તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજનનો અભાવ:રાજ્યમાં કોઈ ડ્રાઈવિંગ સ્કૂલ પાસે પોતાનો ખાનગી ટેસ્ટ ટ્રેક જ નથી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ખાનગી ટેસ્ટ ટ્રેકવાળી સ્કૂલોને લાઈસન્સ આપવાની સત્તા અપાઈ
  • ખાનગી ટેસ્ટ ટ્રેક શરૂ કરવા સરકાર પાસે હાલ આયોજન નથી

કેન્દ્ર સરકારે વાહનના ખાનગી ટેસ્ટ ટ્રેક ધરાવનાર ડ્રાઇવિંગ સ્કૂલોને વાહનના પાકાં લાઇસન્સ માટે સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની સત્તા આપવાનો નિર્ણય કરાયો છે. મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશને કહ્યું કે, કેન્દ્રએ જાહેરાત કરી પણ અમદાવાદ સહિત ગુજરાતમાં વાહનના ખાનગી ડ્રાઇવિંગ ટેસ્ટ ધરાવનાર એક પણ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ જ નથી.

રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, આ અંગે હાલ કોઇ આયોજન નહીં હોવાથી પહેલી જુલાઇથી ગુજરાતમાં વાહનનો ખાનગી ટેસ્ટ ટ્રેક શરૂ થવો શક્ય નથી. અગાઉ થયેલી ચર્ચા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ અને પાકું લાઇસન્સ ઇસ્યુ કરવાનું આઉટસોર્શિગથી કામ સોંપાય તેવી શક્યતા છે. આ અંગે હાલ કોઇ નિર્ણય લેવાયો નથી. કેન્દ્રએ કરેલા નિર્ણય મુજબ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલક પાસે બે એકર જગ્યામાં ખાનગી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હોવો જોઇએ. સિમ્યુલેટર હોવું જોઇએ. ડ્રાઇવિંગ શીખનાર વ્યક્તિને સ્કૂલ સંચાલકે મહિનાના 28 દિવસ ટ્રેનિંગ આપવાની રહેશે. જેમાં ફરજિયાત હાજરી પુરવાની રહેશે. ટ્રેનિંગ બાદ સ્કૂલ સંચાલક તરફથી મળનાર સર્ટિફિકેટ લઇને સબંધિત વ્યક્તિએ આરટીઓમાં જવાનું રહેશે. સર્ટિફિકેટની ચકાસણી કરી આરટીઓ તરફથી તે વ્યક્તિને પાકું લાઇસન્સ ઇસ્યુ કરાશે. આરટીઓ અધિકારી પાસે શંકાસ્પદ કેસમાં ક્રોસ ચકાસણીની સત્તા રહેશે. ખાનગી ડ્રાઇવિંગ ટેસ્ટમાં ટેકનિકલ સ્ટાફ સરકારી હશે કે પ્રાઇવેટ તેની હાલ કોઇ સ્પષ્ટતા નથી. સરકાર તરફથી ટૂંક સમયમાં ગાઇડલાઇન જાહેર કરાશે.

3 હજાર ડ્રાઈવિંગ સ્કૂલ સંચાલકો બેકાર બનશે
ઓલઇન્ડિયા ફેડરેશન ઓફ ડ્રાઇવિંગ સ્કૂલના વાઇસ પ્રેસીડેન્ટ હરિશ પટેલે જણાવ્યું કે, અમદાવાદના 400 સહિત રાજ્યમાં 3000 મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકો છે. સંચાલકો પાસે બે એકરની જમીન હોવી અશક્ય છે. જેથી સંચાલકો પોતાનો ખાનગી ટેસ્ટ ટ્રેક ઊભો કરી શકવાના નથી. હવે કોર્પોરેટર કંપનીને કોન્ટ્રાક્ટ સોંપાય તો કોઇ પણ વ્યક્તિ પાકું લાઇસન્સ મેળવવા કોર્પોરેટ કંપનીમાં જ વાહન શીખશે. આ વિવિધ બાબતોએ ફેડરેશન દ્વારા કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રીને મળીને રજૂઆતો કરવાનો નિર્ણય કર્યો છે.