ત્રીજી લહેરના 20 નવા નિયંત્રણો:રાજ્યના 10 શહેરમાં આજથી 10થી 6 સુધી રાત્રિ કર્ફ્યૂ, ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, લગ્નમાં 400 તો અંતિમવિધિમાં 100ને જ છૂટ

અમદાવાદએક વર્ષ પહેલા
 • નવી ગાઇડલાઇન 8 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે
 • હોટેલ-રેસ્ટોરન્ટ રાતના 10 સુધી ચાલુ રાખી શકાશે
 • લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે
 • બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ

રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે. જો કે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. નવી ગાઇડલાઇન 8 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે.

ત્રીજી લહેર માટે 20 નવા નિયંત્રણો​​​​
સરકારે ત્રીજી લહેર માટે 20 નવા નિયંત્રણો મુક્યા છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ વાળા 10 શહેરમાં ત્રણ નિયંત્રણ જ્યારે રાજ્યના બાકીના વિસ્તારમાં અન્ય 17 નિયંત્રણો છે. 10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ, દુકાનો-લારી ગલ્લાંઓ, હોટલ-રેસ્ટોરાં અને અન્ય વિસ્તારોમાં રાજકીય-સામાજિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગ, અંતિમક્રિયા-દફનવિધિ, પબ્લિક તથા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક-સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ-મનોરંજક સ્થળો, જાહેર બાગ બગીચાઓ, ધોરણ 9થી ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજ, સ્પર્ધાત્મક-ભરતી પરીક્ષાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિયંત્રણો લાદ્યા છે.

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લક્ષમાં લેવાની સૂચનાઓ

 • બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
 • મુસાફરોને રેલવે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
 • રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં.
 • આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
 • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
 • અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ - રાત્રે 10થી સવારે 6 સુધી, વધુ બે શહેર ઉમેરાયાં
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તથા હવે આણંદ અને નડિયાદમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ થશે.

આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે

 • COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
 • મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
 • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
 • ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા.
 • શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે.
 • કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ..
 • અનાજ તથા મસાલા દળવાની ઘંટી.
 • ઘરગથ્થુ ટિફિન સર્વિસિસ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ.
 • ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
 • પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.
 • પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.
 • પોસ્ટ અને કુરિયર સર્વિસ.
 • ખાનગી સિક્યોરિટી સેવા
 • પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
 • કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
 • આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
 • તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
 • તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્‍સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • સંબંધિત પોલીસ કમિશનરો/જિલ્લા મેજિસ્ટ્રેટોએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે.

રાત્રિ કર્ફ્યૂના નિયમો અને છૂટછાટ

 • બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ.
 • બસ, રેલવે કે વિમાનના પ્રવાસીઓને અવરજવરની છૂટ. ટિકિટ દર્શાવવાની રહેશે.
 • આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓને છૂટ.
 • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર લોકોએ ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે.
 • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર સાથે અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ રાખવાનો રહેશે.

કર્ફ્યૂમાં રાહત - આ સેવા/કામગીરીને છૂટ

 • મેડિકલ, પેરા-મેડિકલ, તેને લગતી સેવાઓ.
 • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ કામગીરી.
 • ઇન્ટરનેટ, ટેલિફોન, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તથા આઇટી સબંધિત સેવાઓ.
 • પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા અખબાર વિતરણ સાથે સંકળાયેલા કર્મચારીઓને છૂટ.
 • પેટ્રોલ, ડીઝલ, LPG, CNG, PNG સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીને છૂટ મળશે.
 • પોસ્ટ, કુરિયર સેવાઓ તથા ખાનગી સિક્યોરિટી સેવાઓ.
 • પશુઆહારા, ઘાસચારો તથા પશુઓની દવા સંબંધિત સેવાઓ. કૃષિ લક્ષી કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ તથા અન્ય આવશ્યક સેવાઓ.
 • આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન અને સંગ્રહ સંબંધિત સેવાઓ.
 • તમામ ઉદ્યોગોને રૉ-મટીરિયલ પૂરી પાડતા એકમો ચાલુ રહેશે. તેમના સ્ટાફ માટે વાહન વ્યવહારને મંજૂરી.
 • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે.

કયા કયા ક્ષેત્રમાં કેવા પ્રતિબંધ અને કેવી છૂટછાટ અપાશે?

 • દુકાન-વેપાર-ધંધા: દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરી બજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલુન, બ્યુટી પાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.
 • હોટલ રેસ્ટોરન્ટ્સ: બેઠક ક્ષમતાના 75% સુધી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. હોટલ રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
 • રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો: ખુલ્લી જગ્યામાં માત્ર 400 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 400 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.
 • જીમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી: બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બલી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.
 • લગ્ન પ્રસંગો માટે નિયંત્રણો: ખુલ્લી જગ્યામાં માત્ર 400 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 400 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. જો કે આ નિયંત્રણો હાલ 15 જાન્યુ. પૂરતા છે. આ તારીખ સુધી કમૂરતા હોવાથી લગ્નો યોજાશે નહીં. 15 જાન્યુ. પછી પણ નિયંત્રણોની મુદ્દત લંબાવાશે એવી શક્યતા છે.
 • અંતિમક્રિયા/દફનવિધિ: સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.
 • વાહનવ્યવહાર: નૉન-એસી બસમાં ક્ષમતાના 75% મુસાફરોને મંજૂરી મળશે. પેસેન્જરોને ઊભા રહેવાની મંજૂરી નહીં મળે. એસી બસમાં પણ મહત્તમ 75% ક્ષમતા સાથે પ્રવાસીઓને મંજૂરી. (ખાસ નોંધ: બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે.)
 • જાહેર બાગ-બગીચા: રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે.
 • સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે: ધોરણ 1થી 9 સુધીની સ્કૂલોમાં આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન વર્ગો યોજાશે. ઑફલાઇન શિક્ષણ સદંતર બંધ રહેશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે.
 • સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ: પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.

રાજ્યમાં 1 જાન્યુ.થી નોંધાયેલા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખકેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
કુલ18500285910