અસમંજસ:4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અને આંશિક લોકડાઉન, સ્વિમિંગ પૂલ અને વોટરપાર્ક અંગે કોઈ નિર્ણય નહીં છતાં અમદાવાદમાં કેટલાક બંધ કરાવાયા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વોટરપાર્કમાં લોકો ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે: ડૉ મોના દેસાઈ
  • તમામ વોટરપાર્ક સરકારે નક્કી કરેલી ગાઈડલાઈન અનુસાર ચાલી રહ્યા છે
  • 4 શહેરોમાં સ્થાનિક તંત્રના માર્ગદર્શન માટે 5 વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઇ

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી દેવાયો છે. અમદાવાદમાં પબ્લિક પ્લેસિસ અને સિટી ટ્રાન્સપોર્ટેશનને અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરવામાં આવ્યું છે. તે જ રીતે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ ઘણી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે, રાજ્યમાં સ્વિમિંગ પૂલ અને વોટરપાર્ક અંગે સરકાર દ્વારા હજી કોઈ નિર્ણય લેવાયો નથી. જ્યારે અમદાવાદમાં કેટલાક સ્વિમિંગ પૂલ કોર્પોરેશન દ્વારા બંધ કરાવાયા છે. ચારેય શહેરોમાં 5 વરિષ્ઠ સચિવોને કોરોનાને કાબૂમાં લાવવાની જવાબદારી સોંપાઈ છે. સ્વિમિંગ પૂલ અને વોટરપાર્ક સરકારની ગાઈડલાઈન મુજબ ચાલુમાર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. જેથી લોકો સ્વિમિંગ પૂલ અને વોટર પાર્કમાં જવાનું વધુ પસંદ કરે છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સ્વિમિંગ પૂલ ચાલુ કરવા માટે અગાઉ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જે વોટરપાર્ક માટે પણ લાગુ પડે છે, પરંતુ અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત તમામ સ્વિમિંગ પૂલને શરૂ કરવામાં આવ્યા ન હતા. પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ ગાઈડલાઈન મુજબ ચાલી રહ્યા છે. સાથે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એટલે દર વર્ષની જેમ આ વર્ષ પણ વોટરપાર્ક જશે.

ચારેય શહેર નજીક વોટરપાર્ક હોવાથી સરકારે વિચારવું પડશે
મોટા ભાગના વોટરપાર્ક ચાર મહાનગરોની આજુબાજુના વિસ્તારમાં આવેલા છે. અત્યારે પણ તમામ વોટરપાર્ક સરકારે નક્કી કરેલી ગાઈડલાઈન અનુસાર ચાલી રહ્યા છે. મહત્વનું છે કે, રાજ્યમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સરકાર આ અંગે પણ થોડી વિચારણા કરવી જોઈએ. કારણકે મોટી સંખ્યામાં લોકો વોટરપાર્કમાં આવતા હોય છે.

વોટરપાર્કમાં ભીડ થાય તો સંક્રમણ વધવાની શક્યતા
ડૉ. મોના દેસાઈએ DivyaBhaskarસાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્વિમિંગ પૂલ અને વોટરપાર્કમાં પાણીથી સંક્રમણ ફેલાતું નથી. પરંતુ જો કોઈને શરદી કે ઉધરસ હોય અથવા કોઈ વ્યક્તિ છીંક ખાય તો તેનાથી સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધી જાય છે. વોટરપાર્કમાં ભીડ થાય તો પણ સંક્રમણ વધવાની શક્યતાઓ છે. અત્યારે રાજ્યમાં કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને બને ત્યાં સુધી લોકોએ વોટરપાર્કમાં જવાનું ટાળવું જોઈએ અને જો કોઈ જાય તો તેને બહુ તકેદારી રાખવી પડશે. અત્યારે કેસ વધવાના કારણે સરકાર જે કાંઈ પણ નિર્ણય લે એ આવશ્યક છે. કારણ કે લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે તે મહત્વનું છે. મને લાગે છે કે સરકાર પણ આ બાબત પર નિર્ણય લેશે.

અમદાવાદ કોર્પોરેશને સ્વિમિંગ પૂલ બંધ રાખવા સૂચના આપી
અમદાવાદમાં આવેલા ડોલ્ફિન ફિટનેસ સેન્ટરના માલિક મહેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અમે સરકારની ગાઈડલાઈન મુજબ જ સ્વિમિંગ પૂલ ચલાવી રહ્યા હતા. ઉનાળામાં અમારા ત્યાં આવતા લોકો સ્વિમિંગ પૂલમાં આનંદ માણતા હોય છે, પરંતુ આજે કોઈ કારણ વગર કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પૂલ બંધ રાખવા માટે અમને સૂચના આપવામાં આવી છે. અમે તો સરકાર જે કોઈ નિયમ કહે એ નિયમ પ્રમાણે સ્વિમિંગ પૂલ ચલાવવા તૈયાર છીએ.

સરકાર જે આદેશ આપશે તેનું પાલન કરીશું:વોટરપાર્કના માલિક
અમદાવાદ નજીક આવેલા 7S વોટરપાર્કના માલિક દિનેશભાઇએ જણાવ્યું હતું કે, અમે 50 ટકાની કેપિસિટી સાથે વોટરપાર્ક ચલાવી રહ્યા છીએ. વોટરપાર્કમાં આવનાર તમામ લોકોનું થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી અને તેમને સેનેટાઇઝ કરીએ છીએ અને તેમની માહિતી લઈએ છીએ. હવે કોરોનાના કેસ વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને સરકાર અમને જે કોઈ આદેશ આપશે એનું અમે પાલન કરીશું. અને તમામ તકેદારી રાખીશું.અમે દરરોજ 2-3 વાર વોટરપાર્કને સેનેટાઇઝ કરીએ છીએ.

ચાર શહેરોમાં કોરોનાને કાબૂમાં લાવવા વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઈ
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાએ ઉથલો મારતા રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે 5 વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઇ છે. જેમાં અમદાવાદમાં અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, વડોદરામાં શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણાં સચિવ મિલીન્દ તોરવણે, રાજકોટમાં ઉધોગ કમિશનર રાહુલ ગુપ્તા અને સુરતમાં GIDCના મેનેજિંગ ડિરેક્ટર એન. થેંન્નારસનને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તમામ મહાનગરોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓને યોગ્ય નિર્ણય લેવા પણ છૂટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...