કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ 9 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવ્યો છે. અત્યારસુધી 20 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી હતો, જેમાં હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો થયો છે. આમ, હવે ગુજરાતનાં કુલ 29 શહેરમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો આ કર્ફ્યૂ 5મી મે સુધી અમલી રહેશે. તદુપરાંત આ 29 શહેરમાં વધારાનાં નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ, ગુજરાતનાં શહેરોમાં સરકારનું 'મિની લોકડાઉન' અને ગામડાંમાં જનતાનું સ્વયંભૂ લોકડાઉન અમલમાં આવ્યું છે.
કેન્દ્રની માર્ગદર્શિકાને પગલે રૂપાણી કેબિનેટે 1 વર્ષ જૂના નિયમો ફરી લાદ્યા
ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથે આજે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક પછી કોરોનાને કાબૂમાં લેવા 29 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદવા સહિતના મહત્ત્વના નિર્ણયો કર્યા. આ ઉપરાંત મોલ-મલ્ટિપ્લેક્સ સહિતના એકમો બંધ રહેશે, જ્યાં ભીડભાડ એકત્ર થતી હોય છે. આ સાથે જ ગુજરાતમાં પ્રતિબંધિત એકમોની યાદી ફરીથી મોટીમસ થઈ ગઈ છે, જે બરાબર એક વર્ષ પહેલાં એટલે કે મે-2020માં અમલી હતી તેવી જ થઈ ગઈ છે. આમ, ગુજરાત કોરોના મહામારી સામેની લડતમાં બરાબર એક વર્ષ પહેલાં જ્યાં હતું ત્યાં જ પાછું પહોંચી ગયું છે.
હજી 6 એપ્રિલે જ રાજ્યનાં 20 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લદાયો હતો
આ પહેલાં ગુજરાત સરકારે ગત 6 એપ્રિલે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ઉપરાંત ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો. આ શહેરોમાં કોરોનાની સ્થિતિ અત્યંત વકરી ચૂકી હોવાને કારણે સરકારે આ નિર્ણય લીધો હતો અને 5 મે સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી.
ગામડાંમાં સ્વયંભૂ લોકડાઉનનો ચુસ્ત અમલ ચાલુ જ છે
શહેરી વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થતી રોકવા રાજ્ય સરકારે મિની લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દીધા છે. બીજી તરફ, રાજ્યનાં ગામડાંમાં તો જડબેસલાક લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલુ જ છે અને ત્યાં બહારથી આવતા લોકો પર ચુસ્ત પ્રતિબંધ લદાયો છે. ગામડાંમાં સ્વયંભૂ જાગૃતિ હવે જોવા લાગી છે અને કામ વિના લોકોને બહાર નીકળવા અને એકઠા થવા પર પ્રતિબંધ મૂકીને પંચાયત દ્વારા એનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે.
સરકાર દ્વારા લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો
મુખ્યમંત્રીના અધ્યક્ષપદે સવારે બેઠકનું આયોજન
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષપદે આજે સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હાઈકોર્ટે સુઓમોટો PIL કરતાં સરકાર હરકતમાં આવી હતી
નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો લેતાં હાથ ધરેલી સુનાવણીમાં રાજ્યમાં સંક્રમણની ચેન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 6 એપ્રિલે રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી.
બેઠક અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રાએ વીડિયો-કોન્ફરન્સ થકી ચર્ચા કરી હતી. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતાં આ દિવસો જોવાનો વારો આવ્યો છે.
ગુજરાતમાં હેલ્થ ઈમર્જન્સી જેવી સ્થિતિ
ગુજરાત રીતસર હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરી રહ્યું છે, એમાં પણ તંત્ર અને સરકારની અણઆવડતને પગલે દર્દીઓ ઓક્સિજન વિના તડપી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે કેસોમાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે. સોમવારે 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 14,340 નવા કેસ નોંધાયા છે, જોકે તે 25 એપ્રિલ કરતાં માત્ર 44 વધારે છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5 લાખને પાર થયો ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 5,10,373 કેસ નોંધાયા છે. જ્યારે 7,727 દર્દીએ કોરોનાને માત આપી છે. તેમજ 158 દર્દીનાં મોત થયાં છે. જે 25 એપ્રિલ કરતાં એક વધુ છે. સતત ત્રણ દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે.
1,21,461 એક્ટિવ કેસ અને 412 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 86 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારાની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 5 લાખ 10 હજાર 373ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 6,486 થયો છે. તેમજ અત્યારસુધીમાં 3 લાખ 82 હજાર 426 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,21,461 એક્ટિવ કેસ છે, જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,21,049 દર્દીની હાલત સ્થિર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.