રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અમદાવાદ સહિત રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. આજે પોલીસ વડા આશિષ ભાટિયાએ ચાર શહેરો એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. આ ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે.
15 દિવસ નાઈટ કર્ફ્યૂ લાદ્યો છતાં કોરોના કાબૂમાં ના આવ્યો
રાજ્યમાં દિવાળી તહેવારો પૂર્ણ થતા જ કોરોના વિસ્ફોટ થયો છે. જેને પગલે અમદાવાદ શહેરમાં 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. જો કે આમ છતાં મહામારીએ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર મુખ્ય શહેરોમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બરે આ રાત્રિ કર્ફ્યૂનો છેલ્લો દિવસ હતો. જો કે 15 દિવસના આ રાત્રિ કર્ફ્યૂ છતાં રાજ્યમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા નથી અને દૈનિક 1500 જેટલા કેસો સામે આવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં હજુ પણ ગંભીર સ્થિતિ જ છે. જ્યારે અમદાવાદ શહેરમાં તો 10-12 મોત થઈ રહ્યાં છે. વાસ્તવમાં તો સ્મશાનોમાં અંતિમવિધિ કરવા માટે લાઈનો લાગેલી જોવા મળે છે.
કોરોના બેકાબૂ બનતાં 23 નવેમ્બરે 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરે અમદવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 20 હજાર 688 કેસ અને 4095 દર્દીના મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં 83 લાખ 10 હજાર 558 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 20 હજાર 168ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4095એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 1 હજાર 580 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14493 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર જ્યારે 14412 દર્દીની હાલત સ્થિર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.