કડકાઈ સામે સરકાર ‘નરમ’:રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત, સરકારી કચેરીઓમાં વેક્સિનના બન્ને ડોઝ લીધા વિનાના લોકોને નો એન્ટ્રી

અમદાવાદ6 મહિનો પહેલા
  • ઓમિક્રોનના 97માંથી 41 દર્દીને રજા આપી
  • 8 શહેરમાં નાઇટ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં

હાલ દેશ અને દુનિયામાં કોરોનાના લાખો કેસો આવી રહ્યા છે, જેને પગલે મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધાં છે. જોકે ગુજરાત સરકાર હજુ આ મામલે જાગી નથી, પરંતુ 29મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. 31મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે. જેને પગલે આજે આરોગ્ય મંત્રીએ રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે. આમ કોરોનાના કેસો વધ્યા હોવાછતાં નિયંત્રણો વધુ કડક કર્યાં નથી. તેમજ જાન્યુઆરી 2022થી રાજ્યની તમામ કચેરીઓમાં મુલાકાતીઓને તેમને ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી અને પ્રમાણપત્રના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.

ઓમિક્રોનના 97માંથી 41 દર્દી સાજા થયા
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અંગે તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી ઓમિક્રોનના 97માંથ 41ને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં 0.79 ટકા પોઝિટિવિટી રેટ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ ઘણો ઓછો છે, જ્યારે 90 લાખ લોકોનું વેક્સિનેશન બાકી છે.

આ નિયંત્રણો યથાવત રહેશે

  • 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે
  • રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
  • 8 મહાનગરોમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
  • લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
  • કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું

હાલ આ 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
આ પહેલાં રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન્સ 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ક્યારે ક્યારે કર્ફ્યૂનો સમય બદલાયો?
બીજી લહેરના સમયે, એટલે કે એપ્રિલમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ હતો. ત્યાર બાદ મે મહિનામાં કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપીને 9 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો કર્ફ્યૂ કર્યો હતો. ત્યાર બાદ કોરોના હળવો થતાં રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો. ત્યાર બાદ જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી, જેમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યે અને ગણેશોત્સવના 10 દિવસો દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો. દિવાળી તહેવારો નજીક આવતાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો.

કેબિનેટ બેઠકમાં કોરોના, વાઇબ્રન્ટ અને નિયંત્રણો અંગે થઈ હતી ચર્ચા
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 29 ડિસેમ્બરના રોજ કોરોનાના કેસ, નિયંત્રણો, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ઉત્તરાયણ મામલે અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાના કેસો, વેક્સિનેશન, નવી ગાઇડલાઈન્સ, ઉત્તરાયણ અને વાઇબ્રન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી.

મહામારી સામે લડવા માટેના ફંડ મામલે રાજ્યના નાણાંમંત્રી દિલ્હીમાં
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રિ-બજેટ બેઠકમાં ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈ પણ સામેલ થયા છે. દેશના તમામ રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે આગામી બજેટના આયોજન માટે આ મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં મહામારી સામે લડવા વધુ ફંડની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી છે.

હાલ ગુજરાતમાં ઓમિક્રોનના 97 કેસ
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. 29મી ડિસેમ્બરે રાજ્યમાં કુલ 19 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં 4 પુરુષ અને 4 સ્ત્રી મળીને સૌથી વધુ 8 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. ત્યાર બાદ સુરત શહેરમાં, 6 વડોદરા શહેરમાં 3 અને આણંદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

રાજ્યમાં 573 નવા કેસ, 2ના મોત રાજ્યમાં 30 ડિસેમ્બરના રોજ કોરોનાના 573 નવા કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે.. જ્યારે 102 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 8 લાખ 32 હજાર 35ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 118 પર પહોંચ્યો છે. તેમજ અત્યારસુધીમાં 8 લાખ 18 હજાર 589 દર્દી ડિસ્ચાર્જ થયા છે.