છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં ચર્ચાનો વિષય હતો કે રાજ્ય સરકાર નવરાત્રી યોજવા માટે મંજૂરી આપશે કે નહીં, જોકે આજે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.
દશેરા, દુર્ગાપૂજા, દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ
દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ-નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ-શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વમંજૂરી આવશ્યક છે. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય એના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓનો ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ-સંચાલક, આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય એનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.
સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ
ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ, ચૂંટણી પ્રચારને છૂટ!
કોરોના સંક્રમણના કારણે એકતરફ સરકાર નવરાત્રી, દશેરા, દુર્ગા પૂજા અને દિવાળી જેવા ધાર્મિક તહેવારોના આયોજન પર પ્રતિબંધ મૂકી રહી છે અને એ માટે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી રહી છે. પરંતુ આ તહેવારો દરમિયાન જ રાજ્યમાં વિધનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી જવા થઇ રહી છે. આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે ઉતારશે. કોરોનાના કારણે ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદી શકાતો હોય તો ચૂંટણી પ્રચાર માટે પણ સરકારે આ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવી જોઇએ તેવી ચર્ચા સામાન્ય નાગરિકોમાં થઇ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.