રાજ્ય સરકારનો નિર્ણય:હવે ગણેશોત્સવમાં ગણેશની મોટી મૂર્તિ સ્થાપવા પર કોઈ નિયંત્રણ નહીં, સરકારે નિયંત્રણો દૂર કર્યાં

3 મહિનો પહેલા
  • 2021માં 4 ફૂટની ઊંચાઈ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઈની ગણેશમૂર્તિની સ્થાપના નક્કી કરાઈ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી ગણેશોત્સવ દરમિયાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર છે.

કોરોનાને પગલે નિયંત્રણ લગાવાયાં હતાં
રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19ની સ્થિતીને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી. જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારિત થયેલી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

કોવિડ ગાઈડલાઈન્સ મુજબ હાલ કોઈ નિયંત્રણ નથી
કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો 31 માર્ચ 2022 પછી અમલમાં નથી, તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચતુર્થીના આગામી ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશમૂર્તિની ઊંચાઈ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહીં રહે. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા એના વિસર્જન અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલાં માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત્ રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...