નવી SOP પર નજર:રાજ્યમાં દૈનિક કેસનો આંકડો 11 હજારને પાર થતા સરકાર વધુ કડક થશે, નાઈટ કર્ફ્યૂનો સમય લંબાઈ શકે

અમદાવાદ5 દિવસ પહેલા
  • 15મીથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 11 હજારને પાર પહોંચી ગયા છે, જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે તેમ જ દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે. ત્યારે આજે રાત્રિ કર્ફ્યુ સહિત કોરોનાની નવી ગાઈડ લાઈન આવી શકે છે. બીજી તરફ, મંદિરો પણ બંધ થવા લાગ્યા છે. ગઈકાલે 15મીથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આજે નાઇટ કર્ફ્યૂની નવી ગાઇડલાઇન્સ આવશે
7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. 14મીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે, પરંતુ નવી ગાઇડલાઇન્સમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય એવાં શહેરોનો પણ ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.

સરકારી કર્મચારીઓ માટે 15મીએ જાહેર રજા
આ ઉપરાંત કોરોના સાથેની કામગીરીમાં સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ માટે 15 જાન્યુઆરીએ એટલે કે શનિવારે રજા જાહેર કરવામાં આવી છે.

13 જાન્યુઆરીએ 11 હજારથી વધુ નવા કેસ
8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 13 જાન્યુઆરીએ એટલે કે ગઈકાલે 11 હજારથી વધુ નવા કેસ આવ્યા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11176 નવા કેસ નોંધાયા છે અને 4285 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3673 કેસ નોંધાયા હતા. સુરતમાં 2690, રાજકોટમાં 440, વલસાડમાં 337 ગાંધીનગરમાં 319 કેસ નોઁધાયા હતા. અગાઉ 10 મેએ 11592 કેસ હતા. તો રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 50 હજારને પાર થયો છે. અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મળી કુલ 5 લોકોના મોત થયા હતા. છેલ્લે 19 જૂને 5 લોકોના મોત નોંધાયા હતા.

હાલ કયાં કયાં ક્ષેત્રમાં કેવા પ્રતિબંધ અને કેવી છૂટછાટ

  • દુકાન-વેપાર-ધંધા: દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરી બજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટી પાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.
  • હોટલ-રેસ્ટોરન્ટ્સ: બેઠક ક્ષમતાના 75% સુધી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
  • રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો: ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.
  • જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી: બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.
  • લગ્ન પ્રસંગો માટે નિયંત્રણો: ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. જોકે આ નિયંત્રણો હાલ 15 જાન્યુ. પૂરતા છે. આ તારીખ સુધી કમૂરતાં હોવાથી લગ્નો યોજાશે નહીં. 15 જાન્યુ. પછી પણ નિયંત્રણોની મુદત લંબાવાશે એવી શક્યતા છે.
  • અંતિમક્રિયા/દફનવિધિ: સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.
  • વાહનવ્યવહાર: નૉન-એસી બસમાં ક્ષમતાના 75% મુસાફરોને મંજૂરી મળશે. પેસેન્જરોને ઊભા રહેવાની મંજૂરી નહીં મળે. એસી બસમાં પણ મહત્તમ 75% ક્ષમતા સાથે પ્રવાસીઓને મંજૂરી. (ખાસ નોંધ: બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે.)
  • જાહેર બાગ-બગીચા: રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે.
  • સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે: ધોરણ 1થી 9 સુધીની સ્કૂલોમાં આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન વર્ગો યોજાશે. ઑફલાઇન શિક્ષણ સદંતર બંધ રહેશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે.
  • સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ: પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.
અન્ય સમાચારો પણ છે...