ભૂલથી પણ છેડતી કરવાની કોઈએ ભૂલ ન કરી!:વેશપલટો કરી સુપરકોપ ટપોરીઓને પકડવા નીકળ્યાં, ઝોન-1 DCP અને તેમની ટીમે AMTS, BRTS અને મેટ્રોમાં સફર

23 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક

ઘરની બહાર નીકળતી દીકરીઓની હંમેશાં મા-બાપને ચિંતા રહે છે. પછી એ ઘરેથી દૂર અભ્યાસ કરવા માટે જાય કે પછી નોકરી કરવા માટે. આ દરમિયાન રસ્તામાં તેમની સાથે શું થશે? એવી ચિંતા પરિવારને કોરી ખાતી હોય છે. ઘરેથી નીકળતી યુવતીઓ-છોકરીઓની કોઈ હાથ પકડીને છેડતી કરે કે હેરાન કરે ત્યારે શું કરવું? તેનો ડર હંમેશાં રહેતો હોય છે. જોકે, બોલિવૂડની બહુચર્તિત ફિલ્મ મર્દાનીમાં રાની મુખર્જીએ અસામાજિક તત્ત્વો અને ગુંડાઓને સબક શીખવ્યો હતો. તેનાથી પ્રેરણા લઈને ઘણી દીકરીઓમાં આવા આવારા તત્ત્વો સામે લડવાની હિંમત આવી છે.

અમદાવાદમાં શહેરની સુપર કોપ ગણાતા ઝોન-1 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) ડો. લવીના સિંહાએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરી હતી. તેમની સાથે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાકર્મીઓ પણ સામાન્ય યુવતીઓની માફક આ ગુપ્ત મિશનમાં જોડાઈ હતી. જેમાં તેમણે મહિલાઓને પડતી તકલીફને જાણવા પ્રયાસ કર્યો હતો. ડો. લવીના સિંહાએ AMTS બસમાં મુસાફરી કરી હતી. આ ઉપરાંત તેમની ટીમની મહિલા પોલીસકર્મીઓએ BRTS બસમાં અને મેટ્રો ટ્રેનમાં પણ સફર કરી હતી. આ સાથે જ તેમણે આવારા તત્ત્વોને પકડવા એક નવો પ્રયોગ કર્યો હતો. જોકે, આ દરમિયાન પોલીસ વેશપલટો કરીને પોલીસની મહિલા ટીમ ગઈ હોવા છતાં કોઈએ પણ કોઈ યુવતી કે સ્ટુડન્ટની છેડતી કરી ન હતી.એટલે હાલત પૂરતું એવું માની શકાય કે દેશનાં મોટાં શહેરો મુંબઈ, દિલ્હી, કોલકાતા કે ચેન્નાઈના કરતાં અમદાવાદ મહિલાઓની સુરક્ષા માટે વધુ સુરક્ષિત છે.

મેટ્રો ટ્રેન, AMTS તથા BRTS બસમાં સુપરકોપ
ઝોન-1 ડીસીપી ડો. લવીના સિંહાએ શહેરની લાઈફલાઈન કહી શકાય તેવી AMTS બસમાં મુસાફરી કરી હતી. દરમિયાન તેમની ટીમને કોઈપણ પ્રકારનો અસામાન્ય અનુભવ થયો ન હતો. તેઓ બે કલાક સુધી બસમાં ફર્યાં હતાં. તેમની સાથે એક મહિલા પીએસઆઇ સ્ટાફ પણ સાથે જોડાયો હતો. જ્યારે BRTS બસ અને મેટ્રો ટ્રેનમાં બીજી ટીમના મહિલા પીએસઆઇ અને સ્ટાફે મુસાફરી કરી હતી. જોકે, તેમને આ દરમિયાન કોઈ જ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો ન હતો. કે કોઈ યુવતી કે સ્ટુડન્ટની કોઈએ છેડતી કે ગંદા ઈશારા કર્યા ન હતા. શહેરમાં વિદ્યાર્થિની-યુવતીઓની સાથે છેડતી કે અન્ય ખરાબ વર્તન તેમના ધ્યાનમાં આવ્યું ન હતું. જે અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે ખૂબ જ સારી બાબત કહેવાય. ડો. સિંહા તેમના સ્ટાફ સાથે સાદા ડ્રેસમાં AMTS બસમાં ગુજરાત યુનિવર્સિટીથી આસપાસના રૂટમાં ફર્યા હતા. આ દરમિયાન તેમની ટીમ કોઈ કોલેજિયન કે સ્કૂલ સ્ટુડન્ટની કોઈ છેડતી કરે છે તો તેને સબક શીખવવાની તૈયારી સાથે જ નીકળ્યાં હતાં. જો કે, આ દરમિયાન તેમની બંને ટીમને આવો કોઈ ખરાબ અનુભવ થયો ન હતો.

હવે ઘર બહાર જતી મહિલાને ડરવાની જરૂર નથી
અમદાવાદમાં મહિલા પોલીસે એવું કામ કર્યું છે, જેનાથી સામાન્ય યુવતીઓ, મહિલાઓ, દીકરીઓને ઘરની બહાર જતાં હવે ડરવાની જરૂર નથી. કારણ કે, તેમની વચ્ચે હવે IPS અધિકારી બેઠા હશે! કોઈને ખબર પણ નહીં હોય! આ આઇપીએસ અધિકારી ગુનેગારોને દબોચવા માટે એક નવો પ્રયોગ કરી રહ્યા છે. જેમાં મુસાફરી દરમિયાન તેમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં યુવતીઓ સૌથી વધુ છેડતીનો કે ગંદા સ્પર્શનો ભોગ બનતી હોય છે. ત્યાં તેઓએ ખુદ મુસાફરી કરી હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખરેખર શું પરિસ્થિતિ હોય છે તેનાથી વાકેફ થવા માટે અમદાવાદ શહેરના ઝોન-1ના ડીસીપી ડો. લવીના સિંહા તેમની પોલીસ ફોર્સની મહિલાની ખાસ ચુનંદા ટીમ લઈને કલાકો સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરી હતી.

ડો. સિંહા પહેલાં AMTS બસમાં યુનિવર્સિટીથી શ્યામલ ગયાં
ડો. લવીના સિંહા ઉપરાંત અલગ અલગ ટીમો બનાવીને વેશપલટો કરીને મહિલાકર્મીઓ સાદા ડ્રેસમાં સામાન્ય યુવતીઓની માફક બસમાં ગોઠવાઈ ગઈ હતી. ઝોન વન ડીસીપી ડો. લવીના સિંહા અને કેટલાક મહિલા કોન્સ્ટેબલ AMTS બસમાં ચડ્યાં હતાં. તેઓ યુનિવર્સિટીથી બસમાં ચડ્યાં હતાં, ત્યારબાદ તેઓ શ્યામલ ક્રોસ રોડ ગયાં હતાં. ત્યારબાદ ફરી યુનિવર્સિટી પહોંચ્યાં હતાં. રસ્તામાં તેમની સાથે શું બન્યું? શું જોયું? તે અંગે તેમણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.

શહેરની મહિલાઓની સુરક્ષા માટે સીપીનો આદેશ
ડો. લવીના સિંહા હાલ અમદાવાદ ઝોન 1ના ડીસીપી છે. શહેરના પોશ વિસ્તારની સુરક્ષાની જવાબદારી તેના શિરે છે. તેઓ સતત ગુનેગારોની સાથે સાથે મહિલાઓની પણ મદદ કરતાં રહે છે. આ દરમિયાન હાલ મહિલાઓ માટે શહેરમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા માટે શહેર પોલીસ કમિશનરે સૂચના આપી હતી. તે માટે કોઈ ડીસીપીએ જ ફિલ્ડમાં ઊતરવું પડ્યું છે. ખરેખર મહિલાઓને રોજબરોજ મુશ્કેલી પડે છે. તેમને કઈ રીતે હેરાન કરવામાં આવે છે તે જાણવું ખૂબ જરૂરી હતું.

સબક શીખવવાની તૈયારી સાથે નીકળ્યાં હતાં
ડો. લવીના સિંહાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું અને મારી ટીમ સવારે 10 વાગ્યાથી અમદાવાદના પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર મુસાફરી કરતી મહિલાઓની સ્થિતિ જાણવા અને તેમને પડતી મુશ્કેલીઓમાં કઈ રીતે મદદ કરી શકે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. હું અને મારી સાથે કેટલાક કોન્સ્ટેબલ સાદા ડ્રેસમાં AMTS બસમાં ગુજરાત યુનિવર્સિટીની આસપાસના રૂટમાં ફર્યાં હતાં. અમે સામાન્ય મુસાફરની જેમ જ બસમાં વર્તન કરતાં હતાં. કોઈ અમારી છેડતી કરે છે કે નહીં અથવા કોઈ મુશ્કેલી પડે છે તો કોઈને કઈ રીતે સબક શીખવાડવો તે તમામ તૈયારીઓ સાથે નીકળ્યાં હતાં.

બસમાં જગ્યા ન મળી તો ઊભા રહીને મુસાફરી કરી
ડો. સિંહાએ વધુમાં જણાવ્યું કે, આ દરમિયાન અમે બે કલાક સુધી સ્ટુડન્ટના જે મુખ્ય રૂટ છે, એ રૂટ ઉપર ફર્યાં હતાં. જેમાં બે કલાક સુધી અલગ અલગ ટીમો AMTS, BRTS અને મેટ્રો ટ્રેનમાં ફરી હતી. આ દરમિયાન અમે એવો પ્રયાસ કર્યો હતો કે, કોઈપણ યુવતી સાથે છેડતીનો બનાવ બને છે કે નહીં? તેમજ કોઈ ગંદા ઇશારા કરે છે કે તેમને ગંદી રીતે સ્પર્શ કરવાનો કોઈ પ્રયાસ કરે છે તો શું સ્થિતિ હોય છે? પ્રવાસ દરમિયાન અમે અલગ અલગ રૂટ પર ફર્યાં હતાં. જેમાં હું યુનિવર્સિટી રોડ પર હતી. અમારો ઉદ્દેશ એ જ હતો કે, વિદ્યાર્થિનીઓ-યુવતીઓને કોઈ મુશ્કેલી પડે નહીં. એટલા માટે અમે આ પ્રયાસ કર્યો હતો. આગામી દિવસોમાં પણ આ રીતે અમે પ્રયાસ કરવાના છીએ. આખી મુસાફરી દરમિયાન અમે સામાન્ય વ્યક્તિની જેમ જ ટિકિટ ખરીદી હતી. બસમાં જગ્યા ન મળે તો ઊભાં રહ્યાં હતાં અને કોઈપણ જગ્યાએ સામાન્ય લોકોને પણ ખબર ના પડે કે અમે પોલીસ છે તે રીતે વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાઓની તકલીફ જાણવા પ્રયોગ જારી રહેશે
અમારે ખાસ એ જાણવું હતું કે, યુવતીઓ કે મહિલાઓને કોઈ તકલીફ પડે છે અથવા આ મહિલા સાથે કંઈ થાય છે. અમારી ટીમને આ દરમિયાન કોઈની ફરિયાદ આવે તો અમે આગામી દિવસોમાં તે જગ્યાએ પણ જઈને આ પ્રકારની ગતિવિધિ ચાલુ રાખીશું. જેમાં કોઈ પણ અમને ફરિયાદ કરી શકે છે કે અમારી પાસે આવી શકે છે. ફરિયાદ આવશે ત્યાં અમે અમારી ટીમના માણસો સાથે જઈશું. આગામી દિવસોમાં પણ આ પ્રકારે રાઉન્ડમાં નીકળશું.

સવારે 10 વાગ્યાથી પોલીસ સામાન્ય લોકો સાથે
ડો. લવીના સિંહાએ જણાવ્યું હતું કે, અમે સવારે 10 વાગ્યાથી જ સ્ટુડન્ટની જ્યાં અવર-જવર હોય છે, તે વિસ્તારની પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર શરૂ કરી હતી. હું AMTS બસમાં હતી, જ્યાં બે કલાક સુધી AMTS બસમાં અમે ફર્યાં હતાં. બે મહિલા PSI, જેમાં એક મહિલા PSI સ્ટાફ સાથે BRTSમાં, બીજી મહિલા PSI સ્ટાફ સાથે મેટ્રો ટ્રેનમાં સફર કરી હતી.

ઝોન-1 ડીસીપી ડો. લવીના સિંહાની તેમના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવેલી તસવીર
ઝોન-1 ડીસીપી ડો. લવીના સિંહાની તેમના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવેલી તસવીર

આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઈઝ વિઝિટ ચાલુ રહેશે
ડો. લવીના સિંહાએ જણાવ્યું હતું કે, હાલમાં મહિલા વીક ચાલી રહ્યું છે. તે સંદર્ભે અમે મહિલાઓની સુરક્ષા માટે જાતઅનુભવ માટે પ્રયાસ કર્યો છે, પણ આગામી દિવસોમાં અમે આ પ્રકારે પ્રેક્ટિસ ચાલુ જ રાખીશું. કોઈપણ મહિલાને કોઈપણ જાતની ફરિયાદ હોય તો સીધો અમારો સંપર્ક કરી શકે છે. અમારી ટીમ તેમની સાથે મદદ માટે હાજર રહેશે.

ડૉ. લવીના સિંહા વિશે જાણો
ડો. લવીના સિંહાએ પોતાનો પ્રોબેશન પિરિયડ હિંમતનગરમાં પૂરો કર્યો. એ પછી વિરમગામમાં ACP તરીકે ફરજ બજાવી. અત્યારે તેઓ અમદાવાદમાં ઝોન-1માં DCP તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ગાંધીનગરના ડૉ. લવીના સિંહાએ MBBS અને MD (મેડિસિન) કર્યા પછી બે હોસ્પિટલમાં જોબ કરી હતી. પછી UPSC પરીક્ષા ક્રેક કરીને ડૉ. લવીના સિંહા આઈ. પી. એસ. બન્યાં. હાલમાં તેઓ અમદાવાદ ઝોન -1 ના DCP તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ગુજરાતના ચીફ સેક્રેટરી રહી ચૂકેલા IAS વરેશ સિંહા અને અનીતાબહેનની દીકરી ડૉ. લવીના સિંહાએ ધોરણ- 10 અને 12મા 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હતા. આ પછી તેમણે મેડિસિનમાં MBBS અને MD સુધીનો અભ્યાસ કર્યો. પછી ડૉ. લવીના સોલા હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં તબીબ તરીકે કાર્યરત હતાં..

અન્ય સમાચારો પણ છે...