અમદાવાદમાં મુલાકાતથી વિવાદ:AIMIMના પ્રમુખ સાથે કોઈ રાજકીય મુલાકાત થઈ નથી, STP પ્લાન્ટ બાબતે અધિકારીઓની હાજરીમાં ચર્ચા કરી હતી : મેયર કિરીટ પરમાર

અમદાવાદ2 મહિનો પહેલા

આખરે મેયરે AIMIMના કાર્યાલયે તેમની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, AIMIMના પ્રમુખ સાથે કોઈ રાજકીય મુલાકાત થઈ નથી, STP પ્લાન્ટ બાબતે અધિકારીઓની હાજરીમાં ચર્ચા કરી હતી. ત્યારે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સાબિર કાબલીવાલાએ એ મુદ્દે બચાવ કર્યો હતો.

AAPના નેતાઓએ સવાલ ઉઠાવ્યા હતા
ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર વિવાદમાં આવ્યા છે. તેમણે AIMIMના અમદાવાદના આસ્ટોડિયામાં આવેલા પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલા સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા તેમજ તસવીર વીડિયો વાયરલ થયા છે. જેને લઇ રાજકારણ શરૂ થયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા ટ્વિટ કરી અને ભાજપના નેતાઓની AIMIMના પ્રદેશ પ્રમુખ સાથેની મુલાકાત શા માટે થઈ હતી તે દેશને જણાવે અને ખાનગી મિટિંગ અંગે સવાલો ઊભા કર્યા હતા.

મુલાકાત સમયે છીપા સમાજના આગેવાનો હાજર હતા
મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, AIMIMના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલા સાથે કોઈ રાજકીય મિટિંગ થઈ નથી. બહેરામપુરા ખાતે રૂ. 165 કરોડના ખર્ચે બની રહેલા STP પ્લાન્ટ ખાતે AMCના અધિકારીઓ અને પ્રભારી ધર્મેન્દ્ર શાહ સાથે મુલાકાત લેવા માટે ગયા હતા. આ ઉપરાંત છીપા સમાજના આગેવાનો અને એસોસિયેશનના લોકો હાજર હતા. AIMIMના પ્રમુખ તેમજ અધિકારીઓ સાથે STP પ્લાન્ટની ઓફિસમાં મુલાકાત થઈ હતી.

કોંગ્રેસ-આપ એકબીજા સાથે મળી ચૂંટણી લડે છે
કોઇ રાજકીય મુલાકાત કે વાત થઇ નથી. તસવીરોમાં AMCના એન્જિનિયર અને કર્મચારીઓ પણ દેખાય છે, ત્યારે આવી કોઈ ગુપ્ત મિટિંગ કઈ રીતે હોઈ શકે? આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે આ મુદ્દે ટ્વિટ કરવામાં આવ્યા છે. તેઓના નામ લીધા વિના મેયરે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ બધા પોસ્ટર બોય છે. જે ચૂંટણી સમયે આવે છે. કોગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજા સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.

બહેરામપુરાના STP પ્લાન્ટના ખાતમુહૂર્તને લઈને ચર્ચા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આ વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. બહેરામપુરામાં જે STP પ્લાન્ટ બની રહ્યો છે. તેનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવાનું હતું. જેના માટે અધિકારીઓ સાથે મેયર અને પ્રભારીએ ચર્ચા કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.

રાજકીય ચર્ચા ન થઈ હોવાનું AIMIMના પ્રમુખનું નિવેદન
AIMIMના પ્રમુખ સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે. બહેરામપુરા વોર્ડમાં જે એસટીપી પ્લાન્ટ બની રહ્યો છે. તેની મુલાકાત અને ચર્ચા માટે મેયર અને પ્રભારી સાથે વાતચીત થઈ હતી. કોઈ રાજકીય ચર્ચા તેમાં થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...