મેઘો મંડાણો:અમદાવાદમાં સરખેજના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત, કેટલાક વિસ્તારોમાં પાણી હજી ઓસર્યા નથી

અમદાવાદ9 મહિનો પહેલા
  • સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, રાણીપ વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ
  • ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 83 ટકા વરસાદ નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં મેઘમહેર

અમદાવાદમાં આજે સવારે 10 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સવારથી સાંજના 4 સુધીમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 43.97 મી.મી વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 41.87 મી.મી વરસાદ પડ્યો. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતા. બીજી તરફ સરખેજ- ધોળકા રોડ પર ભારતી આશ્રમ પાસે નવા બનેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું હતું, જેમાં એક યુવક ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની એક ટીમ રેસ્ક્યૂ માટે રવાના થઈ હતી. યુવકને બચાવવા માટે ટીમ પહોંચી હતી, પરંતુ તે ડૂબી ગયો હતો. યુવકની શોધખોળ કરી તેને બહાર કાઢ્યો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, યુવકની ઓળખ થઈ નથી અને તેનું ડૂબી જવાથી મોત થયું છે. હાલ તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે. વરસાદને કારણે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે.

અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં યુવક ડૂબી જતાં ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ આદરી હતી.
અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં યુવક ડૂબી જતાં ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ આદરી હતી.

અમદાવાદમાં વરસાદ બંધ થયાના એક કલાક બાદ પણ અનેક વિસ્તારોમાં ભરાયેલાં પાણી હજી ઓસર્યાં નથી. સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયાં છે. જ્યારે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ વરસાદનાં પાણી ભરાઈ ગયાં છે. સોલા સિવિલમાં ઈલાજ માટે આવનારા દર્દીઓને પાણી ભરાઈ જવાને કારણે મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

શહેરમાં ઝોન મુજબ નોંધાયેલો વરસાદ

ઝોનવરસાદ (મી.મીમાં)
પૂર્વ ઝોન2.59
પશ્ચિમ ઝોન21.49
ઉત્તર પશ્ચિમ ઝોન43.97
દક્ષિણ પશ્ચિમ ઝોન41.87
મધ્ય ઝોન6.5
ઉત્તર ઝોન0.83
દક્ષિણ ઝોન25.75
સરેરાશ વરસાદ20.44

શહેરમાં પાણી ભરવાની 15 સ્થળોએ ફરિયાદ મળી
વરસાદને પગલે શહેરમાં કુલ 15 સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદ AMCને મળી હતી. જેમાં પશ્ચિમ ઝોનમાં 5, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 અને દક્ષિણ ઝોનમાં 1 ફરિયાદ મળી હતી. જેમાંથી 12 ફરિયાદનો નિકાલ કરાયો છે જ્યારે 3ની કામગીરી ચાલુ છે.

અમદાવાદના ચાંદલોડિયામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
સાબરમતી પોલીસ સ્ટેશન, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ પાસે મેટ્રોના કામકાજ સ્થળે પાણી ભરાઈ જવાથી ભારે ટ્રાફિકજામ થયો હતો. સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, રાણીપ વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ થયો. અમદાવાદમાં વહેલી સવારથી જ કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેમાં સૌથી વધુ બે કલાકમાં બે ઈંચ વરસાદ ચાંદલોડિયામાં ખાબક્યો હતો. એ ઉપરાંત શહેરમાં સરખેજ, જુહાપુરા અને બોપલમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગોતામાં સવા ઈંચ અને સાયન્સસિટી વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ થયો છે. પાલડી, ઉસ્માનપુરા અને સાબરમતીમાં અડધો ઈંચ તો મણિનગરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 80 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણામાં સાડાત્રણ ઈંચ ખાબક્યો છે.

સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી 80 તાલુકામાં વરસાદ

તાલુકોવરસાદ (ઈંચ)
મહેસાણા3.5
બેચરાજી2.5
કડી2.5
વીસનગર2
ખેરાલુ2
લખતર1.5
હળવદ1.5
કલોલ1.5
સાયલા1
ઊંઝા1
વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકી.
વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકી.

વરસાદથી પાણી ભરાઈ જવાને કારણે ધંધાર્થીઓ અટવાયા
અમદાવાદમાં સવારે ઘરેથી નોકરીધંધે જનારા લોકો વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી અટવાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે જ પાણી ભરાઈ જવાથી ટ્રાફિકજામ થયો હતો. ચાંદખેડાથી મકરબા સુધી નોકરી જનારા એક નાગરિકે જણાવ્યું હતું કે વરસાદને કારણે નોકરીએ જવામાં મોડું થઈ ગયું છે.

સાબરમતી પોલીસ સ્ટેશન, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ પાસે મેટ્રોનાં કામકાજ સ્થળે પાણી ભરાઈ જવાથી ભારે ટ્રાફિકજામ થયો હતો. મેટ્રો રેલની કામગીરીને કારણે ટ્રાફિકજામ થતાં વાહન લઈને જવું મુશ્કેલ થયું છે. જ્યારે વસ્ત્રાલથી એસજી હાઈવે પર નોકરીએ જનારી વ્યક્તિએ જણાવ્યું હતું કે પાણી ભરાઈ જવાને કારણે વાહન ચલાવવું અધરું થઈ પડ્યું છે. પાણીમાં વાહન ફસાઈ જવાને કારણે નોકરીના સ્થળે પહોંચવામાં પણ મોડું થઈ ગયું છે.

વસ્ત્રાપુરમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં.
વસ્ત્રાપુરમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં.

ભારે વરસાદથી ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયાં
અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર અખબારનગર, પલ્લવનગર અને શાસ્ત્રીનગર પાસે ડાઇવર્ઝનને કારણે તેમજ પાણી ભરાઈ જવાને કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો. કેટલાક લોકો વાહન બંધ પડી જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં ભારે વરસાદથી ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયાં હતાં. અડધા કલાકથી વરસાદે વિરામ લીધો છે છતાં હજી પાણી ઓસર્યા નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં બપોરના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં ઘોડાસર, ઈસનપુર, નારોલ વિસ્તારમાં વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં. નેશનલ હાઈવે નં-8 પર ગટરો ઊભરાતાં ડિસ્કો રસ્તા પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ.
અમદાવાદમાં એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ.

મહેસાણામાં 2 કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદ
મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે સોમવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. એને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયાં હતાં. મહેસાણા તાલુકામાં સૌથી વધુ 49 મિમી વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે ધરોઈ ડેમમાં ઉપરવાસથી પાણી આવતાં હાલ ધરોઈ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. મહેસાણા શહેરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જતાં વહેલી સવારે ધંધા અર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં ફુવારા, ગોપીનાળા, ભમરિયા નાળા, મોઢેરા રોડ, હીરાનગર વિસ્તારમાં પાણી ભરાયાં છે.

મહેસાણા મોઢેરા રોડ પર પાણી ભરાયાં.
મહેસાણા મોઢેરા રોડ પર પાણી ભરાયાં.

રાજકોટમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ
રાજકોટમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે, જેથી રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બીજી તરફ, ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને હેડ લાઇટ શરૂ કરવાની ફરજ પડી હતી. વિરામ બાદ વરસાદનું ફરી આગમન થતાં ખેડૂતોના ચહેરા પર ફરી એક વખત ખુશી જોવા મળી રહી છે. હાલ રાજકોટની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. રાજકોટમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેમાં રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ, જામનગર રોડ, બજરંગવાડી, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

સવારથી જ રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો.
સવારથી જ રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ઝોનટકાઇંચ
કચ્છ87.6315.27
સૌરાષ્ટ્ર93.1425.7
ઉ.ગુજરાત68.3119.2
દ.ગુજરાત82.7947.63
મ.ગુજરાત76.2624.21
ગુજરાત83.5127.61

રાજ્યમાં અત્યારસુધીમાં 83 ટકા વરસાદ થયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો છે. ક્વાંટ, ડીસા અને ડભોઈમાં વરસાદ થવાથી લોકોમાં રાહત થઈ છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી અને વડનગરમાં 10 મિમી વરસાદ થયો છે. રાજ્યમાં સીઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ થયો છે.

આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો વરસાદ

તાલુકોવરસાદ (મિમી)
દસાડા18
ખેરાલુ15
વડનગર10
મુળી9
પાટણ6
ઈડર4
ચાણસ્મા3
દાંતા3
ધોલેરા3
ખેડબ્રહ્મા3
કપરાડા3
આમોદ2
કલોલ2
વડગામ1

​​​​​​રાજ્યના આ જિલ્લામાં વરસાદની વકી
રાજ્યમાં 28 સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહીસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે 40થી 60 કિમીની ગતિના પવન સાથે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરા એન્ડ નગર-હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા એન્ડ નગર-હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

30 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી.
30 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી.

ચાલુ વર્ષે અંદાજિત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે ચાલુ વર્ષે અંદાજિત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 સપ્ટેમ્બર સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01% વાવેતર થયું છે. તાજેતરમાં રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસૂલ વિભાગના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી યોજાઈ હતી, જેમાં આ માહિતી આપવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી.

રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય
તાજેતરમાં વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 55.89% છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતું કે રાજ્યનાં 206 જળાશયમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 75.09% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.

સીઝનમાં સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બરમાં થયો

મહિનોવરસાદ
જૂન4.79
જુલાઇ6.95
ઓગસ્ટ2.57
સપ્ટેમ્બર12.98