AMCનો નિર્ણય:અમદાવાદમાં આવતીકાલથી રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ, શનિ-રવિવારે મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અમદાવાદમાં આવતીકાલથી રાતના 10ને બદલે હવે 9 વાગ્યાથી કર્ફ્યુ લદાયો

રાજયમાં કોરોનાના કેસ 1276 સુધી પહોંચ્યા છે અને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો 300ની નજીક છે ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે આજે ખાસ અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં આવતીકાલે શુક્રવારથી અમદાવાદ શહેરમાં ફરફ્યુનો સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શનિવારે અને રવિવારે ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેડ, હોસ્પિટલની સંખ્યા અને પેરામેડિકલ સ્ટાફ, દવાઓ, ટેસ્ટિંગ અને રસીકરણ અંગે પણ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજ્ય સરકારે વડોદરા, સુરત, રાજકોટની સાથે અમદાવાદમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો હતો.

કોરોનાના 304 કેસ અને 2 દર્દીના મોત
અમદાવાદમાં 17 માર્ચની સાંજથી 18 માર્ચની સાંજ સુધીમાં કોરોનાના 304 કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીના મોત થયા છે. તેમજ 255 દર્દી સાજા થયા છે. આ સાથે જ કુલ કેસ 65,693 થયા છે અને મૃત્યુઆંક 2328એ પહોંચ્યો છે. જ્યારે 62,225 દર્દી સાજા થઈ ચૂક્યા છે.

આવાસ યોજનાનાં ફોર્મનું વિતરણ રૂબરૂ બંધ, ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
શહેરમાં કોરોના સંક્રમણ વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશને આવાસ યોજનાનાં ફોર્મનું વિતરણ બંધ કર્યું છે. આવાસ યોજનાના ફોર્મ બેંકોમાંથી મળતા હતા. પરંતું ફોર્મ લેવા માટે લોકોની ભીડ એકઠી થતી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ભય રહેતો હતો તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોર્રેશનનાં વહીવટીતંત્રએ આ મહત્વનો નિર્ણય લીધો છે.

જો કે લોકોની સુવિધા માટે AMCની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકાશે, તંત્રનાં આ નિર્ણયનાં પગલે કોરોના સંક્રમણ ફેલાતું રોકી શકાશે. તો બીજી તરફ લોકોને પણ ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા મળતા બેંકોની ઓફિસે જઇને ફોર્મ મેળવવામાંથી છુટકારો મળ્યો છે.

AMTS અને BRTS બસો બંધ
આ પહેલા ગુરુવારની સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ખાનગી અને સરકારી જિમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ કલબ વગેરે પણ ગુરુવારથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે

બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય બંધ
કોરોનાની બીજી લહેરની એન્ટ્રી વચ્ચે ચાર મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના ખૌફને કારણે ગુરુવારથી શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી બંધ કરી દેવાયા છે, જેથી હવે મોર્નિંગ વૉક કરનાર પણ હેરાન થશે.

ખાણી-પીણી સહિતના ધંધાકીય એકમો બંધ
આ પહેલાં અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

લોકોએ મનોરંજનનો વિકલ્પ શોધવો પડશે
ગાર્ડનમાં એન્ટ્રી બંધ કરાવતા પહેલા પ્રસાશનને એ વાત પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે ત્યાં લોકોની અવરજવરનું પ્રમાણ કેટલું હોય છે. મોટાભાગનાં ગાર્ડન્સ જેવી પબ્લિક પ્લેસ પર અવરજવર સિમિત સમય સુધી હોય છે અને તેનું પ્રમાણ પણ ઓછું હોય છે. તેમાં પણ જો પ્રતિબંધ લદાશે તો ભૂલકાં અને વૃદ્ધોએ મનોરંજનનો બીજો વિકલ્પ શોધવો રહ્યો. -ક્રિષ્ના ઉપાધ્યાય, ઉસ્માનપુરા

સિવિલમાં કોરોનાના દર્દીઓમાં વધારો અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે. સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે, જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જે માસ્ક નથી પહેરતાં અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા એવા લોકો માટે ચેતવાની જરૂર છે. લોકોએ લગ્ન મેળાવડા અને ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમર્જન્સીના તૈયાર કરવામાં આવ્યાં છે અને જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે.

લૉ ગાર્ડન-વસ્ત્રાપુર કર્ણાવતી પગરખાં બજાર બંધ કરાવાયું
બુધવારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતું હોવાથી મ્યુનિ. ટીમે લૉ-ગાર્ડનનું કપડાંબજાર અને વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલા કર્ણાવતી પગરખાંબજારને બંધ કરાવી દીધું હતું. મ્યુનિ. 255 ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે વિવિધ વિસ્તારમાં મોલ, મલ્ટિપ્લેક્સ, પાર્ટી પ્લોટમાં તપાસ કરી લોકોના સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવા માટે સમજાવ્યા હતા. દરમિયાન રાત્રે લૉ ગાર્ડન ખાતે કાપડ સહિતની ચીજોના વેચાણ સ્થળે મોટી સંખ્યામાં નાગરિકોની ભીડ જોવા મળી હતી. એને ધ્યાનમાં લેતાં મ્યુનિ. તંત્ર દ્વારા આ જગ્યાઓ બંધ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...