ભારતીય જનતા પાર્ટી અને પીએમ નરેન્દ્ર મોદી હંમેશા સરપ્રાઇઝ આપતા હોય છે. શુક્રવારે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અનેક નામોની અટકળ વચ્ચે કમલમ ખાતે ભૂપેન્દ્ર પટેલની નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ કરાઈ હતી. તેમણે મીડિયાને કહ્યું કે મને કોઇ અણસાર ન હતો, પાર્ટીની એ પદ્ધતિ જ નથી. તેઓ એક સરળ સ્વભાવના વ્યક્તિ છે અને સાદગીથી રહે છે. પાર્ટીની કામગીરી, લોકસેવા અને વિકાસ કામોમાં તેઓ તત્પર રહે છે. ત્યારે નવનિયુક્ત મુખ્યમંત્રીની 25 તસવીરો જુઓ.
ઘાટલોડિયા વિધાનસભા બેઠકના બીજા મુખ્યમંત્રી, પહેલા બેન અને હવે દાદા
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી બીજા ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે, અગાઉ આનંદીબેન પટેલ 2012માં આ જ વિધાનસભામાંથી ચૂંટાયેલા હતા. 2014માં મુખ્યમંત્રી બન્યા હતા. બેનના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાની ટિકિટ બેનની ભલામણથી આપવામાં આવી હતી, અને ભૂપેન્દ્ર પટેલ પણ બેનની બેઠક પર ધારાસભ્ય પણ બન્યા અને બેનની જેમ મુખ્યમંત્રી પણ મળ્યા હતા.
કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે ભૂપેન્દ્ર પટેલ
ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ કરનારા ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. એટલું જ નહીં, તેમના પિતા રજનીભાઈ પટેલ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં રહેતા હતા. આ કારણથી જ ભૂપેન્દ્રભાઈને 'કડવાપોળના લાડકવાયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે અને એટલે જ ઘાટલોડિયા બેઠક આનંદીબેને ખાલી કરી તો તેમણે ભૂપેન્દ્ર પટેલને અહીંથી ટિકિટ અપાવી હતી.
બેનના આશીર્વાદ હંમેશાં રહ્યા છે અને રહેશે
ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા અને અમિત શાહનો આભાર માનું છું. ગુજરાતના સી આર પાટીલ અને વિજયભાઈની ટીમનો આભાર માનું છું. આનંદીબેનના આશીર્વાદ હંમેશાં રહ્યાં છે અને રહેશે. ગુજરાતના જે કામો છે. તે અમે સંગઠન અને સરકાર સાથે મળીને અત્યારસુધી જે સારા કામો થયા છે. છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રયાસો થઇ રહ્યાં છે. હવે જે કામ બાકી હશે તે અમે નવેસરથી પ્લાન કરી સંગઠન સાથે બેસી ખૂબ સારી રીતે આગળ વધે તેના માટે પ્રયત્નો કરીશું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.