કેમ કર્યું દીકરાનું મર્ડર, કાપ્યા એકે-એક અંગ?:નિલેશ જોશી STમાં ડ્રાઈવરમાંથી ક્લાસ-2 સુપરવાઈઝર બન્યા હતા, દીકરાને ટ્રેનિંગ માટે જમશેદપુર-મદ્રાસ લઈ ગયા પણ બધું નકામું નિવડ્યું!

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા પિતાએ દીકરાની હત્યા કરી શરીરના અંગો કાપ્યાની ઘટના ચર્ચામાં છે. દિવ્ય ભાસ્કરે આ બનાવના કારણો તથા તેના સુધી દોરી જનારી સ્થિતિનું ઈન્વેસ્ટિગેશન હાથ ધર્યું. પિતાના વ્યવહાર, વર્તન અને દીકરા સાથેના સંબંધો જાણવાનો પ્રયાસ કર્યો તો ચોંકાવનારી બાબતો સામે આવી છે. જે પિતા નિલેશ જોશી પર ક્રૂર હોવાનો આરોપ મૂકાઈ રહ્યો છે તેણે તો હકીકતમાં દીકરા પ્રત્યેની તમામ ફરજો અદા કરી હતી. પરંતુ અંતે કોઈ આશા ન દેખાઈ અને ઉગ્ર બોલાચાલીમાં આ પગલું લેવાઈ ગયું.

દીકરો કમાય તે માટે લાખો ખર્ચી ટ્રેનિંગ અપાવી
જે દીકરાને પારણે ઝુલાવ્યો તેની જ હત્યા કરવાનો વખત આવ્યો. પિતા નિલેશભાઈના નજીકના એક પાડોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દીકરો કમાતો થાય તે માટે નિલેશભાઈએ અનેક પ્રયાસ કર્યા હતા. મૃતક દીકરો ધોરણ 10માં બીજા ટ્રાયલે પાસ થયો હતો. જેથી તેના ભવિષ્યની તેમને ચિંતા રહેતી હતી. દીકરાને ડ્રાઈવરની વિધિવત તાલીમ માટે તેઓ તેને પહેલા જમશેદપુર ટાટા કંપનીમાં અને બાદમાં મદ્રાસ લેલેન્ડ કંપનીમાં લઈ ગયા હતા. અહીં લાખો રુપિયા ખર્ય્યા અને છ મહિના સુધી પિતા તેની સાથે જ રહ્યા હતા.

ઘરડે ઘડપણ પણ કાળી મજૂરી કરતા વૃદ્ધ પિતા
આર્થિક રીતે સક્ષમ ન હોવાથી નિલેશ જોશી એક ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. એસ.ટી વિભાગમાંથી નિવૃત્ત થયા બાદ રુ. 3000નું નજીવું પેન્શન આવતું. આ કારણથી તેમને નોકરી કરવાની ફરજ પડી હતી. મહિના પહેલા દીકરો ડ્રાઇવર તરીકે નોકરીએ લાગ્યો હતો ત્યારે તેઓ ખુશ હતા. નિલેશભાઈના અન્ય એક મિત્રના જણાવ્યા પ્રમાણે દીકરો નોકરી લાગ્યો ત્યારે તમને કહ્યું હતું કે હવે કોઈ ચિંતા નથી. પણ એક સપ્તાહમાં જ તેણે તરીકેની નોકરી છોડી દીધી હતી, જેથી તેઓ વ્યથિત હતા.

ડ્રાઈવરમાંથી સુપરવાઈઝર સુધી પહોંચ્યા નિલેશ જોશી
નિલેશ જોશી એસટી નિગમમાં ડ્રાઇવર તરીકે જોડાયા હતા. બાદમાં પ્રમોશન લઈ ATI એટલે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, TI એટલે કે ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને છેલ્લે ATS તરીકે એટલે કે આસિસ્ટન્ટ ટ્રાફિક કન્ટ્રોલરના હોદ્દા પર પહોંચ્યા હતા. તેમની સાથે કામ કરનાર પૂર્વ સહ-કર્મચારીઓના કહેવા પ્રમાણે તેમનું વર્તન પણ સારું હતું. નિષ્ઠાપૂર્વક તેઓ કામગીરી બજાવતા અને મહેનત કરીને તેઓ તબક્કાવાર પ્રમોશનના આધારે સુપરવાઇઝરના પદ સુધી પહોંચ્યા હતા. જ્યારે માધ્યમો દ્વારા આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ પણ સ્તબ્ધ બની ગયા હતા.

સુનિતા સોસાયટીમાં હજી પણ ભેદી સન્નાટો
દિવ્ય ભાસ્કરની ટીમે નિલેશ જોશી જ્યાં રહે છે, ત્યાં આંબાવાડીની સુનિતા સોસાયટીમાં પહોંચી તપાસ કરી. પાડોશીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ખુલીને બોલવા તૈયાર નહોતું. એક પાડોશીએ કહ્યું કે, નિલેશભાઈનું ફેમિલિ 30 વર્ષથી અહીં રહે છે, પરંતુ તેઓ સોસાયટીમાં કોઈની પણ સાથે હળતા-મળતા નહીં. સોસાયટીના લોકો પણ તેમના વર્તન અને વ્યવહાર અંગે સંપૂર્ણ રીતે વાકેફ નથી. તેઓ મકાનમાં પહેલા માળે રહે છે, જ્યારે નીચે તેમના ભાઈનું ઘર છે. જેની સાથે સંપતિ અંગે તેમને વિવાદ અને કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે. નિલેશભાઈના પત્ની અને દીકરી હાલ જર્મનીમાં છે. દીકરીએ જર્મનીમાં ડોક્ટરનું ભણી અને ત્યાં જ નોકરી કરે છે.