વડોદરા મહેંદી મર્ડર કેસ:પાડોશીએ કહ્યુ, ‘આવા માણસને તો ફાંસીની સજા કે આજીવન કેદ થવી જોઇએ’

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાડોશી મહિલાની તસવીર - Divya Bhaskar
પાડોશી મહિલાની તસવીર

મહેંદી અને સચિનની બાજુમાં રહેતી મહિલા અમિતા તિવારીએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં મારી બાજુના ફ્લેટમાં એક ભાઇ અને તેમના પત્ની બાળકની સાથે રહેવા આવ્યાં હતાં પણ અમારા પરિવાર જોડે તેમની વાતચીત થતી ન હતી. મેં એક બે વખત તે યુવતી જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે મારી સાથે વાત કરવાનું ટાળ્યું હતું. 4 દિવસ પહેલાં રાત્રે 10-30 વાગ્યાની આસપાસ તેમના બાળકનો જોરથી રડવાનો અવાજ આવ્યો હતો અને બાળક લાંબો સમય રડ્યું પણ હતું, પણ બાળકો આ રીતે રાત્રે રડતાં હોય છે તેથી અમે કંઇ ગણકાર્યું ન હતું. બંને વચ્ચે ઝઘડો થયો હોવાનો કોઇ અવાજ સંભળાયો ન હતો. આજે બપોરે મારા પતિ ડ્યૂટી પર જવા નીકળ્યા ત્યારે તેમને ભારે દુર્ગંધ પણ આવી હતી. બંને જણા ખાસ બહાર નીકળતાં ન હતાં અને તેમનો દરવાજો પણ બંધ જ રહેતો હતો. તેમના ઘરમાં ખાસ સામાન પણ ન હતો. મને ખબર ન હતી કે, આ યુવતી તેની ગર્લફ્રેન્ડ છે. આવા માણસને તો ફાંસીની સજા કે આજીવન કેદ થવી જોઇએ. તેણે બાળકને પણ તરછોડવાનું ખરાબ કૃત્ય કર્યું હતું.

મહેંદી કોઇની સાથે વાતચીત કરતી ન હતી
દર્શનમ ઓએસિસમાં યુવતીની હત્યા થઇ હોવાના સમાચાર પ્રસરી જતાં દર્શનમ ઓએસિસ બિલ્ડિંગના રહીશો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસ પહોંચતાં રહીશો પોતપોતાના ફ્લેટની ગેલેરીમાં ઊભા રહીને પોલીસની ગતિવિધિઓ નિહાળી રહ્યા હતા. એક મહિલાએ જણાવ્યું હતું કે, મહેંદી ખૂબ જ સ્વરૂપવાન દેખાતી હતી પણ અમારી તેની સાથે ખાસ વાતચીત થતી ન હતી. જ્યારે પાર્કિંગમાં રહેલી અમારી કાર કાઢવાની હતી અને તેમનું વાહન વચ્ચે મૂકેલું હોવાથી તેમની સાથે એકવાર વાતચીત થઇ હતી. તમામ પાડોશીઓ આ ઘટના બાદ હેબતાયેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...