નવી ગાઈડલાઈન જાહેર:નવા 17 સહિત હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, હોટેલ-રેસ્ટોરાંને 24 કલાક હોમ ડિલિવરીની છૂટ

અમદાવાદ5 મહિનો પહેલા
ડાબેથી ગૃહ રાજ્યમંત્રી, શિક્ષણમંત્રી, આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી, કે.કૈલાસનાથન અને રાજીવ ગુપ્તા - Divya Bhaskar
ડાબેથી ગૃહ રાજ્યમંત્રી, શિક્ષણમંત્રી, આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી, કે.કૈલાસનાથન અને રાજીવ ગુપ્તા
 • 8 શહેરો અને 19 નગરોમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

ગુજરાતમાં હવે નવા કેસો 20 હજારથી વધુ આવી રહ્યાં છે. જેને પગલે સરકારે વધુ કડક નિયંત્રણો લાદ્યા છે.નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ બેઠક બાદ સરકારે નવા 10 ઉપરાંત 17 બીજા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યો છે.​ જ્યારે નાઇટ કર્ફ્યૂનો સમય યથાવત રાખ્યો છે. તેમજ હોટલ-રેસ્ટોરાં દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.

વધુ પોઝિવિટી રેશિયો ધરાવતા 17 નગરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યો
મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવિટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

નાઇટ કર્ફ્યૂ વધુ 7 દિવસ લંબાવાયો
નાઇટ કર્ફયુની હાલની જે સમયાવધિ તા.22-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.

8 મહાનગર અને 19 નગરોમાં 29મી સુધી નાઇટ કર્ફ્યૂ
તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 22મી જાન્યુઆરીથી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યુનો અમલ તા.29 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે

રાત્રિ કર્ફ્યૂના નિયમો અને છૂટછાટ

 • બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ.
 • બસ, રેલવે કે વિમાનના પ્રવાસીઓને અવરજવરની છૂટ. ટિકિટ દર્શાવવાની રહેશે.
 • આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓને છૂટ.
 • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર લોકોએ ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે.
 • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર સાથે અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ રાખવાનો રહેશે.

હાલ કયાં કયાં ક્ષેત્રોમાં કેવા પ્રતિબંધ અને કેવી છૂટછાટ

 • દુકાન-વેપાર-ધંધા: દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટી પાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.
 • હોટલ-રેસ્ટોરન્ટ્સ: બેઠક ક્ષમતાના 75% સુધી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
 • રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો: ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.
 • જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી: બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.
 • લગ્ન પ્રસંગો માટે નિયંત્રણો: ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. જોકે આ નિયંત્રણો હાલ 15 જાન્યુ. પૂરતાં છે. આ તારીખ સુધી કમૂરતાં હોવાથી લગ્નો યોજાશે નહીં. 15 જાન્યુ. પછી પણ નિયંત્રણોની મુદત લંબાવાશે એવી શક્યતા છે.
 • અંતિમક્રિયા/દફનવિધિ: સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.
 • વાહનવ્યવહાર: નૉન-એસી બસમાં ક્ષમતાના 75% મુસાફરોને મંજૂરી મળશે. પેસેન્જરોને ઊભા રહેવાની મંજૂરી નહીં મળે. એસી બસમાં પણ મહત્તમ 75% ક્ષમતા સાથે પ્રવાસીઓને મંજૂરી. (ખાસ નોંધ: બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે.)
 • જાહેર બાગ-બગીચા: રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે.
 • સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે: ધોરણ 1થી 9 સુધીની સ્કૂલોમાં આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન વર્ગો યોજાશે. ઑફલાઇન શિક્ષણ સદંતર બંધ રહેશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે.
 • સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ: પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.

કર્ફ્યૂમાં રાહત - આ સેવા/કામગીરીને છૂટ

 • મેડિકલ, પેરા-મેડિકલ, એને લગતી સેવાઓ.
 • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ કામગીરી.
 • ઇન્ટરનેટ, ટેલિફોન, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તથા આઇટી સબંધિત સેવાઓ.
 • પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા અખબાર વિતરણ સાથે સંકળાયેલા કર્મચારીઓને છૂટ.
 • પેટ્રોલ, ડીઝલ, LPG, CNG, PNG સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીને છૂટ મળશે.
 • પોસ્ટ, કુરિયર સેવાઓ તથા ખાનગી સિક્યોરિટી સેવાઓ.
 • પશુ-આહારા, ઘાસચારો તથા પશુઓની દવા સંબંધિત સેવાઓ. કૃષિલક્ષી કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ તથા અન્ય આવશ્યક સેવાઓ.
 • આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન અને સંગ્રહ સંબંધિત સેવાઓ.
 • તમામ ઉદ્યોગોને રૉ-મટીરિયલ પૂરી પાડતા એકમો ચાલુ રહેશે. તેમના સ્ટાફ માટે વાહનવ્યવહારને મંજૂરી.
 • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે.
અન્ય સમાચારો પણ છે...