સીએમ ચાલ્યાં દિલ્હી:ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રીને મળશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે દિલ્હીના પ્રવાસે છે. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાજીને પણ શુભેચ્છા મુલાકાત માટે મળવાના છે.ત્યારબાદ સોમવાર રાત્રે દિલ્હીથી અમદાવાદ આવશે.

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યા હતા
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યા હતા

6 દિવસ પહેલા ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
6 દિવસ પહેલા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યા હતા. અહીં તેમણે સૌથી પહેલી મિટિંગ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઉદભવેલી ઈમરજન્સીની સ્થિતિની કરવી પડી હતી. તાકીદે બોલાવેલી આ બેઠકમાં જ તેમણે જામનગરમાં જરૂરી પગલાં અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા હતા. એ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ્ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયા છે. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.

કેન્દ્રીય મંત્રીઓ-વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી
કેન્દ્રીય મંત્રીઓ-વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી

મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રીયમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં
આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દિકરી અનારબેન પટેલ પણ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

શપથ લીધા પહેલાં જ પ્રજાલક્ષી અભિગમ
ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલાં 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

ગુરુવારે 24 મંત્રીઓએ શપથ લીધા હતા
ગુરુવારના રોજ ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળી હતી, જેમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...