RTOના અધિકારીઓની ચુપકીદી:નિયમ ભંગ કરતા ડમ્પરો મુદ્દે હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં, માલિકોનું એડ્રેસ હોવા છતાં અધિકારીઓ હાથ પર હાથ રાખીને બેઠાં છે!

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુભાષબ્રિજ આરટીઓના નવા બિલ્ડીંગમાં વપરાતા ડમ્પરો જરૂરી દસ્તાવેજો વગર દોડી રહ્યા હતાં. આ અંગેના અહેવાલ જાહેર થયા પછી પણ આરટીઓ વિભાગની પકડમાંથી ડમ્પરો ભાગી જતાં અધિકારીઓ પર આશંકા સેવાઇ રહી છે. બીજી તરફ આ મુદ્દે વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીઓ પણ ચુપકીદી સેવી રહ્યા છે. કચેરીના નિર્માણનો કોન્ટ્રાક્ટર લેનાર કંપની પણ હવે પુરાવા વગર ડમ્પરો સામે પગલાં ભરાય નહીં તે માટે ગાંધીનગરથી દબાણ લાવ્યા હોવાનું મનાય છે.

શહેરના રસ્તા પર ખાનગી બસો સહિત દોડતા માલવાહક વાહનોના ચાલકો પાસે પુરાવા ના હોય તો આકરો દંડ વસૂલે છે. રિક્ષા તેમજ કાર ચાલક પણ પુરાવા વગર કાર હંકારતા હોય તો વાહન ડિટેઇન કરે છે, પરંતુ આરટીઓ અધિકારીઓના સાનિધ્યમાં ખુલ્લેઆમ પુરાવા વગર દોડતા ડમ્પરો સામે કોઇ પગલાં ભરાતા નથી. આરટીઓ આર.એસ.દેસાઇએ કહ્યું કે, કોન્ટ્રકાટરને જાણ કરી છે. ડમ્પરો હાજર નહીં કરે તો કાર્યવાહી કરાશે.

બીજી તરફ આવી પરિસ્થિતીમાં કોઇ કારચાલક ભાગી જાય તો તેના ઘરેથી કાર ડિટેઇન કરાય છે, પરંતુ ડમ્પરોના માલિકોનું એડ્રેસ હોવા છતાં આરટીઓ અધિકારીઓ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા છે. આરટીઓના પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, નવી આરટીઓ કચેરીનું મુખ્યમંત્રીએ ખાતમુર્હૂત કર્યું હોવાથી અને રાજકીય પીઠબળ ધરાવવાના લીધે શ્રી જ્યોતિ ઇન્ફાટેક લિ.નું કામ કરતા ડમ્પરો સામે પગલાં ભરતા અધિકારીઓ અચકાય છે.

અન્ય સમાચારો પણ છે...