આજથી સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023નો પ્રારંભ થયો છે. દર વર્ષે કાઇટ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેવા માટે આવતા હોય છે. કાઈટ ફેસ્ટિવલમાં પંજાબના એક કપલે સૌ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પંજાબના ચંદીગઢના એક્ટર કનવાલપ્રીતસિંહ એક્ટર છે અને પત્ની રામપ્રીત કૌર PTC ન્યૂઝમાં ઇન્ટરનેશનલ એન્કર છે. કનવાલપ્રીતસિંહ તેમનાં પત્ની રામપ્રીત કૌર સાથે સૌ પ્રથમવાર કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવ્યા હતા. તેઓએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.
કાઈટ ફેસ્ટિવલને લઈ લોકોમાં ભારે ઉત્સાહ
પંજાબના ચંદીગઢ ખાતે રહેતા અને એક્ટર એવા કનવાલપ્રીતસિંહ દર વર્ષે કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવે છે અને ચાર વર્ષ તેઓ ભાગ લીધો છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે ફેસ્ટિવલ યોજાયો ન હતો. પરંતુ આ વર્ષે કોરોના બાદ ફેસ્ટિવલ યોજાયો છે, ત્યારે તેઓ ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહ છે. કોરોનાકાળ બાદ દુનિયા ખૂલીને બહાર આવી છે. ચાલુ વર્ષે ફેસ્ટિવલ યોજાયો છે, ત્યારે લોકો તેને ખૂબ જ માણી રહ્યાં છે.
પ્રથમવાર ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યાં: રામપ્રીત કૌર
સૌ પ્રથમ વાર કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલાં રામપ્રીત કૌરે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌ પ્રથમવાર કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યા છે. G-20 ઉપર આ કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે અને ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે. ખૂબ જ આનંદ અને ઉત્સાહથી લોકો આ કાઈટ ફેસ્ટિવલને માણી રહ્યા છે. ગુજરાત ટુરિઝમ દ્વારા કાઈટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે, જેને લઇ હું ગુજરાત સરકારનો આભાર માનું છું.
56 દેશોના 150થી વધુ પતંગબાજો પરફોર્મ કરશે
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા કાઈટ ફેસ્ટિવલ એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. 56 દેશોના 150 પતંગબાજો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ભાગ લેશે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વિદેશી પતંગબાજો રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. વિવિધ પ્રકારના પતંગોનો આકાશી નજારો જોવા મળ્યો હતો. આ પતંગબાજો ગુજરાતનાં વડોદરા, વડનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સુરત, સોમનાથ, રાજકોટ, ધોલેરા, સફેદ રણ અને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પરફોર્મ કરશે. પતંગોનો ઈતિહાસ પણ આયોજિત સ્થળો પર પ્રદર્શિત થશે. ગુજરાતમાં G-20ની ઘણી બેઠકો યોજાવા જઈ રહી છે, ત્યારે કાઈટ ફેસ્ટિવલને G-20 થીમ સાથે જોડવામાં આવ્યો છે. 8થી 14 જાન્યુઆરી સુધી ચાલનારા કાઇટ ફેસ્ટિવલમાં યુકે, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા સહિતના 56 દેશોના પતંગો પણ પ્રદર્શિત કરવામાં આવશે અને પતંગના સદીઓ જૂના ઈતિહાસને પણ જીવંત બતાવવામાં આવશે.
અમે પક્ષીઓની થીમ ઉપર પતંગ બનાવ્યો: એન્જલિકા
બેલારુસ દેશથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલાં એન્જલિકાએ જણાવ્યું હતું કે, આ મારો બીજો પતંગ મહોત્સવ છે. અમે પક્ષીઓની થીમ ઉપર પતંગ બનાવ્યો છે. હું બેલારુસ દેશને આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં રિપ્રેઝન્ટ કરું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.