ભાજપની બજેટમાં દરખાસ્ત:સાબરમતી રિવરફ્રન્ટ પર 180 કરોડના ખર્ચે 7 માળની નવી VS બનશે, 20 ICU હશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
VS હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
VS હોસ્પિટલ - ફાઇલ તસવીર
 • SVPને પ્રમોટ કરવા જૂની VSને 1500માંથી 120 બેડમાં સમેટી લેવાઈ હતી
 • 45 હજાર ચોરસ મીટરમાં બનનારી હોસ્પિટલ માટે 20 હજાર ચોરસ મીટર પાર્કિંગ રખાશે

વી.એસ. હોસ્પિટલને નામશેષ કરવાના પ્રયાસો બાદ આખરે કોરોનાથી બદલાયેલી સ્થિતિમાં રિવરફ્રન્ટ પર જૂની વીએસની નજીક 180 કરોડના ખર્ચે નવી 7 માળની વીએસ હોસ્પિટલ ઉભી કરવા 3 કંપનીએ ટેન્ડર ભર્યા છે. ટેન્ડર ખૂલ્યા બાદ બે વર્ષના સમયગાળામાં વી.એસ. હોસ્પિટલને પુન: ધમધમતી કરવામાં આવશે. 7 માળના બિલ્ડિંગમાં નવી વી.એસ. હોસ્પિટલ બનાવવા માટે ભાજપે બજેટમાં દરખાસ્ત મૂકી હતી.

45 હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાં લગભગ તમામ સુવિધા સાથે આ નવું બિલ્ડિંગ આકાર પામશે. જેમાં 20 હજાર ચો.મી. જેટલી જગ્યા પાર્કિંગ માટે રહેશે. એસવીપી હોસ્પિટલને પ્રમોટ કરવા માટે 2018માં મ્યુનિ.ના તત્કાલી સત્તાધીશો દ્વારા 1500 બેડની વીએસ હોસ્પિટલને માત્ર 120 બેડમાં સમેટી લીધી હતી. જોકે તે બાદ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ સહિતના વિપક્ષના નેતાઓ દ્વારા સતત આ બાબતે આંદોલન કરવામાં આવ્યા હતા.

પરિણામે કોરોના દરમ્યાન નાગરિકોને પડેલી તકલીફો અને હાઇકોર્ટમાં થયેલી પિટિશનને ધ્યાને લઇ ફરીથી વી.એસ. હોસ્પિટલ ધમધમતી કરવામાં આવી હતી. અને ચાલુ વર્ષે બજેટમાં તેના માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી હતી. 16 એપ્રિલે ટેન્ડરની છેલ્લી તારીખ સુધીમાં 3 કંપનીએ ટેન્ડર ભર્યા હતા જેમાંથી પસંદગી થશે.

સુપર સ્પેશિયાલિટી સાથે 8 ઓપરેશન થિયેટર

 • 378થી વધારે સામાન્ય બેડ
 • 20 આઇસીસીયુ
 • 8 ઓપરેશન થિયેટર
 • રેડિયોલોજી વિભાગ
 • સુપર સ્પેશિયાલિટી વિભાગ
 • ઓપીડી
 • પેથેલોજી લેબોરેટરી
 • કેમિસ્ટ્રી, બાયોલોજીકલ લેબોરેટરી
 • 20 હજાર ચોરસ મીટરનું પાર્કિંગ
અન્ય સમાચારો પણ છે...