રેશમા હવે 'આપ’નાં?:NCP નેતા રેશમા પટેલ જોડાઈ શકે છે AAPમાં, વિરમગામથી ચૂંટણી લડે એવી અટકળો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

NCPનાં ગુજરાત મહિલા પ્રમુખ રેશમા પટેલ આમ આદમી પાર્ટી(AAP)માં સામેલ થઈ શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થયા પછી રેશમા પટેલને ક્યાંથી લડાવવા એ પણ મોટો સવાલ બની ગયો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને એનસીપીએ ત્રણ બેઠક પર ગઠબંધન કર્યું છે. એની સાથે જ રેશમા પટેલની સૌરાષ્ટ્રથી ચૂંટણી લડવાની ઈચ્છા રહી ગઈ હતી. ત્યારે નારાજ રેશમા પટેલે AAPનો હાથ પકડ્યો છે.

તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં AAPમાં જોડાશે. એની સાથે જ રેશમા પટેલને આમ આદમી પાર્ટી વિરમગામથી હાર્દિકની સામે લડાવવાની તૈયારી કરી રહી છે. વિરમગામ બેઠક પર AAP દ્વારા ઠાકોર સમાજના આગેવાન ચંદુજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે રેશમા પટેલ આંદોલનના જૂના સાથી સામે મેદાને ઊતરશે.

એનસીપીના દિગ્ગજ નેતાઓ નારાજ જોવા મળ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસનું માત્ર ત્રણ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે, જેને કારણે એનસીપીના દિગ્ગજ નેતાઓ નારાજ જોવા મળ્યા છે, જેમાં કાંધલ જાડેજાએ રાજીનામું આપી અપક્ષમાંથી લડવાનું નક્કી કર્યું છે. એવામાં રેશમા પટેલે આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડ્યું છે.

કોંગ્રેસ દ્વારા ફક્ત ત્રણ બેઠક પર એનસીપી સાથે ગઠબંધન
એનસીપી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન દરમિયાન ગોંડલમાંથી રેશમા પટેલે એનસીપીના મેન્ડેટ પરથી કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટની માગ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત કોંગ્રેસ દ્વારા ફક્ત ત્રણ બેઠક પર જ એનસીપીને સાથે રાખીને ગઠબંધન કરવામાં આવ્યું છે. એેને કારણે રેશમા પટેલ નારાજ હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...