ખેલૈયાઓ આનંદો:નવરાત્રિમાં 12 વાગ્યાથી શરૂ થતા કર્ફ્યૂનો અમલ માત્ર બે દિવસ સુધી રહેશે, પાછળના દિવસોમાં કર્ફ્યૂમાં વધુ છૂટછાટ મળી શકે

અમદાવાદએક મહિનો પહેલા
 • અગાઉ ગણેશોત્સવને કારણે 9થી 19 સપ્ટેમ્બર સુધી 12 વાગ્યાથી કર્ફ્યૂ શરૂ થવાની જાહેરાત કરી હતી
 • લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિની જે મર્યાદા હતી; એમાં હવે 400ની છૂટ અપાઈ

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત આગામી સમયમાં નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી મળતાં જ હવે રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાક ઘટાડવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગના જાહેરનામા પ્રમાણે આજથી 10 ઓક્ટોબર સુધી રાજ્યનાં આઠ શહેરમાં રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ જાહેરનામું 10 ઓક્ટોબર સુધીનું છે અને નવરાત્રિ 7મી ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ ચોથા નોરતેથી નવું જાહેરનામું આવવાની શક્યતાઓ છે, જેથી ગરબાનો સમય પણ રાત્રે એક વાગ્યા સુધીનો રહી શકે છે.

8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત
આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાનાં આયોજનો માટે નવી ગાઈડલાઈન્સ સાથે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 12 કલાકથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.
નવરાત્રિમાં શેરી ગરબામાં 400 વ્યક્તિની છૂટ અપાઈ ( ફાઈલ ફોટો).
નવરાત્રિમાં શેરી ગરબામાં 400 વ્યક્તિની છૂટ અપાઈ ( ફાઈલ ફોટો).

શેરી ગરબામાં 400 લોકોની મર્યાદા
રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા અત્યારે રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે, એમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે એ સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવાં આયોજનો 400 વ્યક્તિની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇપણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.

લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ
લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિની જે મર્યાદા હતી એમાં વધારો કરીને હવે 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિની મર્યાદા રહેશે.

રેસ્ટોરાં 75% સાથે ચાલુ રાખી શકાશે ( ફાઈલ ફોટો)
રેસ્ટોરાં 75% સાથે ચાલુ રાખી શકાશે ( ફાઈલ ફોટો)

રેસ્ટોરાં ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે
રાજ્યમાં રેસ્ટોરાં રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 60% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી, એમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ-બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા, એ પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

જન્માષ્ટમી અને ગણેશચતુર્થીના તહેવારમાં કર્ફ્યૂમાં રાહત અપાઈ હતી.
ગુજરાત સરકારે અગાઉ રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને કોરોના અંગેની ગાઇડલાઇન્સ અને એસઓપી અન્વયે રાત્રિ કર્ફ્યૂ તેમજ અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી. એમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યે અને ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. જોકે ગણેશોત્સવ દરમિયાન જ નવી સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો ઘટાડીને 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દીધો હતો.

સરકારે 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો ( ફાઈલ ફોટો).
સરકારે 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો ( ફાઈલ ફોટો).

આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે

 • COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
 • મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
 • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
 • ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા.
 • શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે.
 • કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ..
 • અનાજ તથા મસાલા દળવાની ઘંટી.
 • ઘરગથ્થુ ટિફિન સર્વિસીઝ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ.
 • ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇટી અને એની સંબંધિત સેવાઓ.
 • પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝપેપર ડિસ્ટ્રિબ્યુશન.
 • પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા એને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.
 • પોસ્ટ અને કુરિયર સર્વિસ.
 • ખાનગી સિક્યોરિટી સેવા
 • પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
 • કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
 • આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
 • તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • આ સમયગાળા દરમિયાન એટીએમમાં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
 • તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્‍સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • સંબંધિત પોલીસ કમિશનરો/જિલ્લા મેજિસ્ટ્રેટોએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C. તથા ગુજરાત પોલીસ એક્ટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે
અન્ય સમાચારો પણ છે...