સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જાહેરાત:અમદાવાદીઓ પાસેથી સ્વચ્છતાના નામે લેવાતાં યૂઝર ચાર્જમાં વધારો મારા કાર્યકાળમાં નહીં થાય: હિતેશ બારોટ

અમદાવાદ6 મહિનો પહેલા
  • નાગરિકો પર યુઝર ચાર્જના નામે ટેક્સમાં વધારાની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધી
  • 2022-23માં 70 ચો.મી. સુધીના રહેણાંકની તમામ મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય
  • કોરોના કાળના કપરા સમયમાં શહેરના રેસ્ટોરાં, હોટલ, સિનેમાઘર, જિમ્નેશિયમોને પ્રોપર્ટી ટેક્સમાં માફી અપાઈ હતી

સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ શહેરમાં સફાઈ અને સેનિટેશનના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યૂઝર ચાર્જ નાગરિકો પાસેથી લેવામાં આવે છે. અમદાવાદ શહેરને સ્વચ્છ બતાવી અને સ્વચ્છતા સર્વેક્ષણ 2022માં સફાઈના પુરા માર્કસ લેવાના નામે નાગરિકો પાસેથી લેવાતાં યૂઝર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત આજે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મોકૂફ રાખી અને દફતરે કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં સુધી ચાલુ સ્ટેન્ડિંગ કમિટીનો કાર્યકાળ રહેશે ત્યાં સુધી આ યૂઝર ચાર્જમાં વધારો કરવામાં નહીં આવે.

મેયર સાથે ચર્ચા બાદ યૂઝર ચાર્જમાં વધારાની દરખાસ્ત રોકાઈ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, આજે મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક અને ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વાર્ષિક ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે પ્રોપર્ટી ટેક્સ મારફતે વસૂલાતા યૂઝર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત જ્યાં સુધી મારો કાર્યકાળ રહેશે ત્યાં સુધી નહીં લાવવામાં આવે. શહેરના રહેણાંક વિસ્તારોમાં હાલમાં ઘેર-ઘેર બે ડસ્ટબિનનું (ભીના અને સૂકા કચરા માટે) નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરીજનો પર વધારાના ટેક્સનું ભારણ ન આવે તે માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલી દરખાસ્ત દફતરે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમામ મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા રાહત આપવા નિર્ણય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા છેલ્લા દસથી વધુ વર્ષોથી શહેરની જનતા પર અન્ય કોઈ પણ પ્રકારના વધારાના ટેક્સ લાદવામાં આવ્યા નથી. કોરોના કાળના કપરા સમય દરમ્યાન શહેરના રેસ્ટોરાં, હોટલ, સિનેમાઘર, જિમ્નેશિયમોને પ્રોપર્ટી ટેક્સમાં માફી આપવામાં આવી હતી. ગત વર્ષે 40 ચો.મી.થી ઓછા ક્ષેત્રફળવાળી રહેણાંક મિલકતોને પણ પ્રોપર્ટી ટેક્સમાં માફી આપવામાં આવેલી હતી. વર્ષ 2022-23 શહેરની 70 ચો.મી. સુધીના રહેણાંકની તમામ મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ વિસ્તારોના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સના બિલમાં અનુક્રમે પ્રથમ વર્ષે 75 બીજા વર્ષે 50 અને ત્રીજા વર્ષે 25 મુજબ વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગાર્બેજ કલેક્શન પેટે અલગથી રહેણાંક મિલકતોનો યૂઝર ચાર્જ લેવાતો
મ્યુનિસિપલ કોર્પોરેશન ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે અલગથી રહેણાંક મિલકતો પાસેથી પ્રતિ દિન રૂ.1 લેખે વાર્ષિક રૂ. 365 અને કોમર્શિયલ મિલકતો પાસેથી પ્રતિ દિન રૂ. 2 લેખે વાર્ષિક રૂ.730નો યૂઝર ચાર્જ લેવામાં આવતો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ 2022માં નાગરિકોને પૂરી પાડવામાં આવતી સફાઈ અને સેનિટેશનના સુવિધાના યૂઝર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લાવવામાં આવી હતી. જેમાં હવે વધારો કરી રહેણાંક મિલકતોમાં પ્રતિદિન 3 રૂપિયા અને કોમર્શિયલમાં 5 રૂપિયા લેવા માટે જણાવવામાં આવ્યું હતું. જો આ દરખાસ્ત મંજૂર થઈ તો અમદાવાદીઓ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત યૂઝર ચાર્જ હેઠળ રહેણાંક મિલકતો પર વર્ષે રૂ. 1095 અને કોમર્શિયલ મિલકતો માટે વર્ષે રૂ. 1825 વસૂલ કરવામાં આવતા.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ્સ 2016 મુજબ યૂઝર ચાર્જિસની જોગવાઈ
સ્વચ્છતા અભિયાન હેઠળ કરાતી કામગીરીને અનુલક્ષીને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ) રૂલ્સ, 2016 મુજબ ડોર ટુ ડોર કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્પોઝલની પ્રક્રિયા મ્યુનિ. કોર્પોરેશન કરે છે. આ રૂલ્સ હેઠળ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એકમો પાસેથી યૂઝર ચાર્જિસ એકત્ર કરવાની જોગવાઈ છે. આ જોગવાઈનો અમલ કરવાનો થાય અને આ બાબતના સર્વેક્ષણમાં અલગ માર્ક્સ પણ આપવામાં આવે છે.

યૂઝર ચાર્જની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનરને સત્તાની દરખાસ્ત મંજૂર કરાશે
વાર્ષિક ડોર ટુ ડોર કલેક્શન પેટે અલગથી યૂઝર ચાર્જ 1 ઓક્ટોબર, 2018થી વસૂલવાની સત્તા અને ભવિષ્યમાં આ યૂઝર ચાર્જની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનરને સત્તા આપવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાશે. સ્વચ્છ ભારત મિશનમાં સ્વચ્છ સર્વેક્ષણમાં સિટી રેન્કિંગમાં અમદાવાદનો રેન્ક આગળ રહે તે માટે પણ કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે યૂઝર ચાર્જ લેવો જરૂરી છે એવું આ અંગેની દરખાસ્તમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...