પદથી વંચિત રહી ગયા:નીતિન પટેલ સવારથી દાવો મજબૂત કરતા રહ્યા, ફરી કપાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રૂપાણી સરકારમાં નંબર-2નું સ્થાન ભોગવનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સતત ત્રીજીવાર મુખ્યમંત્રી પદની રેસમાં હતા અને સવારથી મીડિયા સમક્ષ વિવિધ નિવેદનો કરીને પોતાનો દાવો મજબૂત કરતા રહ્યા હતા પરંતુ તેઓ ફરી એકવાર કપાયા છે. પટેલના સમર્થકોએ સાયન્સ સિટી રોડ ખાતે પટેલને મુખ્યમંત્રી બનાવવાની માગણી દર્શાવતા બેનરો સાથે દેખાવો પણ કર્યા હતા પરંતુ નીતિન પટેલ ફરી એકવાર સીએમ પદથી વંચિત રહી ગયા છે. પાર્ટીએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરતા નીતિન પટેલ કમલમ્ છોડીને સીધા મહેસાણા જવા રવાના થઇ ગયા હતા. તેઓએ ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યપાલની મુલાકાતે જવાનું પણ ટાળ્યું હતું.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2014માં પણ તેઓ સીએમ પદના દાવેદાર હતા એ વખતે આનંદીબહેન પટેલની પસંદગી થઇ હતી. તે પછી નીતિન પટેલ પ્રબળ દાવેદાર બન્યા હતા પરંતુ એકાએક વિજય રૂપાણીનું નામ જાહેર થયું હતું અને નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી પદથી સંતોષ માનવો પડ્યો હતો. તે પછી તેમને નારાજગી દર્શાવી નાણા ખાતું પણ પરાણે મેળવવું પડ્યું હતું. રવિવારે કમલમમાં ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે પણ નીતિન પટેલની બોડી લેંગ્વેજ જોતા તેમનું પત્તુ કપાયું હોવાનો અણસાર આવી ગયો હતો. પટેલ બેઠક પૂરી થઇ ત્યાં સુધી કમલમમાં રોકાયા હતા તે પછી તેઓ મહેસાણા ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી ગયા હતા.

રૂપાણી, પાટીલ અને હવે ભૂપેન્દ્ર પટેલ: મોદીના આશ્ચર્યજનક નિર્ણયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ પરિવર્તનથી લઇને વિવિધ નિમણૂકોમાં આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતા છે. કેન્દ્ર સરકાર અને વિવિધ રાજય સરકારમાં મુખ્યમંત્રીથી લઇને વિવિધ નિમણૂકો તેમણે અચરજ પમાડતી કરી છે. ગુજરાતમાં અગાઉ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી, પછી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ અને હવે ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી તરીકે ભૂુપેન્દ્ર પટેલનું નામ સાંભળીને ભાજપના નેતાઓ પણ આશ્ચર્યમાંં મુકાઇ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓને પણ કલ્પનામાં આવે નહીં તેવા નામોની અત્યાર સુધી વિવિધ પદો પર પસંદગી કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી તરીકે મનોહર ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામીની પસંદગી પણ રાષ્ટ્રીય અને પ્રદેશ ભાજપના નેતાઓને અચંબામાં પાડી દીધા હતા. આવી જ રીતે વિદેશ મંત્રી તરીકે જયશંકરની તેમની પસંદગી ઉત્તમ હતી, પણ જયશંકરની પસંદગી થશે તેવી કલ્પના ભાગ્યે જ કોઇ નેતાને હતી. ઉપરાંત કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા આઇએએસ એ.કે.શર્માએ એકાએક સરકારમાંથી રાજીનામું આપી દીધું હતુ. આ પછી તેમની નિમણૂક કયાં થશે તેની કેટલીય અટકળો ચાલી હતી. છેવટે એ.કે.શર્માની નિમણૂક ઉત્તરપ્રદેશ ભાજપમાં કરવામાં આવી હતી. શર્મા ઉત્તરપ્રદેશમાં એમએલસી તરીકે નિમણૂક પામ્યા હતા. છેવટે તેમને ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવાની વાત હતી,પણ સ્થાનિક વિરોધને કારણે તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે મુકવામાં આવ્યા નહીં. આમ,આઇએએસ શર્માની પસંદગીથી બ્યુરોક્રેટસને એક મેસેજ આપ્યો હતો.

રૂપાણી સંગઠનમાં, નીતિન પાસે માત્ર રાજ્યપાલ બનવાનો વિકલ્પ
ગુજરાતમાં સરકાર બદલાતા હવે વિજય રૂપાણી અને નીતિન પટેલની કારકીર્દિને સૌથી મોટી અસર પડશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકેનું સર્વોચ્ચ પદ ભોગવ્યા બાદ હવે રૂપાણી અને નીતિન પટેલ માટે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન ન હોય તે સ્વાભાવિક છે જેથી હવે તેઓ સરકારમાં કોઇ મહત્વની ભૂમિકામાં જોવા નહીં મળે. વિજય રૂપાણી અને નીતિન પટેલને જય-વીરુની જોડી તરીકે ઓળખવામાં આવતી હતી હવે એમના રસ્તા જુદા પડ્યા છે.

રૂપાણીએ રાજીનામુ આપ્યું તે જ દિવસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સંગઠનમાં જવાબદારી સોંપવા માટે હાઇકમાન્ડને વિનંતી કરી છે. રાજકીય વર્તુળો મુજબ રૂપાણી રાષ્ટ્રીય સંગઠનમાં કોઇ જવાબદારી મેળવીને પોતાની રાજકીય કારકિર્દી ચાલુ રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ નીતિન પટેલને સંગઠનનો સીધો કોઇ અનુભવ નથી. કેન્દ્રમાં પણ નીતિન પટેલને કોઇ સ્થાન મળે તેવી શક્યતા નથી. જેથી નીતિન પટેલને ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવાય તેવી પ્રબળ સંભાવના દેખાઇ રહી છે.

ગત વિધાનસભાના બજેટ સત્રમાં પોતાના સંબોધનમાં રૂપાણીએ કહ્યું હતું કે વીઆર (વિજય રૂપાણી), સીઆર (સીઆર પાટીલ) અને એનઆર (નીતિન રતીલાલ પટેલ)ની ત્રિપુટી મજબૂત રીતે આગળ વધી રહી છે. જોકે, રાજકીય સમીકરણો બદલાતા હવે ત્રિપુટીમાંથી એકમાત્ર સીઆર પ્રદેશ પ્રમુખ તરીકે એક્ટીવ રહ્યા છે. વીઆર અને એનઆરની રાજકીય કારકીર્દિ હવે આવનારો સમય નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...