ફરિયાદ:નિરમા યુનિવર્સિટીના પ્રોફેસરની કારને 2 એક્ટિવાચાલકે ઓવરટેક કરી માર માર્યો, એક્સિડન્ટ કેમ કર્યો છે કહી મોબાઈલ લૂંટી લીધો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આનંદનગર પોલીસ સ્ટેશન - Divya Bhaskar
આનંદનગર પોલીસ સ્ટેશન
  • પ્રોફેસર એક્ટિવાચાલકોની મારથી બચવા એક જગ્યાએ છૂપાઈ જવું પડ્યું
  • ધોળે દિવસે બનેલી ઘટનાની આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા વ્યક્તિને બે બાજુથી આવેલા એક્ટિવા ચાલકોએ ઓવરટેક કરીને કાર રોકી દીધી હતી. ત્યારબાદ તેમને કેમ એક્સિડન્ટ કરીને ભાગે છે. તારે રૂપિયા આપવા પડશે કહીને મારવા લાગ્યા હતા. આ શખસોએ પ્રોફેસરના ખિસ્સામાંથી મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. પ્રોફેસર આ લોકોથી બચવા એક જગ્યાએ છુપાઈને ઉભા રહ્યા ત્યારે અન્ય વ્યક્તિ ત્યાં આવી જતા લૂંટ કરનાર અજાણ્યા શખસો ભાગી ગયા હતા. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગઈકાલનો સવારનો બનાવ
સેટેલાઈટ વિસ્તારમાં રહેતા મિલિંદ જોશીપુર (ઉં.વ.42) નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. શુક્રવારે સવારે તેઓ પોતાના ઓફિસ જવા માટે નીકળ્યા હતા.ત્યારે તેઓ પોતાની કાર લઈને આનંદનગરથી આગળ જતા હતા, ત્યારે તેમની બંને બાજુએ એક્ટિવાચાલક ઓવરટેક કરીને કારને રોકી હતી.

કાર રોકીને એક વ્યક્તિ ચાવી કાઢવા માંડ્યો
ફિલ્મી સ્ટાઈલથી આવેલા આ એક્ટિવાચાલકો પૈકી એક વ્યક્તિએ તેમને કહ્યું કે તે આગળ અકસ્માત કર્યો છે. તારે ખર્ચના રૂપિયા આપવા પડશે. મિલિંદે કહ્યું કે, મેં કોઈ અકસ્માત કર્યો નથી તો હું શા માટે રૂપિયા આપું? જેથી એક શખસ તેની કારમાંથી ચાવી કાઢતો હતો. તેથી પ્રોફેસરે કાર સાઈડમાં લઈને બહાર નીકળ્યા હતા.

ઉશ્કેરાઈને પ્રોફેસરને તમામે માર માર્યો
આ બધું ચાલી રહ્યું હતું ત્યારે એક શખસે કહ્યું કે, હું પોલીસને બોલવું છું. તેથી પ્રોફેસરે પણ પોતાના ફોનથી એક ફોન લગાવ્યો તો આવેલા બધા શખસો ઉશ્કેરાઈ ગયા અને તેને ધમકી આપવા લાગ્યા હતાં. થોડીવારમાં બધા શખસોએ મિલિંદને માર મારવા લાગ્યા હતા અને તેમનો ફોન કાઢી લીધો હતો.

સ્વજન આવતા આરોપીઓ નાસી છૂટ્યા
દરમિયાન હુમલાખોરથી બચવા માટે નજીકની એક જગ્યાએ પ્રોફેસર જતા રહ્યા હતા. ત્યારે તેમના સ્વજન ત્યાં આવી જતાં આરોપીઓ ભાગી ગયા હતા. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.