મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે આવકવેરા વિભાગનું નવું પોર્ટલ લોન્ચ થશે, ધોરણ 10નું 65.18% રિઝલ્ટ, છોકરાઓ કરતાં છોકરીઓ સડસડાટ આગળ નીકળી, 11.74% વધુ પરિણામ

22 દિવસ પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર છે, તારીખ 7 જૂન, જેઠ સુદ- સાતમ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે આવકવેરા વિભાગનું નવું પોર્ટલ લોન્ચ થશે, કરદાતાઓને મોટો ફાયદો થશે

2) PM મોદી સસ્તા કાર્ડિયાક સ્ટેન્ટ તેમજ ઘુંટણ પ્રત્યારોપણના લાભાર્થિઓ સાથે વાર્તાલાપ કરશે

3) આજે દિલ્હી ખાતે રાષ્ટ્રીય જનજાતિય અનુસંધાન સંસ્થાનનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ધોરણ 10નું 65.18% રિઝલ્ટ, છોકરાઓ કરતાં છોકરીઓ સડસડાટ આગળ નીકળી, 11.74% વધુ પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

2) આ વર્ષથી ગુજરાતી માધ્યમની ધો.1થી 3ની સ્કૂલોમાં ઇંગ્લિશ વિષય ભણાવાશે, ગુજરાતી પણ ફરજિયાત રહેશે

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોના સન્માન સમારંભમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. શિક્ષકોને સંબોધતાં મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2022ના વર્ષમાં નવા સત્રથી સ્કૂલો શરૂ થઈ રહી છે, ત્યારે ધોરણ 1થી 3માં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. એ અંગે ગત વર્ષે જાહેરાત કરી હતી. એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી ફરજિયાત વિષય રહેશે. આ પહેલાં સરકારી સ્કૂલમાં ત્રીજા ધોરણ પછી અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા હતી.

વાંચો સમાચાર વિગતવાર

3) 2026 સુધીમાં સુરત-બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે, અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન કાસ્ટીંગ યાર્ડની કામગીરીનું નિરિક્ષણ કર્યુ

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેના અંતર્ગત આજે સોમવારે નવસારી ખાતે કાર્યરત હાઇસ્પીડ બુલેટ ટ્રેન કાસ્ટીંગ યાર્ડની મુલાકાત લીધી હતી. તેમજ એન્જિનિયર સહિત કામ કરતા કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીએ સંભવિત 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે એવી મોટી જાહેરાત પણ કરી હતી.

વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદમાં નિવૃત સૈનિકોની મુખ્યમંત્રી સાથે બેઠક હકારાત્મક રહી, આગામી સોમવારે ફરી બેઠક યોજાશે

દેશની સુરક્ષામાં અડગ ઊભા રહેલા સૈનિકો નિવૃત્ત થયા બાદ છેલ્લાં ચાર વર્ષથી પોતાના હક માટે લડત લડી રહ્યા છે. આજે નિવૃત્ત સૈનિકોની પડતર માંગોને લઈને મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી, જે હકારાત્મક રહી હતી. તથા આગામી સોમવારે ફરીથી તેમની બેઠક યોજાશે. આ પહેલા સવારે અમદાવાદમાં આર્મીના નિવૃત્ત જવાનોએ 14 મુદ્દાને લઈને શાહીબાદ હનુમાન કેમ્પથી ગાંધીનગર સુધીની સૈનિક સન્માન યાત્રા નામે રેલી યોજી હતી. રેલીનો પ્રારંભ થાય એ પહેલાં જ પોલીસ દ્વારા નિવૃત્ત જવાનો અને તેમના પરિવારને ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા. એને કારણે આર્મીના નિવૃત્ત જવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ડિટેઇન કરતાં ભારે રોષ ફેલાયો હતો.

વાંચો સમાચાર વિગતવાર

5) હાર્દિક પટેલ બાદ વધુ 4 કોંગી નેતા ભાજપમાં આવવા માટે કતારમાં, ગમે ત્યારે ભગવો ધારણ કરશે

હાર્દિક પટેલનું ભાજપીકરણ થયા બાદ હવે વધુ 4 કોંગ્રેસના નેતાઓ કમળના સહારે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભાવનગર વિસ્તારના અને કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા બે મોટાં નેતાનો ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં પક્ષમાં સમાવેશ કરવા જઈ રહી છે. બીજી તરફ પ્રાંતિજ વિધાનસભા તથા દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પણ ભાજપમાં લાવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યાં છે.

વાંચો સમાચાર વિગતવાર

6) સુરતમાં આવાસમાં ગંદકીને લઈને ગૃહ રાજ્યમંત્રીએ મહિલાઓને કહ્યું- હાથમાં લાકડી લઈને બેસો, તો કોઈ ગંદકી નહીં કરે

આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મજુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુમન આવાસ ખાતે પહોંચ્યા હતા. સુમન આવાસમાં ગંદકીને લઈને મહિલાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જણાવ્યું હતું. જેથી હર્ષ સંઘવી વિફર્યા હતા અને મહિલાઓને કહ્યું હતું કે, હાથમાં લાકડી લઈને બેસો, તો કોઈ ગંદકી નહીં કરે.

વાંચો સમાચાર વિગતવાર

7) મૂસેવાલા હત્યાકાંડમાં મોટો ઘટસ્ફોટ,8 શાર્પ શૂટર્સની ઓળખ થઈ; પંજાબ-રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના શૂટર્સ લોરેન્સ ગેંગમાં જોડાયા

સિદ્ધી મૂસેવાલા હત્યાંકાડ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. અહીં 8 શાર્પ શૂટર્સની ઓળખ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તેઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રના રહેવાસી છે. આ તમામ શાર્પ શૂટર્સ લોરેન્સ ગેંગમાં કાર્યરત છે. પંજાબ પોલીસને શંકા છે કે આ તમામ હત્યારાએ 29 મે માનસામાં પંજાબી સિંગરની ગોળી મારી હત્યા કરી દીધી હતી.

વાંચો સમાચાર વિગતવાર

8) નાઇજીરિયાના ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગ:ઓવોમાં આવેલા સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં પ્રાર્થના સમયે ગોળીબાર, બાળકો સહિત 50નાં મોત

નાઇજીરિયાના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા એક ચર્ચમાં રવિવારે અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. અચાનક જ હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દેતાં 50 લોકોનાં મોત નીપજ્યાં છે,. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

9) વારાણસી વિસ્ફોટ કેસમાં 16 વર્ષ બાદ ચુકાદો, કોર્ટે આતંકવાદી વલીઉલ્લાહને ફાંસીની સજા ફટકારી

વારાણસીમાં વર્ષ 2006માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના દોષિત વલીઉલ્લાહને ગાઝીયાબાદની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જિલ્લા ન્યાયધિશ જિતેન્દ્ર કુમાર સિંહાની કોર્ટમાં આ ચુકાદો બપોરે સાડા ત્રણ વાગે આવ્યો હતો. વારાણસીમાં વિસ્ફોટ થયાને લગભગ 16 વર્ષ બાદ આ ચૂકાદો આવ્યો છે. વલીઉલ્લાહ અત્યાર સુધી કાયદાકીય ગૂંચને લીધે સજાથી બચતો રહ્યો હતો. આ ચૂકાદાને ધ્યાનમાં રાખી કોર્ટમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ગુજરાત ATSએ પાકિસ્તાની ડ્રગ માફિયાઓએ જખૌના દરિયામાં ફેંકેલું 250 કરોડનું હેરોઈન ઝડપ્યું

​​​​​​​2) અમદાવાદ રૂરલનું 63.98% ટકા અને શહેરી વિસ્તારનું 63.18 ટકા પરિણામ,1180 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

​​​​​​​3) PSI ભરતી મુદ્દે બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ, 8 જૂને હાઈકોર્ટ ચુકાદો આપશે

​​​​​​​4) ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ 31 વ્યક્તિનાં વ્યસન છોડાવી તેમના નામથી 15 લાખનું દાન કર્યું

​​​​​​​5) કાલોલમાં ગ્રામજને પાણીનું ટેન્કર માગ્યું તો ડેરોલના સરપંચના પતિ બોલ્યા, ‘2 બોટલ પાણી મોકલું છું, દિવસ કાઢી નાખજે’

6) સતત ચોથા દિવસે 4 હજાર નવા કેસ, 7 દર્દીના મોત; કેરળમાં પોઝિટિવિટી રેટ 9.87% થયો

​​​​​​​7) પયગંબર મુદ્દે નિવેદનથી હોબાળો અંગે 57 દેશનાં ઇસ્લામિક સંગઠનના વિરોધ સામે ભારતે વાંધો ઉઠાવ્યો, કહ્યું- તેમની નિમ્ન વિચારસરણી ધરાવતી ટિપ્પણીને ફગાવીએ છીએ

આજનો ઈતિહાસ
વર્ષ 1989માં ભારતને પોતાના બીજા ઉપગ્રહ ભાસ્કર પ્રથમને સોવિયત રૉકેટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું

અને આજનો સુવિચાર
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...