લોકાર્પણ:SG હાઇવે પર ઉવારસદ જંક્શન ખાતે નવનિર્મિત ફ્લાયઓવર અને ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના 10 માર્ગીય રસ્તાનું લોકાર્પણ કરાયું

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
આજે લોકાર્પણ કરવામાં આવેલા ઉવારસદ ચાર રસ્તા ફ્લાયઓવરમાં ૩૫ મીટરનો એક ગાળો છે. - Divya Bhaskar
આજે લોકાર્પણ કરવામાં આવેલા ઉવારસદ ચાર રસ્તા ફ્લાયઓવરમાં ૩૫ મીટરનો એક ગાળો છે.
  • ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને આજે ઉત્તરાયણે વધુ એક ફ્લાયઓવરની વિશેષ ભેટ
  • સમગ્ર પ્રોજેક્ટમાં VMS આધારિત સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ તથા ફ્લાયઓવર ઉપર નોઈસ બેરીયરનું પણ આયોજન, ત્રણ લેયરમાં ટ્રાફિક પસાર થઇ શકશે
  • પ્રજાના પૈસાનો પ્રમાણિકતાથી આયોજનપૂર્વક અને દીર્ઘદ્રષ્ટિથી ઉપયોગ કરી વિકાસ કામોનું આયોજન કરવું એ જ અમારો નિર્ધાર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
  • સરખેજ-ગાંધીનગર- ચિલોડાના છ માર્ગીય રોડ પર આવતા અન્ય ફ્લાયઓવરના કામો આગામી ત્રણ માસમાં પૂર્ણ કરાશે

રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂ.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર અને રૂ.૨૧.૬૭ કરોડનાં ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને આજે ઉત્તરાયણના તહેવારે વધુ એક ફ્લાયઓવરની વિશેષ ભેટ મળી છે જેના થકી અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર જ્યાં ખૂબ જ ટ્રાફિક થતો હોય છે તેવા ટ્રાફિકથી ભરચક રહેતા એસ જી હાઇવે પર નાગરિકો હવે સુરક્ષા સાથે ઝડપી પરિવહન કરી શકશે. નોંધનીય બાબત છે કે આ સમગ્ર પ્રોજેક્ટમાં VMS આધારિત સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ તથા ફ્લાયઓવર ઉપર નોઈસ બેરીયરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૮૬૭ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલા સરખેજ- ગાંધીનગર- ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-૧૪૭ (એસ.જી હાઇવે)ના ફ્લાયઓવર્સ સહિત છ માર્ગીકરણ તથા એલિવેટેડ કોરિડોરના કામો પૈકી આજે આ બે મહત્વના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં કુલ ૧૦ ફ્લાય ઓવરના કામોનો સમાવેશ થાય છે જે પૈકી તૈયાર થઈ ગયેલા સિંધુભવન ચાર રસ્તા અને સાણંદ ચાર રસ્તા પરના ફલાયઓવરના લોકાર્પણ નવેમ્બર-૨૦૨૦માં કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય કામો જુલાઈ-૨૦૨૧ સુધીમાં તબક્કાવાર પૂર્ણ કરવાનું આયોજન છે. એટલું જ નહિ આ નિર્ણાયક રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૩૪૦૦ કરોડના ખર્ચે રાજ્યના રેલવે ફાટકો ઉપર ૬૮ ઓવર બ્રિજ બનાવવાનો સંકલ્પ કરાયો છે ત્યારે આગામી ત્રણ-ચાર વર્ષમાં ગુજરાત રેલવે ફાટક મુક્ત રાજ્ય બની જશે જે સમગ્ર દેશમાં ફાટક મુક્ત પ્રથમ રાજ્ય હશે.

રાષ્ટ્રીય ધોરી માર્ગ-૧૪૭ સરખેજ-ગાંધીનગર-ચિલોડા (એસ.જી હાઇવે) રોડના નવિનીકરણની કામગીરીને કુલ ચાર પેકેજમાં વહેચવામાં આવી છે. જેમાં મુખ્ય માર્ગને ચાર લેનમાંથી છ લેનમાં પહોળા કરવા અને નવા સર્વિસ રોડ બનાવવા ઉપરાંત ૧૦ જંકશન ઉપર ફ્લાય ઓવર બનાવવાના પ્રોજેક્ટ છે. કુલ ૧૦ જંકશનમાં ઘ-૦ (ઇન્ફોસીટી જંક્શન), ખ-૦ (સરગાસણ જંક્શન), ઉવારસદ જંક્શન, ખોડિયાર કન્ટેનરયાર્ડ પાસે પુલ, ખોડિયાર રેલ્વે પુલ, વૈષ્ણોદેવી જંક્શન, સોલા ભાગવત જંક્શનથી ઝાયડસ જંક્શન સુધીનો સોલા રેલ્વે ઓવર બ્રીજના વાઇડનીંગ સહિતનો ૪.૧૮ કી.મીનો એલીવેટેડ કોરીડોર, સિંધુભવન ચાર રસ્તા, સાણંદ જંક્શન અને ઉજાલા જંક્શન એમ મળી કુલ ૧૦ ફ્લાયઓવરોની કામગીરીનો સમાવેશ થાય છે.

આજે લોકાર્પણ કરવામાં આવેલા ઉવારસદ ચાર રસ્તા ફ્લાયઓવરમાં ૩૫ મીટરનો એક ગાળો છે. જેમાં એપ્રોચની લંબાઇ – ૫૩૬ મીટર ગાંધીનગર તરફ અને ૫૮૦ મીટર સરખેજ તરફ છે જ્યારે પહોળાઈ – ૬ માર્ગીય (૨૮ મીટર) (૧૩.૫ મીટર બન્ને તરફ) છે. તે માટે કુલ રૂ. ૧૭ કરોડનો ખર્ચ થયો છે. તેના સર્વિસ રોડની લંબાઇ – ૧૧૫૧ મીટર (બન્ને તરફ) અને પહોળાઇ ૭ મીટર છે. તે ઉપરાંત પુલ ઉપર કુલ ૩૨ સ્ટ્રીટ લાઈટ અને સર્વિસ રોડ ઉપર કુલ ૫૬ સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી છે. જ્યારે લોકાર્પણ કરાયેલા બીજા પ્રોજેક્ટ ત્રિ-મંદિર અડાલજથી હનુમાનજી મંદીર સુધીના ૧૦ માર્ગીય રસ્તાના કામનો કુલ ખર્ચ રૂા.૨૧.૬૭ કરોડ થયો છે. આ રસ્તાની લંબાઇ બે કિ.મી. અને પહોળાઇ ૨૦.૨૫ મીટરની છે. અમદાવાદ-સાબરમતી-કલોલ-મહેસાણા રોડ ઉપર અડાલજ ખાતે એસ.જી.હાઇવે અંડર પાસથી ત્રિ-મંદિર પછી જમીયત પુરા હનુમાનજી મંદિર રેલ્વે અંડર પાસ સુધી ૧૦.૦૦ માર્ગીય રસ્તાનું બાંધકામ કરાયું છે. આ રસ્તાની મધ્યમાં ૩.૦૦ મી. પહોળું એમ.એસ.જાળી સાથેનું ડીવાઇડર પણ બનાવાયું છે. આ રસ્તા ઉપર રોડ સેફ્ટી તેમજ જરૂરીયાત મુજબ રોડ ફર્નીચર પણ કરાયું છે.

આ પ્રોજેક્ટ ઉપરાંત ટ્રાફિકની વધુ સરળતા માટે વધારાની કેટલાક અગત્યના કામો કરવામાં આવ્યા છે. જેમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ દ્વારા આ હાઇવે પર રૂા.૨૬.૦૦ કરોડના ખર્ચે અંડરપાસ બનાવવાની કામગીરી સાથો સાથ હાથ ધરી છે. તે ઉપરાંત વૈષ્ણોદેવી ઔડા રીંગ રોડ જંક્શન પર છ માર્ગીય ફ્લાયઓવર તો બનશે જ. પણ તે ઉપરાંત રીંગ રોડનો ટ્રાફિક વિના અડચણે આ જંકશન પરથી પસાર થઇ શકે તે માટે ઔડા સાથે પરામર્શ કરી રૂા. ૩૧ કરોડના ખર્ચે અંડરપાસની કામગીરી સાથો સાથ હાથ ધરવામાં આવી છે કે જેથી ત્રણ લેયરમાં ટ્રાફિક પસાર થઇ શકે.

સોલા રેલ્વે ઓવરબ્રીજ નીચે હાલમાં સતાધાર ચાર રસ્તાથી સાયન્સ સીટી તરફ એક બોક્ષમાંથી ટ્રાફીક પસાર થાય છે. આથી એ.એમ.સી.ની વિનંતીથી આ પ્રોજેકટની સાથે વધારાનું એક બોક્ષ રૂા. ૧૩.૦૦ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી પણ સાથો સાથ હાથ ધરાયું છે. કે જેથી ફોરલેન રસ્તા માટે બે બોક્ષ મળી શકે અને ટ્રાફીકને સરળતા રહે. આમ, રૂા.૭૦ કરોડના ખર્ચે વધારાની કામગીરી પણ આ પ્રોજેકટની સાથે હાથ પર લેવામાં આવી છે.

લોકાર્પણ કરાયેલા બીજા પ્રોજેક્ટ ત્રિ-મંદિર અડાલજથી હનુમાનજી મંદીર સુધીના ૧૦ માર્ગીય રસ્તાના કામનો કુલ ખર્ચ રૂા.૨૧.૬૭ કરોડ થયો છે.
લોકાર્પણ કરાયેલા બીજા પ્રોજેક્ટ ત્રિ-મંદિર અડાલજથી હનુમાનજી મંદીર સુધીના ૧૦ માર્ગીય રસ્તાના કામનો કુલ ખર્ચ રૂા.૨૧.૬૭ કરોડ થયો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે પ્રજાના પૈસાનો પ્રમાણિકતાથી આયોજનપૂર્વક અને દીર્ઘદ્ષ્ટિથી ઉપયોગ કરી વિકાસ કામોનું આયોજન કરવાનો અમારો નિર્ધાર છે. જેના પરિણામે જ વિકાસ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં રોલમોડલ બની રહ્યુ છે.

આજે ગાંધીનગરનાં પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂા.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર અને રૂા. ૨૧.૬૭ કરોડના ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે સરખેજ- ગાંધીનગર-ચિલોડા માર્ગને રૂા.૮૫૦ કરોડના ખર્ચે છ માર્ગીય બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ માર્ગ પર આવતા તમામ સર્કલ પર ફ્લાયઓવર બની રહ્યા છે તે પૈકી અમદાવાદ શહેરના બે ફ્લાયઓવરનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વર્ચુઅલી ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સંપન્ન કરાયું છે. આજે આ ત્રીજા ફ્લાયઓવરનું લોકાર્પણ કરાયુ છે અને આગામી ત્રણ માસમાં અન્ય ફ્લાયઓવરના કામો પૂર્ણ કરવાનું અમારુ આયોજન છે જેના પરિણામે ગાંધીનગરમાં દેશભરમાંથી આવતા નાગરિકોના સમયની સાથે સાથે સુરક્ષામાં વધારો અને પેટ્રોલ ડિઝલની બચત થશે તેમજ ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ છે કે, દેશનું એક માત્ર રાજ્ય ગુજરાત છે કે જ્યાં બે શહેરોને જોડતા છ માર્ગીય હાઇવે પર ફ્લાયઓવર અને ૪ કિ.મી.નો એલીવેટર બ્રીજનું કામ પણ ચાલુ છે જે પણ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતનું પાટનગર ગાંધીનગર એ ગુજરાતનું હૃદય છે. ગાંધીનગરને વિશ્વ કક્ષાનું શહેર બનાવવા માટે પણ અમે નક્કર આયોજન કર્યુ છે અને આગામી સમયમાં તમામ પ્રકારની સવલતોનું નિર્માણ કરાશે.

નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મંત્ર ને ચરિતાર્થ કરવા માટે આપણા મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વવાળી સરકાર જે ટીમવર્કથી કામગીરી કરી રહી છે. જેના પરિણામે ગુજરાતના નાગરિકો અમારા ઉપર વિશ્વાસ રાખે છે તેને ચરિતાર્થ કરવાની પણ અમારી જવાબદારી અમે સુપેરે નિભાવી રહ્યા છીએ. અમારા પ્રમાણિક વહીવટ અને પ્રજાકીય સહયોગ તથા દ્ષ્ટિવંત આયોજનને પરિણામે કોરોનાના કપરા કાળમાં પણ એકપણ કર્મચારીનો પગાર એક દિવસ મોડો થવા નથી દીધો. અન્ય રાજ્યોમાં શું પરિસ્થિતી હતી તે આપણે જાણીએ છીએ. આજે જી.એસ.ટી. અને વેટની આવકમાં પણ વધારો થયો છે. પેટ્રોલ, ડીઝલ, સી.એન.જીનું વેચાણ પણ વધ્યુ અને તેની આવક પણ ઉત્તરોત્તર વધી છે. એટલું જ નહિ કોરોનાનું સંક્રમણ રોકવા તથા સંક્રમિત નાગરિકોને ગુણવત્તાલક્ષી સારવાર આપવા માટે અંદાજે રૂા.૧૦૦૦ કરોડથી વધુના ખર્ચે સરકારે વિનામૂલ્યે સારવાર પૂરી પાડી છે. જ્યારે આગામી ૧૬મી જાન્યુઆરીથી કોરોના માટે વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાનના હસ્તે દેશભરમાં થવાનો છે એ સંદર્ભે ગુજરાતે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને એ દિવસે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં રસી અપાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...