લગ્નોના રંગમાં ભંગ:અમદાવાદમાં જ રાતોરાત 50 લગ્નો મોકૂફ, મંડપ ડેકોરેશન, કેટરર્સ, વીડિયોગ્રાફર સહિતના 40 ધંધાને ફટકો

અમદાવાદ4 મહિનો પહેલા
નાના વેડિંગ પ્લાનરોને આર્થિક રીતે હવે તકલીફ પડશે.
 • નવી ગાઇડલાઇન્સ જાહેર થતાં કલાક બાદ ઉપરાછાપરી બસ રદ કરવાના ફોન આવ્યા
 • 15 દિવસના લગ્ન માટે 9 મુહૂર્ત છે

રક્ષિત પંડ્યા(રાજકોટ), અનિરુદ્ધસિંહ મકવાણા(અમદાવાદ), અર્પિત દરજી(અમદાવાદ) : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 15 જાન્યુઆરીથી લગ્નસરાની સીઝન પણ શરૂ થઈ રહી છે. કોરોનાના કેસો વકરતાં સરકારે રાજકીય, ધાર્મિક અને લગ્નમાં 400 લોકોની મર્યાદા ઘટાડી 150ની કરી દીધી છે. આ અંગે નવી ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે, જેને પગલે રાજ્યભરમાં યોજાનારાં લગ્નોના રંગમાં ભંગ પડ્યો છે. એની સાથે સાથે વેડિંગ ઇવેન્ટ વ્યવસાયને પણ મોટો ફટકો પડ્યો છે. લગ્નપ્રસંગો સાથે સંકળાયેલા હોટલ, પાર્ટીપ્લોટ, કેટરર્સ, ડેકોરેશન, મંડપ સર્વિસ સહિતના 40થી વધુ ધંધાઓને આર્થિક નુકસાન થશે, જેમાં એક અંદાજ મુજબ જાન્યુઆરી માસ દરમિયાન આ ગાઇડલાઇન્સ લાગુ રહેતાં 15 દિવસના લગ્ન માટે 9 મુહૂર્ત છે. માત્ર રાજકોટમાં જ વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીને 4 કરોડથી વધુનો ફટકો પડી શકે છે.

આ ઉપરાંત લગ્નમાં ભાડે આપવામાં આવતી બસોના ધંધા પર પણ અસર પડી છે. રાજ્યભરમાં 55-60 હજાર ગાડી નવાં નિયંત્રણ આવવાથી બુકિંગ રદ થશે.

અમદાવાદમાં 50 લગ્ન મોકૂફ
નવી ગાઇડલાઇન્સને પગલે અમદાવાદમાં રાતોરાત 50 જેટલા લગ્ન સમારંભ મોકૂફ રહ્યા છે તેમજ હજી પણ લોકો લગ્ન સમારંભ બંધ રાખવાની વિચારણા કરી રહ્યા છે. અમદાવાદમાં વેડિંગ પ્લાનિંગ કરતા નાના-મોટા 50 જેટલા વેડિંગ પ્લાનરોની પરિસ્થિતિ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જેવી થઈ હતી એવી થવાની આશંકા વ્યક્ત કરી છે. અમદાવાદમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં આશરે 500 જેટલા લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જે હવે આગામી દિવસોમાં મોકૂફ રાખવામાં આવી શકે છે.

અત્યારસુધીમાં મારે 8 જેટલા લગ્ન સમારંભ કેન્સલ થયા છેઃ વેડિંગ પ્લાનર
અત્યારસુધીમાં મારે 8 જેટલા લગ્ન સમારંભ કેન્સલ થયા છેઃ વેડિંગ પ્લાનર

8 જેટલા લગ્ન સમારંભ કેન્સલ થયાઃ વેડિંગ પ્લાનર
વેડિંગ પ્લાનર સાત્ત્વિક એન્ટરટેઈનમેન્ટના માલિક સચિન પંડ્યાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની લગ્ન સમારંભમાં 150 લોકોની મર્યાદાની નવી ગાઈડલાઈન્સ આવ્યા બાદ અત્યારસુધીમાં મારે 8 જેટલા લગ્ન સમારંભ કેન્સલ થયા છે અને હજી પણ બંધ રાખવાના ફોન આવી રહ્યા છે. જ્યાં સુધી 400 લોકોની મર્યાદા હતી ત્યારે લોકો લગ્ન સમારંભ યોજતા હતા. નાનું કુટુંબ હોય તો 400 લોકો સાથે લગ્ન યોજાતા હતા અને મોટા કુટુંબવાળા 800ને બદલે 400 લોકોને આમંત્રણ આપી લગ્ન યોજતા હતા.

લગ્નપ્રસંગ બંધ રાખતાં વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન જશે, ઇન્સેટમાં વેડિંગ પ્લાનર સચિન પંડ્યા
લગ્નપ્રસંગ બંધ રાખતાં વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન જશે, ઇન્સેટમાં વેડિંગ પ્લાનર સચિન પંડ્યા

વેડિંગ પ્લાનિંગ ઇન્ડ્રસ્ટ્રીને મોટું નુકસાન
નવી ગાઈડલાઈન્સને કારણે હવે ઓછા લોકો હાજર રાખવાના હોવાથી લોકો ગઈકાલ(11 જાન્યુઆરી) રાતથી જ લગ્ન મોકૂફ રાખી રહ્યા છે. લોકોનો લગ્નનો ઉત્સાહ ભાંગી પડ્યો છે. લોકો લગ્નપ્રસંગ બંધ રાખતાં વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન જશે. નાના વેડિંગ પ્લાનરોને આર્થિક રીતે હવે તકલીફ પડશે. ચાલુ વર્ષે ઓછાં મુહૂર્તમાં વધુ લગ્ન હોવાને કારણે ગત વર્ષે કોરોનામાં થયેલા નુકસાનને આ વર્ષે સરભર થઈ શકે એમ હતું, પરંતુ હવે લગ્ન જ બંધ રહેતાં લાખો રૂપિયાનું નુકસાન વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીઝને થશે.

તમામ ધંધાર્થીઓને બે વર્ષનું કમાવાની તક પર પાણી ફરી વળ્યું
તમામ ધંધાર્થીઓને બે વર્ષનું કમાવાની તક પર પાણી ફરી વળ્યું

મોટા ભાગના પરિવારો સાદાઇથી લગ્ન યોજશે
દિવાળી પછી નવેમ્બર-ડિસેમ્બરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી હતી અને આ બે મહિનામાં હજારો લગ્નને કારણે વેડિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓને બે વર્ષનું કમાવાનો સમય મળ્યો હતો. આ ઉપરાંત જે પરિવારમાં પ્રસંગો લંબાયા હતા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ સારા મુહૂર્તો હોવાને લીધે હજારો લગ્નનું આયોજન હતું, પરંતુ છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં બમણો ઉછાળો આવતાં ફરી લગ્નપ્રસંગને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, જેને લઇને સરકાર નિયંત્રણો જાહેર કરે એ પૂર્વે જ મોટા ભાગના પરિવારોએ લગ્નપ્રસંગની ઝાકમઝોળ ટૂંકાવીને હવે સાદાઈથી જ લગ્ન કરવાનો નિર્ણય લેતાં તેની સીધી અસર વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને કેટરિંગના ધંધાર્થીઓ પર પડી છે.

ધંધો ભાંગી પડવાનો ડર છે
વેડિંગ ઇવેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અલ્કેશભાઈએ જણાવ્યું હતું કે અમારો ધંધો રાત્રિના સમયનો ધંધો છે. સાંજના 7થી રાત્રિના 12 વાગ્યા સુધીનો મુખ્ય ધંધો છે. પહેલાં 10 વાગ્યાનો નાઇટ કર્ફ્યૂ અને હવે 150 લોકોની મર્યાદાના નિર્ણયથી અમારાં બુકિંગ કેન્સલ થવાનો ડર છે. બે વર્ષ બાદ શરૂ થયેલો ધંધો ડિસેમ્બર મહિનામાં સારી રીતે કરી શક્યા, પરંતુ ફરી અમારો ધંધો પડી ભાંગશે, જેનો અમને ડર છે. અમારી સાથે સાથે અમારા મજૂરો માટે પણ આ એક ચિંતાનો વિષય બની જશે.

લગ્નના વાહનોનું બુકિંગ કેન્સલ થવા લાગ્યું છે
લગ્નના વાહનોનું બુકિંગ કેન્સલ થવા લાગ્યું છે

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોની સ્થિતિ કફોડી
રાજ્ય સરકારે નિયંત્રણો લાદવાની ફરજ પડતાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોની સ્થિતિ કફોડી બની છે, કારણ કે લગ્ન પ્રસંગે 150 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે, જેને લઇને લગ્ન માટે બસો બુક કરાવનાર લોકો ટ્રાવેલ્સ કે વાહનોનું બુકિંગ કેન્સલ કરી રહ્યા છે અથવા તો જે બસો કે વાહનો બુક કરાવ્યા હતા એમાં ઘટાડો કરી રહ્યા છે.

મોટું આર્થિક નુકસાન થશે
રાજ્ય ટૂરિસ્ટ ઓપરેશન એસોસિયેશનના મંત્રી કિરણ મોદીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે બે મહિના અગાઉ પરિસ્થિતિ સારી હતી, એટલે ધામધૂમથી લગ્નનાં આયોજન માટે ગાડીઓ બુક થઈ હતી, પરંતુ જ્યારથી નવી ગાઇડલાઈન્સ જારી થઈ એના કલાક બાદ ઉપરાછાપરી બસ રદ કરવાના ફોન આવી રહ્યા છે, જેને કારણે મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે. એક અંદાજ પ્રમાણે લગ્નપ્રસંગ નિમિત્તે રાજ્યભરમાં 55-60 હજાર ગાડીઓ નવાં નિયંત્રણ આવવાથી બુકિંગ રદ થશે.

ત્રીજી લહેરથી ત્રીજીવાર લગ્ન સમારોહ સાથે સંકળાયેલા આ ધંધાઓને ફટકો

 • આમંત્રણ પત્રિકા ડિઝાઇન અને પ્રિન્ટ કરનાર
 • બગી
 • બેન્ડવાજા વાળા
 • ડીજે
 • ડીઝલ જનરેટરવાળા
 • ડીજેના ટેમ્પો વાળા
 • રસોઈયા
 • પીરસવાવાળા
 • ઇલેક્ટ્રીશિયન
 • ફોટોગ્રાફર્સ
 • વિડીયો ગ્રાફર્સ
 • શૂટ, શેરવાની , શાફા,વગેરે ભાડે ભાડે આપનાર
 • રેડીમેઈડ કપડાંના વેપારી
 • બ્યુટીપાર્લર સંચાલક અને તેમના સહાયકો
 • એન્કર્સ
 • મહેંદી આર્ટીસ્ટ
 • આમંત્રણ પત્રિકા પહોચાડતી કુરિયર સેવાઓ
 • ડેરી ફાર્મ અને તેના સહાયકો
 • આઇસક્રીમ, ગોલા, જ્યૂસ, સોડા, કોફીના સપ્લાયર
 • માણસો તથા માલસામાન નાં ટ્રાન્સપોર્ટ કરનાર રિક્ષા, બસ, બોલેરો ટેક્ષી વગેરેના ધંધાર્થી.
અન્ય સમાચારો પણ છે...