આજે આવશે વધુ કડક SOP:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ, 15થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ, શનિવારે સરકારી કર્મચારીઓ માટે રજા

અમદાવાદ7 દિવસ પહેલા
  • રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ 10ને બદલે રાતના 9થી સવારના 6 થઈ શકે
  • બીજી લહેરમાં માત્ર 2000 કેસમાં જ 4 મહાનગરમાં 9થી 6નો નાઇટ કર્ફ્યૂ હતો
  • ત્રીજી લહેરમાં 10 હજાર જેટલા કેસ, હવે 9થી 6નો કર્ફ્યૂ આવી શકે છે

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે, જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે તેમ જ દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે. તેમજ મંદિરો પણ બંધ થવા લાગ્યા છે. 15મીથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાન મોદીએ આજે કોરોના સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાની તૈયારી અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોના વેક્સિનેશન અભિયાનમાં ગુજરાતે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં પ્રથમ ડોઝ વેક્સિનેશનનો આંકડો 5 કરોડને પાર થઈ ગયો છે. તેમજ 40 જેટલી RT-PCR લેબ શરૂ થશે.15 હજાર ક્રિટિકલ બેડ અને 8 હજાર વેન્ટીલેટર બેડની સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે.

સરકારી કર્મચારીઓ માટે 15મીએ જાહેર રજા
આ ઉપરાંત કોરોના સિવાયની કામગીરીમાં સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ માટે 15 જાન્યુઆરીએ એટલે કે શનિવારે રજા જાહેર કરવામાં આવી છે.

આજે નાઇટ કર્ફ્યૂની નવી ગાઇડલાઇન આવશે

7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. 14મીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે, પરંતુ નવી ગાઇડલાઇન્સમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય એવાં શહેરોનો પણ ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.

ડીસા સબ-જેલના 15 કેદી પોઝિટિવ
આજે ડીસા સબ-જેલના 15 કેદી પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા પણ કોરોનાગ્રસ્ત થયા છે.

હાલ કયાં કયાં ક્ષેત્રમાં કેવા પ્રતિબંધ અને કેવી છૂટછાટ

  • દુકાન-વેપાર-ધંધા: દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરી બજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટી પાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.
  • હોટલ-રેસ્ટોરન્ટ્સ: બેઠક ક્ષમતાના 75% સુધી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
  • રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો: ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.
  • જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી: બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.
  • લગ્ન પ્રસંગો માટે નિયંત્રણો: ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. જોકે આ નિયંત્રણો હાલ 15 જાન્યુ. પૂરતા છે. આ તારીખ સુધી કમૂરતાં હોવાથી લગ્નો યોજાશે નહીં. 15 જાન્યુ. પછી પણ નિયંત્રણોની મુદત લંબાવાશે એવી શક્યતા છે.
  • અંતિમક્રિયા/દફનવિધિ: સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.
  • વાહનવ્યવહાર: નૉન-એસી બસમાં ક્ષમતાના 75% મુસાફરોને મંજૂરી મળશે. પેસેન્જરોને ઊભા રહેવાની મંજૂરી નહીં મળે. એસી બસમાં પણ મહત્તમ 75% ક્ષમતા સાથે પ્રવાસીઓને મંજૂરી. (ખાસ નોંધ: બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે.)
  • જાહેર બાગ-બગીચા: રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે.
  • સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે: ધોરણ 1થી 9 સુધીની સ્કૂલોમાં આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન વર્ગો યોજાશે. ઑફલાઇન શિક્ષણ સદંતર બંધ રહેશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે.
  • સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ: પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.

12 જાન્યુઆરીએ 10 હજારની લગોલગ નવા કેસ
8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 12 જાન્યુઆરીએ 10 હજારની નજીક નવા કેસ આવ્યા હતા. 24 કલાકમાં રાજ્યમાં 9941 નવા કેસ નોંધાયા હતા અને 3449 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. અગાઉ 15 મેએ 9061 કેસ હતા. અમદાવાદ અને સુરત શહેરમાં જ રાજ્યના કુલ કેસના 67% કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યમાં ઓમિક્રોનના શૂન્ય કેસ રહ્યા હતા. કોરોનાથી 4નાં મોત નોંધાયાં હતાં, જેમાં સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1નાં મોત થયાં હતાં. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 93.32% છે.

43726 એક્ટિવ કેસ અને 51 દર્દી વેન્ટિલેટર પર
43726 એક્ટિવ કેસ અને 51 દર્દી વેન્ટિલેટર પર રાજ્યમાં અત્યારસુધીમાં 8 લાખ 85 હજાર 718ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે તેમજ અત્યારસુધીમાં 8 લાખ 31 હજાર 855 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 43 હજાર 726 એક્ટિવ કેસ છે, જેમાંથી 51 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 43 હજાર 675 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...