનુસરવો પડશે. મોદીએ સ્પષ્ટ નિર્ણય લીધો. મોદીના આ નિર્ણયને બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ કહી શકાય. નો રિપીટમાં મોદીએ જાણે કહ્યું નો મિન્સ નો.

પાર્ટી વિથ ડિફરન્સ સાબિત કર્યું
ભાજપનું પાર્ટી વિથ ડિફરન્સનું મોડેલ હવે મોદી મોડલ બની ગયું છે. નો રિપીટ થિયરીમાં સૂકા ભેગું લીલું બળી ગયું એવું ઘણા લોકો કહેશે પણ મોટો ફાયદો લેવો હોય તો નાનું નુકસાન વેઠવું પડે એ મોદી બરાબર જાણે છે. છેલ્લા કેટલાક સમયથી પક્ષનું આ સ્લોગન ઘસાઇ કે ભૂલાઇ ગયું હોય એવી છાપ ઉપસી હતી. મોદી આ વાત બરાબર સમજે છે અને એટલે જ નરેન્દ્ર મોદી દર વખતે માત્ર ચોંકાવે છે એટલું જ નહિ પણ દરેક વખતે ઝટકો આપવાની તેમની રીત પણ અલગ અલગ હોય છે. માત્ર પ્રજાને નહિ પાર્ટીને પણ ચોંકાવતા તેમને આવડે છે. પ્રજાના માનસમાં તમારું (એટલે કે ભાજપનું) માન ઘટી રહ્યું છે એવું મોદીએ વાંચી લીધું. અહીં સુધી તો બધાને ખબર હોય છે. દીવાલ પર લખેલા સત્યને વાંચીને તેને સમૂળગુ ભૂંસી નાખવાની હિંમત માત્ર મોદીમાં જ છે.

મોદી-શાહ : સંગઠન-સરકારના સોગઠાંમાં અજોડ
મોદી અને શાહ બંને ગુજરાતમાં જ રાજકારણના પાઠ ભણ્યા. અહીં તેમણે અનેક પ્રયોગો કર્યા એને સફળ પણ ગયા છે. હવે દેશભરમાં ગુજરાતના પ્રયોગો અમલમાં પણ મૂક્યા છે. આ જોડીએ સરકાર અને સંગઠનનું એક નવું જ મોડલ બનાવ્યું છે જે હવે ભાજપની રૂલબુક બની ગયું છે. ભાજપમાં મોદી-શાહ પછી કોણ એ સવાલનો ઉકેલ આ મોડેલમાં છે. કેન્દ્રમાં અને રાજ્યોમાં આ બંનેએ એક નવી પેઢી તૈયાર કરી દીધી છે જે હવે મોદી-શાહની પાઠશાળાના સ્ટુડન્ટસ છે. આ તેમની જ વફાદાર પેઢી છે જે આગામી દાયકાઓમાં પક્ષને આગળ લઇ જશે. ગુજરાતમાં સરેરાશ 60 વર્ષની આયુષ્યના મંત્રીમંડળને ઘરભેગું કરીને તેમણે સરેરાશ 53 વર્ષની આયુષ્યવાળું યુવાન મંત્રીમંડળ તૈયાર કરી દીધું.

ગુજરાતમાં જ કેમ?
ગુજરાત એ હિન્દુત્વની પ્રયોગશાળા હતી અને છે એ વાત ફરી સાબિત થઇ ગઇ. ભાજપનો જન્મ આ પ્રયોગશાળામાંથી જ થયો છે. ગુજરાતમાં સંઘના મૂળિયા દેશના અન્ય પ્રાંત કરતાં વધુ ઊંડા છે. હિન્દુત્વની વિચારધારા સાથે સત્તાનો સંયોગ કરવાનો પ્રયોગ ગુજરાતમાં થયો. તેના માટે દાયકાઓ સુધી જનસંઘ-સંઘ અને પછી ભાજપના નેતાઓએ પરસેવો પાડ્યો છે. એટલે જ પ્રજા સાથે જોડાયેલા રહેતા સંઘના સ્વયંસેવકોનો ફીડબેક પણ આવો જ હતો.

હિન્દુઓની આસ્થાના પ્રતીકો ઓળખ્યા
દાયકાઓ પહેલાં સંઘની શાખા મારફતે દેશભકિતના રંગે ગુજરાતને રંગ્યું. કરોડો હિન્દુઓના હૃદયના ખૂણામાં પડેલી રામમંદિરની આસ્થાને બરાબર સમજીને 1989માં સોમનાથથી જ અયોધ્યા સુધીની રથયાત્રા કાઢીને દેશભરના હિન્દુઓમાં રામમંદિરની આશા જગાવી. સોમનાથ અને અયોધ્યા કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક હતા અને એ રથયાત્રાથી એ સ્થાપિત થઇ ગયા. બંનેમાં મોગલ શાસન અને તે વખતના આક્રમણની સમાનતા હતી એ વાત બરાબર સમજીને લોકહૃદય સુધી પહોંચાડી. એવી જ રીતે કાશ્મીરમાં 370ની કલમની નાબૂદી અને ટ્રિપલ તલાકના મુદ્દા પણ તેમના રાજકીય એજન્ડામાં લીધા. અહીં પણ ભણેલા હિન્દુ મતદારો પણ ભાજપ સાથે જોડાયા.

નવસર્જનમાં ફાયદો કે નુકસાન?
કોરોના અને એ સિવાયના મુદ્દે લોકોની નારાજગીનું પ્રમાણ 2022ની ચૂંટણી પહેલાં વધવાનું જ હતું. લોકોના મનમાં જે ચહેરાઓ અંકિત થઇ ગયા છે તેને ભૂંસીને મોદીએ કોરી પાટી કરી નાખી. (એક રીતે મોદીએ એ તમામને હારમાંથી બચાવી પણ લીધા છે) 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હાર પોસાય તેમ નથી. મોદીના અસ્તિત્વનો સવાલ આવી જાય. જ્યારે અસ્તિત્વની વાત આવે ત્યારે કોઇપણ માણસ જોખમ લે અને આ તો મોદી છે. મોદી ઇઝ રિસ્ક ટેકર. જોખમ લેવું તેમને ગમે છે. એ જ તેમની ઓળખ છે.

અન્ય સમાચારો પણ છે...