એજ્યુકેશન સમિટ:નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી વધુ 5 વર્ષ માટે અમલમાં મુકાઈ,વિદ્યાર્થીઓને ઈનોવેશન માટે 5 કરોડની સહાય મળશે

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રીએ નવી સ્ટાર્ટ અપ પોલીસીનું અનાવરણ કર્યું - Divya Bhaskar
મુખ્યમંત્રીએ નવી સ્ટાર્ટ અપ પોલીસીનું અનાવરણ કર્યું
 • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી ખાતે એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો
 • અમદાવાદમાં ICAI-2022 એક્ઝિબિશનમાં 54 યુનિવર્સિટી-સંસ્થાઓએ સ્ટોલ પ્રદર્શિત કર્યા

અમદાવાદની સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ-2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)નું અનાવરણ કર્યું હતું. આ એક્ઝિબિશનમાં 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસીને વધુ પાંચ વર્ષ માટે અમલમાં મુકવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ નેશનલ એજ્યુકેશન પોલિસી નયા ભારતના નિર્માણમાં બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલથી દેશ આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને શૈક્ષણિક ક્ષેત્રે ક્રાન્તિકારી પરિવર્તન માટે સજ્જ બન્યો છે.દેશમાં મૌલિક અને પ્રતિભાસંપન્ન યુવાનોના ઘડતર માટે સમયને અનુરૂપ જરૂરિયાતો પ્રમાણેની વ્યાપક શિક્ષણ વ્યવસ્થા જોઈએ. તે વ્યવસ્થા પૂરી પાડવાનું મોટું કામ પાર પડી રહ્યું છે. આજે ગુજરાતમાં 91 જેટલી યુનિવર્સિટીઝ 2860 ઉપરાંત સંસ્થાઓ દ્વારા આધુનિક જ્ઞાન યુવાઓને મળી રહ્યું છે.

50 જેટલા સ્ટોલનું પ્રદર્શન કરાયું
50 જેટલા સ્ટોલનું પ્રદર્શન કરાયું

ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ માટે વોકેશનલ સેન્ટર કાર્યરત
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે,સાયન્સ સિટીમાં કાર્યરત રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી સહિતના વૈવિધ્યપૂર્ણ પ્રકલ્પો દેશ-વિદેશના લોકોને આકર્ષી રહ્યા છે.દ્વિ-દિવસીય શિક્ષણ સમિટ રાજ્યના બાળકોના સંશોધન અને જ્ઞાનનું રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે આદાન પ્રદાન કરશે. આ કોન્ફરન્સમાં હોલિસ્ટિક એજ્યુકેશન સ્કીલ ડેવલપમેન્ટ, આંતરપ્રિન્યોર્સિપ, ડિજિટલ એજ્યુકેશન, જેવા વિવિધ વિષયો નો સમાવેશ કરાશે. જે વિઘાર્થીઓના શિક્ષણને વધુ પરિપક્વ બનાવશે. આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 ધોરણ-6 થી પી.એચ.ડી. સુધીના બાળકો યુવાઓના નવોન્મેષ વિચારો અને સંશોધનને નવી રાહ ચીંધશે. ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ માટે વોકેશનલ સેન્ટર કાર્યરત કરાવીને તેમને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવાની દિશામાં શિક્ષણ વિભાગે હાથ ધર્યા છે.

શૈક્ષણિક ક્ષેત્રના 30 જેટલા એમ.ઓ.યુ. પણ સંપન્ન થયા
દેશ-વિદેશથી આવેલા ડેલિગેટ્સ, રોકાણકારોને રાજ્યના ગાંધી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાયન્સ સીટી જેવા વિવિધ પ્રમુખ સ્થાનોની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું. આ સમિટમાં શૈક્ષણિક ક્ષેત્રના 30 જેટલા એમ.ઓ.યુ. પણ સંપન્ન થયા હતા તથા નવી શિક્ષણ નીતિના દિશાદર્શનનો રોડમેપ અને SSIP. 2.0નું લોન્ચીંગ પણ થયું હતું. આ કોન્ફરન્સમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગડમ, નોર્વે અને ફ્રાન્સ જેવા દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થયા છે. જ્યારે બ્રિટિશ કાઉન્સિલ, ટાઇમ્સ હાયર એજ્યુકેશન, વર્લ્ડ બેંક, યુનેસ્કો, યુનિસેફ, યુ.એન-વુમન, ધી ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ આ કોન્ફરન્સના આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ છે. એટલું જ નહીં, સ્કીલ ઈન્ડિયા, NSDC, નીતિ આયોગ, AICTE, NBA, EDCIL અને i-Care નેશનલ પાર્ટનર્સ છે.

SSIP અંતર્ગત 5593 જેટલા અવરનેસ પ્રોગ્રામ કરાયા
છેલ્લા 5 વર્ષમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાં ઇનોવેશન પ્રક્રિયા અને સ્ટાર્ટ-અપ વિશે મૂળભૂત જાગરૂકતા માટેની માહિતી આપવામાં આવી છે.રાજયભરમાં SSIP અંતર્ગત 5593 જેટલા અવરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે.SSIP એ સમગ્ર દેશમાં એકમાત્ર પોલીસી છે જેનો ઉદ્દેશ્ય મોટા પાયે વિદ્યાર્થી ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને પોષણ આપવા અને સમર્થન આપવાનો છે. છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર 1 પર છે. આ રેન્કિંગમાં, ભારત સરકારે શિક્ષણ વિભાગના SSIP દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને યોગદાનને વિશેષરૂપે સ્વીકાર્યું છે અને પ્રશંસા કરી છે.

SSIP અંતર્ગત 5593 જેટલા અવરનેસ પ્રોગ્રામ કરાયા
SSIP અંતર્ગત 5593 જેટલા અવરનેસ પ્રોગ્રામ કરાયા

શિક્ષણ વિભાગ દ્વારા અપાનારા પ્રોત્સાહનો

 • યુનિવર્સિટીઓ ઇનોવેશન માટે આગામી પાંચ વર્ષમાં 5 કરોડ સુધીનો લાભ મેળવી શકે છે.
 • સંસ્થાઓ ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓને ટેકો આપવા પાંચ વર્ષમાં 2 કરોડ સુધીનો લાભ
 • સ્ટાર્ટઅપ/ઇનોવેશન માટે મહત્તમ 10 લાખ રૂપિયા સુધીના સ્ટાર્ટઅપ્સને સીડ ગ્રાન્ટ
 • ઈનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને 2.5 લાખ સુધીનો સપોર્ટ.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસીની ઉપલબ્ધિઓ

 • રાજ્યની 186 સંસ્થાઓ/યુનિવર્સિટીઓનો SSIP ગ્રાન્ટી સંસ્થા તરીકે સમાવેશ કરેલ છે.
 • આજ સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા 2132 સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલ છે.
 • વિદ્યાર્થીઓ દ્વારા 1122 જેટલી પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે
 • વિદ્યાર્થીઓના 6376 જેટલા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ પ્રોજેકટનું નિર્માણ થયું
અન્ય સમાચારો પણ છે...