નવો નિર્ણય રદ્દ:કાર ખરીદવા પાર્કિંગની જગ્યા બતાવવી નહીં પડે, વિવાદાસ્પદ જોગવાઈ દૂર કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી પાર્કિંગ પોલિસીને સ્ટેન્ડિંગની મંજૂરી, કેટલાક વાંધા પણ ફગાવાયા

નવી કાર ખરીદવા માટે પાર્કિંગની જગ્યા ફરજિયાત બતાવવી પડશે તેવી રાજ્ય સરકારની પોલીસીમાં જોગવાઇને રદ કરીને પાર્કિંગ પોલિસીને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. હવે નાગરિકોએ નવી કાર ખરીદવા માટે પાર્કિંગની જગ્યા બતાવવી નહીં પડે. નોંધનીય છેકે, નવી પાર્કિંગ પોલિસી બાબતે આવેલા કેટલાક વાંધાને પણ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટિએ ફગાવી દીધી છે. આ ઉપરાંત હવે પાર્કિંગના દરો પણ નક્કી કરીને મ્યુનિ. દ્વારા વિવિધ સ્થળે પાર્કિંગ પ્લોટ કે પાર્કિંગ કોમ્પ્લેક્સ ઉભા કરવામાં આવશે.

રાજ્ય સરકારે ડ્રાફ્ટ કરેલી નવી પાર્કિંગ પોલિસીની કેટલીક વિવાદાસ્પદ દરખાસ્તને પડતી મુકવામાં આવી છે. જ્યારે બાકીની જોગવાઇને યથાવત સ્વીકારવામાં આવી છે. જેથી હવે ઓન રોડ, ઓફ રોડ સહિતની વિવિધ સ્થળે પાર્કીંગ માટે ચાર્જ ચુકવવાની નવી નીતિ અમલમાં આવશે. શહેરમાં પાર્કિંગ વિસ્તાર પ્રમાણે તેનો ભાવ પણ અલગ અલગ હોઇ શકે છે. માગ આધારિત પાર્કિંગના દરો નક્કી થશે. સમીક્ષા આધારીત તથા નિયત પાર્કિંગ દરો રહેશે. જેમાં પાર્કિંગનો સમયગાળો, ટૂંકાગાળાનું પાર્કિંગને પ્રોત્સાહન અપાશે.

પિક અવર્સ અને ઓફ પિક અવર્સના ભાવો અલગ રહેશે. રાત્રે પાર્કિંગ પણ રાહતના દરે હશે. ઓફ સ્ટ્રીટ પાર્કિંગ કરતાં ઓન સ્ટ્રીટ પાર્કિંગના ભાવ વધારે હશે. ઓટો રિક્ષા, ટેક્સી એમ્બ્યુલન્સ, મ્યુનિ.ના વાહનો વિગેરેને પાર્કિંગ ચાર્જમાં મુક્તિ રહેશે.

ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલ બનાવાશે
મ્યુનિ.માં નવી પાર્કિંગ પોલિસીના અમલીકરણ માટે એક ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલની રચના કરવામાં આવશે. તેની ફરજો અને કાર્યો પણ મ્યુનિ. કમિશનર દ્વારા નક્કી કરવામાં આવશે. આ સમિતિમાં ટ્રાફિક પોલીસ, એસ્ટેટ-ટીડીઓના અધિકારીઓ, ટ્રાફિક એન્જિનિયરો, સિટી પ્લાનિંગ, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ વિગેરેના અધિકારીઓ હશે

અન્ય સમાચારો પણ છે...