તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજની રિપોર્ટર:કોંગ્રેસના નવા પ્રમુખ, સોલંકી કે ગોહિલઃ અટકળો શરૂ થઈ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કોંગ્રેસ અંગે હાલ વાત કરવી આમ તો થોડી અપ્રસ્તૂત છે, કારણ કે તેમના વિશે સાંભળવામાં બહુ ઓછા લોકોને રસ છે. પાર્ટી ધીરેધીરે ઠંડી પડી રહી છે અને હવે તેમાં ગરમાવો લાવવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલાશે તેવી ચર્ચા છે. પ્રદેશ પ્રમુખ તરીકે હાલ બે નામ વિશેષ ચર્ચામાં છે, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી. જ્ઞાતિ સમીકરણોને જોઇને અને 2017ની ચૂંટણીના પરિણામો જોઇને ભરતસિંહ સોલંકીને પ્રમુખ બનાવાય તેવી પણ ચર્ચા છે, પરંતુ ભાંગી ગયેલી કોંગ્રેસને બેઠી કરવી હશે તો શક્તિસિંહ ગોહિલ જેવા પ્રખર નેતાને અધ્યક્ષ બનાવવા જોઇએ તેવો પણ મત છે. અલબત્ત ગોહિલને પક્ષના કાર્યકર્તાઓનો સમૂહ પીઠબળ આપશે કે કેમ તે અંગે શંકા છે. હાર્દિક પટેલના કાર્યકારી પ્રમુખના હોદ્દા અંગે પણ નિર્ણય લેવાઇ જશે તેવું સૂત્રો જણાવે છે. કદાચ હાર્દિકને હવે આ હોદ્દા પર નહીં રખાય.

એક એક્સટેન્શન લીધું, હવે બીજું લેવામાં અનિલ મુકીમને રસ નથી
વર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકીમનું ચાલું એક્સટેન્શન ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થશે. હવે તેમને સરકાર ફરી એક વધુ એક્સટેન્શન આપીને નવેમ્બર મહિના સુધી ચાલુ રાખે છે કે તેમના સ્થાને નવા મુખ્ય સચિવ નિયુક્ત કરે છે તે નક્કી થતાં સમય લાગશે. સચિવાલયના સૂત્રો કહે છે કે શક્યતા બંને બાબતે સરખી છે. જો કે આ તરફ જાણવા મળ્યું છે કે અગાઉ પણ મુકીમ એક્સ્ટેન્શન લેવાના મૂડમાં ન હતા અને હજુ પણ નથી. વડાપ્રધાન કાર્યાલયનો આદેશ તેઓ અગાઉ ટાળી ન શક્યા, પણ આ વખતે તેઓ આ પદેથી દૂર થવા માગે છે. તેમના સ્થાને અનુગામી તરીકે મહેસૂલ અને ગૃહ વિભાગના સચિવ પંકજ કુમારને હાલ જોવાઇ રહ્યા છે.

મંત્રીઓને ય તેના પક્ષના માણસો સંભળાવી જાય છે
કોરોનાના સંક્રમણના પીક દરમિયાન ગુજરાત સરકારને પોતાની લોકપ્રિયતાનું પ્રમાણ મળી ગયું છે. હવે સરકારના મંત્રીઓને પણ પોતાના પક્ષના કાર્યકરોની ખરીખોટી સાંભળી લેવી પડે છે. એક સમયે આ જ કાર્યકર્તા મંત્રીઓની આગળપાછળ ફરતાં અને તેમનો પડ્યો બોલ ઝીલી લેતાં હતાં અને કોરોનાકાળ દરમિયાન સરકારની કાર્યશૈલીને લઇને મંત્રીઓને ફોન પર કે રૂબરૂમાં કાર્યકર્તાઓને સાંભળી લેવા પડ્યાં. હવે મંત્રીઓને પણ ચિંતા પેઠી છે કે વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે થવાની છે તે દરમિયાન પ્રવાસો દરમિયાન વિચિત્ર અનુભવ થશે અને આવા વાતાવરણમાં ફરીથી ચૂંટાઇ આવવા માટે ઘણા બધા સુધારા કરવા જરૂરી છે.

કમલ કુમાર દયાણી હવે ‘સામાન્ય’ વહીવટ કરવા નથી માંગતા !
ગુજરાત સરકારમાં સામાન્ય વહીવટ વિભાગનો હવાલો સંભાળતા સચિવ કમલ કુમાર દયાણી હવે તેમના વર્તમાન વિભાગમાં ઝાઝો સમય રહેવા નથી માંગતા. દોઢ વર્ષ કરતાં વધુ સમયથી તેઓ આ એક પદ ઉપર છે અને તેઓ આ કામથી કંટાળી ગયા હોવાનું સચિવાલયના સૂત્રો કહે છે. તેમની ઇચ્છા હવે કાંઇક મોટું કરવાની છે. તેમને મહેસૂલ કે શહેરી વિકાસ જેવાં વિભાગમાં થતાં મોટા અને પડકારજનક કામ કરવામાં રસ છે. આગામી સપ્તાહમાં ગુજરાતના આઇએએસ અધિકારીઓની બદલીના હુકમો થાય તેમ છે, જેમાં તેઓ આ ઇચ્છા પૂરી થાય તેવી આશા રાખીને બેઠા છે.

મહાપાત્રાની તબિયત સુધારા પર, પણ મોટી જવાબદારી નહીં લઈ શકે
કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર રહેલા આઇએએસ અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રા કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમની તબિયત નાજુક થઇ હતી. સારવાર દરમિયાન તેઓને ત્રણેક વાર વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. જો કે હવે ધીરેધીરે તેમની તબિયત સુધરી રહી છે, પરંતુ તેઓ મોટું કાર્યભારણ લઇ શકે તેમ નથી. એક તબક્કે ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે તેમની નિયુક્તિ થઇ શકે તેવી અટકળો ચાલી હતી. પરંતુ તેમની શારીરિક સ્થિતિને ધ્યાને લેતાં આવી બોજાયુક્ત જવાબદારી તેમને મળે તેવી શક્યતા ઓછી છે. તેઓ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે.

ભાજપના મહામંત્રી બનાવાયેલા પ્રદીપસિંહ વાઘેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો પર્યાય બનશે કે વિકલ્પ?
ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પોતાની ટીમમાં મહામંત્રી તરીકે યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલાની નિયુક્તિ કરી છે. જેથી રાતોરાત તેમનું કદ ખૂબ જ વધી ગયું છે. ભાજપના સૂત્રો કહે છે કે વાઘેલાની નિયુક્તિ કરી પાટીલે પોતાની ટીમમાં તેમનું જ નામ ધરાવતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની લગોલગ લાવીને મૂકી દીધા છે. આ બન્ને નેતાઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. સરકારમાં જેમ પ્રદીપસિંહ જાડેજાનો દબદબો છે, તે જ રીતે સંગઠનમાં પ્રદીપસિંહ વાઘેલાનો દબદબો સમાંતર રીતે રહે તેવો વ્યૂહ અપનાવાયો હોવાનું પક્ષના સૂત્રો કહે છે. જો કે વાઘેલા જાડેજાનો પર્યાય બને કે વિકલ્પ તે અંગે સ્પષ્ટતા કોઇ કરતું નથી.

નોકરી છોડી ભાજપમાં જોડાયેલા ગુજરાતના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી એ કે શર્મા યુપીમાં મંત્રી બનશે
ગુજરાત કેડરના 1988 બેચના ભૂતપૂર્વ આઇએએસ અરવિંદ કુમાર શર્મા ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા અધિકારી શર્મા તેમના કાર્યાલયમાં લાંબો સમય રહ્યા બાદ થોડો સમય લઘુ અને મધ્યમકક્ષાના ઉદ્યોગોના મંત્રાલયમાં સચિવ પણ રહ્યા. જો કે થોડા સમય પહેલાં જ તેઓએ સરકારી અધિકારી તરીકે રાજીનામું આપી ભાજપ જોઇન કર્યું હતું અને તે પછી તેઓ ઉત્તર પ્રદેશની વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે વખતે યોગીએ પોતાના મંત્રીમંડળમાં તેમનો સમાવેશ ન કર્યો પણ હવે ટૂંક સમયમાં તેઓ યોગીની કેબિનેટમાં હેવીવેઇટ પોર્ટફોલિયો ધરાવતા મંત્રી બની જશે.

અન્ય સમાચારો પણ છે...