મહિલાઓ અસુરક્ષિત:ચાંદખેડામાં એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી અભયમ હેલ્પલાઈનની મહિલા કર્મીની પાડોશીએ છેડતી કરી, બૂમાબૂમ કરતા ફરાર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કર્મીની તબિયત સારી ન હોવાથી રજા રાખી પોતાના ચાંદખેડા સ્થિત બંગલોમાં ઘરે હતી

યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે સરકાર અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ્ હેલ્પલાઈન 181ની જ કર્મચારી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઘરમાં યુવતીની એકલતાનો લાભ લઇ પાડોશી યુવકે ઘરમાં ઘુસી તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા યુવક પાછળના દરવાજેથી નાસી ગયો હતો. યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવતી પૂજાપાઠ કરવા બેઠી હતી
ચાંદખેડા વિસ્તારમાં આવેલા બંગ્લોઝમાં 34 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતીની તબિયત સારી ન હોય હાલમાં પોતે રજા પર હોવાથી ઘરે જ હતી. દિવાળી આવતી હોવાથી યુવતીના માતા-પિતા વતનમાં ઘરની સફાઈ અને અન્ય કામથી ગયા હતા. ઘરે ભાઈ અને બહેન એકલા જ રહેતા હતા. ગુરુવારે સવારે યુવતીનો ભાઈ નોકરી ગયો હતો અને યુવતી ઘરે એકલી હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ યુવતી રૂમમાં પૂજાપાઠ કરવા બેઠી હતી. દરમિયાનમાં અવાજ આવતા તેને એવો અહેસાસ થયો હતો કે ભાઈ આવ્યો છે. જેથી તેણે ભાઈના નામે બૂમ પાડી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

યુવતીએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરી
યુવતી ઊભી થઇને જોવા જતાં બાજુમાં રહેતો પરેશ નામનો યુવક ઘરમાં ઘુસી આવ્યો હતો. ઘરમાં કેમ આવ્યા છો કહેતા જ તું મારી વાત સાંભળ કહી લાજ લેવા આગળ આવતા યુવતીએ બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેનો ભાઈ પણ આવી ગયો હતો. દરમિયાનમાં યુવક પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો. પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...