ડમ્પિંગ સાઇટ મુદ્દે કટાક્ષ:જજીસ બંગલો પાસે કચરો નાખો તો પણ કોઈને વાંધો નહીં હોય : હાઇકોર્ટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર મ્યુનિ.એ દલીલ કરી હતી કે રહીશોને અહીં કચરા સામે વાંધો નથી

ભાવનગર રહેણાંક સોસાયટીની બહાર ડમ્પિંગ સાઇટને કારણે રહીશોને પડતી હાલાકી મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. જેની સુનાવણી જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. ભાવનગર શહેરની વચ્ચોવચ્ચ આખા શહેરના કચરાને ઠાલવવા ડમ્પિંગ સાઇટ બનાવાઇ છે. તેની આસપાસના લોકોએ ફરિયાદ કરવા છતા સાઇટ હટાવી નથી. આવી રીતે સોસાયટીની બહાર કચરાના ઢગલા હોય તો જીવન નર્ક બની જાય. તમે કોઇ વિચાર કર્યો છે?

આ અંગે કોર્પોરેશન તરફથી એવી દલીલ કરાઇ હતી કે, સોસાયટીના લોકોને કચરો નાખવાને લીધે કોઇ વાંધો નથી. આ દલીલ સાંભળીને ખંડપીઠે વ્યંગ કરતા ટકોર કરી હતી કે, જજીસ બંગલોની પાસે કોમન પ્લોટ છે ત્યાં કચરો નાખો તો પણ કોઇને વાંધો નહીં હોય ને?

હાઇકોર્ટે કોર્પોરેશનને એવો સવાલ કર્યો હતો કે,કચરાની સાઇટથી લોકો કેટલા અંતરે રહે છે? તેને સ્થળે બદલવા માટે કોઇ વિચાર કર્યો છે? તેની સામે કોર્પોરેશને એવી દલીલ કરી કે કોઇને વાંધો નથી.

GPCBને શહેરથી 5 કિ.મી. દૂર ડમ્પિંગ સાઇટ બનાવવા તાકીદ
ખંડપીઠે ભાવનગર કોર્પોરેશનને સૂચન કર્યુ હતુ કે, શહેરની બહાર 5 કિ.મી દૂર ડમ્પિંગ સાઇટ બનાવવી જોઇએ. પણ તમને જગ્યા ન મળતી હોય તો જજીસ બંગલોની પાસે ડમ્પિંગ સાઇટની જગ્યા શોધી આપીશુ. જીપીસીબી કે કોર્પોરેશને કંઇ કરવાની જરૂર નથી.

લોકોના આરોગ્ય વિશે વિચારવું જોઈએ
શહેરની વચ્ચોવચ્ચ આખા ગામનો કચરો નાખવાને લીધે આસપાસમાં રહેતા લોકોની જીદંગી નરક બની જાય. તમને એ વિચાર નથી આવતો કે, આસપાસ રહેતા લોકોના આરોગ્ય સામે શું ખતરો ઉભો થઈ શકે? લોકોને તેમના ઘરની કચરાથી કોઇ વાંધો નથી તે અંગે તમે કઇ રીતે કહી શકો? કોર્પોરેશને એવી દલીલ કરી હતી કે, નાના કચરો ઉપાડવાના વાહનો દ્વારા મોટા વાહનમાં કચરો ઠાલવીને તેને 4 દિવસમાં ખસેડાય છે.

અન્ય સમાચારો પણ છે...