'નાનો હતો એ વખતે ગરીબી એવી હતી એક સમયનું જ જમવાનું મળતું. બાકીનો દિવસ ભૂખ્યા રહેતા હતા. પપ્પા મજૂરી કરે અને અમે ચાર ભાઈ ભણતા હતા. એ 4 ભાઈનો ખર્ચ ઉપાડી નહોતા શકતા. આશ્રમ શાળામાં ભણતો ત્યારે પહેલી વાર શાક આવે એમાં જ સબ્જીના બટકા હોય, બીજીવાર તો પાણીમાં જ રોટલો ચોળીને ખાતા. ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ ક્વોટામાં સિલેકટ થયો ત્યાં જમવાની ફેસિલિટી સારી હતી. ઘણીવાર એવું પણ બનતું એક શૂઝની જોડી આખું વર્ષ ચલાવતો. શૂઝ ના હોય ત્યારે ઇજાઓ ઘણી થતી. પગ મચકોડાઈ જાય. ઘૂંટણમાં દર્દ થાય. વર્ષમાં 3-4 વાર ઇજાઓ થઈ જતી અને બે મહિના બેસી રહેવું પડતું. રનિંગના શૂઝ ઓછામાં ઓછા 5થી 10 હજાર રૂપિયાના આવે. વર્ષ 2018 બાદથી મેં પણ ઘરેથી રૂપિયા લેવાનું બંધ કરી દીધું. ક્યારેક મિત્રો પાસેથી લેતો. અગાઉ કહ્યું એમ થોડા રૂપિયા ખેલ મહાકુંભમાંથી, બીજાં અમારાં મેડમ કોચ મદદ કરતાં.'
કહેવત છે કે સંઘર્ષ વિના સફળતા નથી મળતી. એ જ ઉક્તિને સાર્થક કરતો એક 22 વર્ષીય યુવાન ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી બહાર નીકળીને આગળ વધ્યો છે અને ખુદ ભારતીય નેવીએ તેને સામેથી નોકરીની ઓફર કરી છે. આ યુવાન છે નિતેશકુમાર રૂપસિંહભાઈ રાઠવા. છોટાઉદેપુર જિલ્લાના નાના એવા ગામના યુવાને નાનપણમાં જ નક્કી કરી લીધું હતું કે ગામના બીજા યુવાનોની જેમ કારખાનાની નોકરી કે મજૂરી નથી કરવી. ત્યાર બાદ તેણે રમતગમતને જ પોતાનું અંતિમ લક્ષ્ય બનાવી દીધું.
કોણ છે નિતેશ રાઠવા?
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાટકૂવા ગામ સાવ કાચા મકાનમાં રહેતા નિતેશનો પરિવાર મજૂરી અને ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. જોકે ચોમાસામાં વરસાદ હોય તો ખેતી થાય છે. પાક થઈ જાય તો જાનવરોનો ત્રાસ હોય છે, એટલે કોઈ એ સંભાળવા માટે સતત જાગવું જ પડે. નિતેશના પિતા રૂપસિંહભાઈ કડિયાકામ કરે છે. માતા રયલીબેન ઘરકામ કરે છે. નિતેશ ચારભાઈઓમાંથી ત્રીજા નંબર પર છે. મોટોભાઈ પિતાને મદદ કરે છે અને બાકીના બે ભાઈ કોલેજમાં સ્ટડી કરે છે. જ્યારે નિતેશે બારમું ધોરણ ભણ્યા પછી નેવી જોઇન કરી હતી.
પિતાએ પણ થાકીને કહ્યું- બહુ ભણ્યા હવે મારી પાસે પૈસા નથી
નિતેશ કહે છે, મારા પિતા કડિયાકામ કરે છે. એમ છતાં જ્યારે પણ જરૂર પડી તેમણે મને મદદ કરી છે. એ પછી એકેડેમીમાંથી મદદ મળી હતી. મારા પ્રિન્સિપાલ મીનાભાઈએ અમને માર્ગદર્શન આપ્યું હતું કે તમે સ્પોર્ટ્સમાં આગળ વધો. એમાંથી તમને નોકરી મળશે. એક સમય એવો હતો કે મારે શૂઝ લાવવા રૂપિયાની જરૂર હતી ત્યારે માતા-પિતાએ પણ મને કહ્યું હતું કે આટલું ભણી લીધું; હવે બહુ થયું. હવે રહેવા દો. મારી પાસે રૂપિયા નથી. તો મેં કહ્યું કે અત્યારસુધી તમે કડિયાકામ કર્યું, અમે પણ એ જ કરીશું? તમે રૂપિયા નહીં આપો તો કાંઈ નહીં, હું જાતે કઈ કરીશ. એ પછી મારાં એક મેડમ પાસેથી રૂપિયા માગ્યા હતા.
નેવીના કોચની મારા પર નજર પડી
નિતેશ રાઠવા જણાવે છે કે વર્ષ 2019-20માં હું એથ્લેટિકમાંથી આંધપ્રદેશના વારંગલ ક્રોસ કન્ટ્રી રમવા ગયો હતો. ત્યાં નેવીના કોચ આવ્યા હતા. મારું પર્ફોર્મન્સ જોઈને તેમણે પૂછ્યું કે તારે નોકરીની જરૂર છે. મેં કહ્યું હા, મારે જરૂર છે. તો તેમણે કહ્યું કે ટ્રાયલ માટે લેટર આવશે. એ લઈને તું આવજે. લેટર આવ્યો, જેમાં આઈએનએસ શિવાજી લોનાવલા ખાતે મને બોલાવ્યો હતો.
આખા દેશમાં પહેલો આવ્યો
વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિનામાં ત્યાં ભારતભરમાંથી અમે 7 છોકરા ત્યાં ટ્રાયલ આપવા આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું કે જે સારો ટાઈમિંગ આપશે. તેની ભરતી કરવામાં આવશે. એમ હું ફર્સ્ટ આવ્યો અને મારા એકલાનું સિલેક્શન થયું હતું. 10 કિમીની દોડ 31.52 મિનિટમાં પૂરી કરી હતી. મને નેવીમાંથી ઓફર મળી ત્યારે ખબર પડી કે આવી રીતે સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતી પણ થતી હોય છે. આર્મીમાં આવું થતું હોય છે એ ખબર હતી, પરંતુ મારી તો હાઇટ પણ ઓછી છે.
નેવીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં સિલેક્શન કઈ રીતે થાય?
કોઈ વ્યક્તિ નેશનલ ગેમમાં રમતી હોય અને 1થી 3 નંબરમાં તેને મેડલ મળે ત્યારે આર્મી કે એરફોર્સ વગેરેના કોચ તેમનું ટાઈમિંગ જોઈને જોબ ઓફર કરતા હોય છે. પછી કોલ લેટર ઘરે મોકલે. પછી ટ્રાયલ માટે બોલાવે. એ પછી કેન્ડિડેટનું સિલેક્શન થાય છે. નિતેશ આગળ કહે છે, સામાન્ય રીતે નેવી જોઇન કરવી હોય તો પરીક્ષા લેવાય. મારી કોઈ પરીક્ષા નથી લીધી. હાલ હું સિપાહી છું. થોડા સમયમાં હવાલદાર બની જઈશ. હું સ્પોર્ટ્સ ક્વોટામાં જોડાયો છું એટલે ફક્ત રમત પર જ ધ્યાન આપવાનું હોય છે. એ પછી જ્યારે રમત છોડી દઇશ એ પછી મારા ટ્રેડની જે ડયૂટી આવે એ કરીશ. મારી ડ્યૂટીમાં લોજિસ્ટિકમાં છે. એમાં ઓફિસર મેસમાં કામ કરવાનું હોય છે. મારી હાઇટ 161 સેમી (5 ફુટ 28 ઈંચ) છે, જ્યારે નેવીમાં સિલેક્શન માટે મિનિમમ હાઇટ 166 સેમી (5 ફૂટ 44 ઈંચ) જોઈએ.
નેવીમાં જોડાયા પછી કેવી છે સ્થિતિ?
એ અંગે તે જણાવે છે કે પહેલાં હું ખેલ મહાકુંભમાં રમતો. એમાંથી જે રૂપિયા મળે એનાથી ડાયટ, શૂઝ વગેરેનો ખર્ચો કાઢતો હતો. જ્યારે ગુજરાતમાં સ્પોર્ટ્સ એકેડેમીમાંથી રમતો ત્યારે એ લોકો બધો રમવા જવાનો, રહેવા-જમવાનો વગેરે ખર્ચો આપતા હતા, પણ શૂઝ લાવવાના પણ રૂપિયા નહોતા. આશ્રમ શાળામાં ભણતો ત્યારે તો કંઈ જ નહોતું. ખુલ્લા પગે જ ભાગતો હતો. પછી જિલ્લા લેવલે પસંદગી થઈ. નેવીમાં સ્પોર્ટ્સ માટે ફેસિલિટી ઘણી સારી છે. હવે સેલરીમાંથી બધો ખર્ચો નીકળે છે.
નોકરીની ઓફર મળી પછી.....
તે કહે છે કે નોકરીની ઓફર મળી ત્યારે લાગ્યું કે દેશની સેવા કરવા મળશે, દેશ માટે કામ કરવા મળશે. બહુ જ ખુશી હતી કે હું નેવીમાં જઉં છું. નેવીમાં સિલેક્શન થઈ ગયું. જોકે પછી મેડિકલ થવાનું હતું. એ માટે 2 વાર બોલાવ્યો હતો, કારણ કે ત્યારે જ લોકડાઉન થઈ ગયું હતું. લોકડાઉનમાં તો જેટલું પપ્પા કમાઈને લાવતા એટલું જ ખાવા મળતું હતું. અડધું મેડિકલ બાકી હતું. એ પૂરું થયા બાદ કન્ફર્મ થયું કે મારી જોબ પાકી છે. પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી એટલે પરિવાર ઘણો જ ઉત્સાહમાં હતો કે છોકરાને જોબ મળી ગઈ.
તારી હાઇટ- બોડી નથી, નેવીમાં નોકરી કેવી રીતે મળી?
ગામલોકો પણ ખુશ છે, કારણ કે ગામમાં હું પહેલો છું કે સરકારી નોકરી કરી રહ્યો છું. મારા ગામમાં લોકો કહેતા કે તારી હાઇટ-બોડી એટલી નથી તોપણ તું કેવી રીતે આટલો આગળ ગયો? કેવી રીતે સિલેક્શન થયું? ઘરે બધા મળવા આવ્યા હતા. અને કહેતા હતા કે અમારા છોકરાને પણ કહેજે કે કઈ રીતે આગળ વધવું. શું પ્રેક્ટિસ કરવી.
ગામમાં જવાનો રસ્તો પણ સરખો નથી
ગામની સ્થિતિ અંગે તે જણાવે છે કે મારા ગામમાં કોઈ ભણે છે, કોઈએ છોડી દીધું છે, કારણ કે ગામમાં સ્કૂલ છે પણ સારું શિક્ષણ નથી. ઉપરાંત ગામમાં રસ્તો ન હોવાથી વરસાદ હોય તો શિક્ષકો પણ આવી શકતા નથી. હું પોતે પહેલેથી જ બહારગામ ભણ્યો હતો. ગામના છોકરાઓ સામાન્ય રીતે 10-12 ધોરણ સુધી ભણીને કારખાનામાં નોકરીએ ચડી જાય છે.
પૈસા ન હોય તો સ્પોર્ટ્સ ક્વોટાથી પણ આર્મીમાં જોડાઈ શકો છો
તે આગળ જણાવે છે, ફોજમાં આવ્યા પછી લોકોને વધુ માહિતી મળે છે. પ્રેક્ટિસ પણ સારી થાય છે. સામાન્ય માણસ રમતક્ષેત્રમાં આ રીતે આગળ વધી ન શકે, કારણ કે ઘર પણ સંભાળવાનું હોય એટલે પૂરતું ધ્યાન ન આપી શકે, જેની પાસે રૂપિયા હોય એ વ્યક્તિ પ્રાઇવેટ એકેડેમીમાં જઈને આગળ વધી શકે છે, પરંતુ ના હોય એ ડિફેન્સના સ્પોર્ટ્સ ક્વોટામાંથી નોકરી મેળવીને પણ રમી શકે છે.
રનિંગમાં ક્યારથી રસ પડ્યો
એ આગળ કહે છે કે હું ધોરણ 1થી 4 સુધી ઘોઘંબા આશ્રમ શાળામાં ભણ્યો. ત્યાંના પ્રિન્સિપાલ અમને ખોખો, આર્ચરી, કબડ્ડી અને રનિંગ જેવી રમતો રમાડતા હતા. એ પછી સાતમા ધોરણમાં આવ્યો ત્યારે ડિસ્ટ્રિક્ટ લેવલે દેવગઢ બારિયા ખાતે સ્પોર્ટ્સ સ્કૂલમાં મારી પસંદગી થઈ હતી. પહેલી વખત રનિંગમાં સિલેકટ થયો એ પછી મેં વિચાર્યું કે એમાં જ આગળ વધુ. પહેલીવાર 400 મીટર રાંચી, ઝારખંડ રમવા ગયો હતો. સાલ 2014માં 400 મીટર દોડ નેશનલ રમવા ગયો હતો. વડોદરામાં બે વર્ષ ગુજરાત સરકાર તરફથી પીટી ઉષા એકેડેમી ચલાવવામાં આવી હતી. એ પછી 2 વર્ષ પ્રેક્ટિસ કરી. એ પછી પાછો હું દેવગઢ બારિયા જતો રહ્યો. ત્યારે દસમા ધોરણમાં ભણતો હતો. ત્યાંથી મેં 2000 મીટર દોડમાં વેસ્ટ ઝોનમાં પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાલ 2018માં સ્કૂલગેમમાં રોહતક, હરિયાણામાં 5000 મીટરમાં રમ્યો, જેમાં સિલ્વર મેડલ મળ્યો. એ પછી ગુન્ટૂર, આંધ્રપ્રદેશ ખાતે જુનિયર નેશનલમાં 10000 મીટરમાં રમ્યો, જેમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. જ્યારે નડિયાદ ખાતે સ્કૂલગેમમાં 2019માં 1500 મીટરમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. જુનિયર નેશનલમાં 2017થી 2019 સુધી 5 અને 10 કિમી રનિંગમાં આખા ભારતમાં 5 અને 6 નંબર પર રહ્યો. છેલ્લે, અદાણી મેરેથોનમાં દોડ્યો હતો અને 10000 મીટરમાં અમદાવાદ ખાતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એમાં મારો ટાઈમિંગ 30.12 મિનિટ રહ્યો હતો.
મારે એશિયન ગેમ્સમાં મેડલ લાવવો છે
નિતેશ રાઠવા પોતાના સપના અંગે જણાવે છે કે મારે મારે એશિયન ગેમ્સમાં મેડલ જીતવો છે. મેં નેવી સાથે પણ એ અંગે વાત કરી છે અને અમારા કોચ મને એ હિસાબે જ ટ્રેનિંગ આપી રહ્યા છે. શાળામાંથી રજાઓ મળે ત્યારે ઘરે ભેંસ-બકરીઓ ચરાવવા જતો હતો. મેં તો કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું કે વિમાનમાં પણ ફરીશ, પરંતુ એમાં પણ હવે ફરી લીધું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.