મારપીટની ફરિયાદ:સિંધુભવન પાસે અશ્વવિલા બંગલોમાં પાડોશીએ સામવેદ હોસ્પિટલના ડો. ભરત પટેલ અને દીકરાને માર માર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન - Divya Bhaskar
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન
  • વેવાઈ પક્ષની મહિલાની કાર બ્લેક ફોર્ચ્યુનરને અથડાવી ત્યારે તેના ચાલક સાથે ડોક્ટર સહિતના વાત કરતા હતા
  • પાડોશીએ લાફો મારતા ડોક્ટરના આંખે 30 ટકા વિઝન રહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

શહેરના પોશ ગણાતા સિંધુભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોમાં રહેતા સામવેદ હોસ્પિટલના માલિક ભરત પટેલ અને તેમના સ્વજનોને પડોશમાં રહેતા લોકોએ ડંડા અને હાથથી માર માર્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. સ્વજનની કારને કોઈ અન્ય કાર ભટકતા તેઓ બહાર દોડી આવ્યા હતા. ત્યારે પડોશમાં રહેતા લોકો રેન્જ રોવર કારમાંથી ઉતરીને આવ્યા અને ડોક્ટર ભરત પટેલ અને તેમના સ્વજનને હાથ અને દંડા વડે મારતા તમને આંખમાં 30 ટકા જેટલું જ દેખાય છે તેવું ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલ આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડોક્ટરના પૌત્રીને મહિલા ક્લાસમાં લઈ જવા ઘરે આવી હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડો. ભરત પટેલ સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ નવરંગપુરા વિસ્તારમાં સામવેદ હોસ્પિટલ ધરાવે છે. 15મી ઓક્ટોબરે ભરતભાઈને વેવાઈ પક્ષમાંથી જિલ પટેલ કારમાં ભરતભાઈને દીકરાની દીકરીને ક્લાસમાંથી લઈને ઘર પાસે આવ્યા હતા. ત્યારે એક બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર સાથે ભટકાઈ હતી.

ડોક્ટર કંઈ સમજે એ પહેલા જ પાડોશીએ લાફો ઝિંક્યો
અવાજ આવતા ભરતભાઈ અને તેમનો દીકરો ધ્યાન અને સોસાયટીના સભ્ય ફોર્ચ્યુનર કારવાળા સાથે વાત કરતા હતા. તે સમયે સોસાયટીમાં રહેતા જીતુભા વાઘેલા અને તેમનો દીકરો પુષ્પરાજ વાઘેલા રેન્જ રોવર કારમાંથી ઉતરીને ભરતભાઇ જ્યાં ઉભા હતા, ત્યાં આવ્યા ત્યારે જીતુભાએ ભરતભાઈને આંખ પાસે કોઈ વાત કર્યા વગર જોરથી લાફો મારી દીધો હતો. ત્યાર બાદ ભરતભાઈને લાકડાના દંડાનો ફટકો મારતા તેઓને આંખે અંધારા આવતા નીચે પટકાયા હતા.

પાડોશીના દીકરાએ ડોક્ટરના દીકરાને માર માર્યો
દંડો વાગ્યા બાદ ભરતભાઇને આંખમાં 30 ટકા જેટલું જ દેખાય છે તેવું પોલીસને જણાવ્યું છે. ત્યારબાદ જીતુભાના દીકરા પુષ્પરાજ ભરતભાઈના દીકરાને પણ માર માર્યો હતો. જેમાં ધ્યાનના કપડાં ફાટી ગયા છે. આ બનાવ બાદ ભરતભાઈએ પોલીસને જાણ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ ખાંભલાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ શુક્રવારે આ અંગે અમે ફરિયાદ દાખલ કરી છે. જે અંગેની તપાસ ચાલી રહી છે.