પોલીસને ખાસ ટ્રેનિંગ:અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડનારની હવે ખેર નથી, શહેરમાં ડ્રગ્સના સોદાગરોને પકડવા પોલીસની ખાસ ટીમ તૈયાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ( ફાઈલ ફોટો)
  • ડ્રગ્સના આરોપી પકડવા, પુરાવા એકત્ર કરવા, પેપરવર્ક અંગે NCBની ટીમે પોલીસને માહિતગાર કરી

ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સના કારણે અનેક યુવાનો નશાના રવાડે ચઢી ગયા છે. ગુજરાતના દરિયાઈ માર્ગથી કરોડોનું ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું અને વિદેશની ધરતી પર બેઠેલા તેના આકાઓ હજી સુધી બિંદાસ્ત ફરી રહ્યા છે. તેની પાછળ ભારતમાં જ રહેલા રૂપિયાના લાલચુ લોકો યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યા છે. પરંતુ હવે પોલીસને પણ સેન્ટ્રલ એજન્સીની જેમ કામ કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે. તમામ પોલીસ ઇન્સપેક્ટરને આ માટે પોલીસ કમિશનર, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ દવારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ માટે પોલીસની એક ખાસ ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે.

શહેરને ડ્રગ્સ મુક્ત કરવા પ્રયાસ હાથ ધરાયો
અમદાવાદના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરને તાજેતરમાં ડ્રગ્સના કેસમાં વધુમાં વધુ કડક કાર્યવાહી થઈ શકે અને આરોપી સહેજ પણ છટકી ના શકે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની સાથે NCBના અધિકારી તેમજ નિષ્ણાત વકીલની હાજરીમાં યોજાયેલા સેમિનારમાં ખાસ માહિતી આપવામાં આવી હતી.શહેરની મહત્વની એજન્સી તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. જેમાં નાર્કોટિક્સ અંગે કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગેની માહિતી આપી હતી.જેનાથી શહેરને ડ્રગ્સ મુક્ત બનાવી શકાય અને તે દીશામાં પ્રયાસ હાથ ધરી શકાય.

આરોપીઓને પકડવા પોલીસને NCBએ ખાસ ટ્રેનિંગ આપી ( પ્રતિકાત્મક તસવીર)
આરોપીઓને પકડવા પોલીસને NCBએ ખાસ ટ્રેનિંગ આપી ( પ્રતિકાત્મક તસવીર)

હવે ગુનાગારો પોલીસના હાથે છટકી નહીં શકે
આ અંગે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, શહેરમાં નાર્કોટિક્સના કેસમાં પોલીસ ઇન્સ્પેકટરોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું, ક્યાં મુદ્દાને મહત્વ આપવું જેથી આરોપી બચી ન શકે તેમજ કોર્ટમાં ક્યાં પુરાવાઓ મહત્વના હોય છે તે અંગે ખાસ માહિતી આપવામાં આવી હતી. શહેરને ડ્રગ્સ મુક્ત કરવા અને આરોપીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી તે ગુનામાંથી છટકી ન શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

ક્રાઇમ વિભાગે તાજેતરમાં ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે
તહેવારોના કારણે ખાસ ડ્રાઈવ શરૂ કરવામા આવી હતી. જેમાં વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ તેમજ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ પર નજર રાખવા માટે શહેર પોલીસ ખાસ એલર્ટ પર હતી. આ અંગે કામ કરતી સીઆઇડી ક્રાઇમ વિભાગે તાજેતરમાં ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે. જેમાં પણ ડ્રગ્સ અંગેની માહિતી મળતા તરત કાર્યવાહી કરવા ખાસ ટીમ બનાવી દીધી છે. NCB દ્વારા રાજ્યનાં મોટા શહેરમાં ડ્રગ્સ માટે એલર્ટ પર છે જે સ્થાનિક પોલીસ અને ગુજરાત પોલીસની મહત્વની એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.

ડ્રગ્સ પેડલરો હવે બચી નહીં શકે ( પ્રતિકાત્મક તસવીર)
ડ્રગ્સ પેડલરો હવે બચી નહીં શકે ( પ્રતિકાત્મક તસવીર)

આંતરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી માટે હોટસ્પોટ બન્યું ગુજરાત?
મુંબઈથી ઉપડેલા ક્રુઝમાં માલેતુજાર પરિવારના નબીરા સહિત અનેક લોકો શરાબ અને ડ્રગ્સની હાલતમાં હતા. આ પાર્ટીમાં પકડાયેલા લોકોમાં NCB દ્વારા ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું છે જેમાં શાહરૂખખાનનો દીકરો આર્યન પણ પકડાયો છે.ગુજરાતનો દરિયો ઘણા સમયથી આંતરાષ્ટ્રી ડ્રગ તસ્કરી માટે હોટસ્પોટ બન્યું છે. ત્યારે ગુજરાત પર કેન્દ્રની અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નવરાત્રીના સમયમાં કોઈ તત્વો ડ્રગ્સ ડિલિવરી કરતા કે રિસીવ કરતા હોય તેના પર ખાસ વોચ રાખવા માટે આ વખતે એજન્સીઓ મેન્યુલ સ્પોર્ટની સાથે સોશિયલ મીડિયા પર વોચ રાખી રહ્યા છે.