રેશમા પટેલ લગ્ન બંધનમાં બંધાશે:NCPના મહિલા નેતાએ ગોંડલના યુવક સાથે કરી સગાઈ, ફેસબુક પર ફોટો શેર કર્યા

અમદાવાદએક મહિનો પહેલા

એનસીપી નેતા રેશમા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે સગાઈ કરી લીધી છે. આ અંગે તેમને ફેસબુક પર પોસ્ટ કરી જાણકારી આપી હતી. જેમાં તેમણે રિંગ સેરેમનીના ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેમણે લખ્યું છે કે, મેં મારું લાસ્ટ નામ ચેન્જ કરવાનો નિર્ણય કરી લીધો છે. મારા જીવનમાં આવેલી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. ત્યારે હાલ રેશમા પટેલ ગોંડલ અથવા માણાવદર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

કોણ છે રેશમા પટેલ
NCP નેતા રેશમા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. આ ગામ માણાવદર વિધાનસભામાં આવે છે. જોકે, તેમનો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવાલે વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. જોકે, તેમણે જીવનસંઘર્ષમાં ટકી રહેવા જૂનાગઢ અને અમદાવાદમાં નાની-મોટી નોકરીઓ પણ કરી હતી. આ ઉપરાંત એક તબક્કે મોડલિંગ પણ કર્યું હતું. જોકે, 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને બાદમાં 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણમાં ઝંપલાવ્યું હતું.

માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ
રેશમા પટેલ નામ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યું હતું. ધારદાર ભાષણથી હાર્દિક પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા રેશમા પટેલ તેની સાથે પાટીદાર આંદોલનમાં સાથે રહ્યા હતા. પરંતુ હાર્દિક સાથે વાંધો પડતા 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ સામે પણ વાંધો પડતા તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો. ત્યારબાદ અપક્ષમાંથી વર્ષ 2019 લોકસભા માટે તેમણે પોરબંદર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. જોકે, ત્યારે પછી NCPમાં જોડાતા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું. ત્યારે હાલ રેશમા પટેલ ગોંડલ અથવા માણાવદર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...